- એક હુમલાખોર આરોપી દ્વારા પણ મહિલા કોર્પોરેટરના સસરા સામે વળતી ફરિયાદ નોંધાવાઇ
જામનગર, તા.3૦ માર્ચ 2021, મંગળવાર
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં વોર્ડ નંબર સાતના ભાજપના મહિલા કોર્પોરેટરના પરિવારજનો પર લુખ્ખા તત્વોએ આતંક મચાવી મહિલા કોર્પોરેટરના સાસુ-સસરા જેઠ તેમજ ભત્રીજી વગેરે પર હીચકારો હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. જે તમામ ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે સાતેય હુમલાખોરો સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે. જે પૈકીના એક હુમલાખોર આરોપીએ મહિલા કોર્પોરેટરના પિતા સામે વળતી ફરિયાદ નોંધાવી છે.
આ હિચકારા હુમલાના બનાવની વિગત એવી છે, કે જામનગરના વોર્ડ નંબર સાતના ભાજપના મહિલા કોર્પોરેટર સોનલબેન કણજારીયાના જેઠ વસંતભાઈ વિરજીભાઇ કણજારીયા એ સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઉપર તેમજ પોતાના પિતા વિરજીભાઇ કણજારીયા ઉપર લાકડાના ધોકા પાઈપ જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી લોહીલુહાણ અને ફેક્ચર કરી નાખવા અંગે, તેમજ પોતાની માતાને પણ ઢિકા પાટુનો મારી પોતાની પુત્રી ચંદનને ઝાપટ મારી ગાલ સોજાડી દેવા અંગે તે જ વિસ્તારમાં રહેતા અનિલ રમણભાઈ ખવા, નિતીન ધનજીભાઇ ચાવડા, નયન ભીમજીભાઇ કરંગીયા, પ્રકાશ સોની અને તેના ત્રણ સાગરિતો સામે ફરિયાદ નોંધાવી છે.
આ હુમલાના બનાવવા મહિલા કોર્પોરેટરના સસરા વિરજીભાઇ કણજારીયા લોહીલુહાણ થઇ ગયા હતા જેઓને ગંભીર અવસ્થામાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત વસંતભાઈ કણજારીયાને પણ ઈજાઓ થઈ છે, તેઓની પણ સારવાર કરવામાં આવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર કોર્પોરેટર સોનલબેનના જેઠ વસંત ભાઈ કણજારીયા કે જેઓ તેમના વતી વૉર્ડમાં કાર્યભાર સંભાળતા હોય છે, જેને સૌપ્રથમ અનિલ ખવા તથા નિતીન ધનજી એ હોળીની રાત્રે એક વાગ્યે ઘર નજીક રોક્યા હતા, અને આ વિસ્તારમાં તું શું કામ દોઢો થાય છે, અને વધારે પડતો આગળ રહે છે, તેમ કહી જીભાજોડી કરી હતી. અને ઝાપટો મારી દીધી હતી. જેથી વસંતભાઈએ તેઓને અટકાવ્યા હતા.અને ઘેર જઇ પિતાને જાણ કરી હતી.
દરમિયાન અનિલ અને તેનો સાગરીત થોડીવાર પછી અન્ય પાંચ જેટલા સાગરીતો સાથે વસંતભાઈના ઘેર આવી પહોંચ્યા હતા, અને મકાનના દરવાજામાં તોડફોડ કરી હતી. ત્યાર પછી તેના પરિવારજનો પર હુમલો કરી દીધો હતો.
જે સમગ્ર મામલે પોલીસે IPC કલમ 325, 324,323,5૦4,143,147,146,148, તેમજ જી પી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત સામા પક્ષે મુખ્ય આરોપી અનિલ રમણભાઈ ખવાએ પોતાના ઉપર હુમલો કરવા અંગે ભાજપના મહિલા કોર્પોરેટર સોનલબેન કણજારીયાના સસરા વિરજીભાઇ ટપુભાઈ કણજારીયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. સીટી એ ડીવીઝન પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31JDzpj
via IFTTT
Comments
Post a Comment