મુંબઇમાં ગરમીનો પારો 8 ડિગ્રી ઘટયો : ભેજ(90 ટકા) અતિશય વધ્યો




 મુંબઇ :    મુંબઇનું હવામાન આજે ઘણા અંશે રાહતભર્યું રહ્યું  હતું.૨૭,માર્ચની ૪૦.૯ ડિગ્રી સેલ્સિયસની ધગધગતી ગરમી અને ઉકળતી લૂ ને બદલે આજે મંગળવારે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે.

      હવામાન ખાતાના ડાયરેક્ટર  જયંત સરકારે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે છેલ્લા બે દિવસ દરમિયાન મુંબઇના મહત્તમ તાપમાનમાં ૬થી  ૮ ડિગ્રી સેલ્સિયસનો મોટો અને રાહતભર્યો  ઘટાડો નોંધાયો છે.આમ છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી મુંબઇગરાંને થોડીક અકળામણનો અને બફારાનો અનુભવ પણ થઇ રહ્યો છે.

     આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૮ અને લઘુત્તમ તાપમાન   ૨૫.૦  ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૨.૬ અને લઘુત્તમ તાપમાન ૨૨.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ  ૯૦-૬૨ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૪-૫૪  ટકા નોંધાયું હતું.

     હવામાન ખાતાએ એવી માહિતી પણ આપી હતી કે હાલ  દક્ષિણ મહારાષ્ટ્ર અને તેની નજીકના આકાશમાં ૦.૯ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.સાથોસાથ હાલ પવનો પણ ઇશાન દિશામાંથી અને વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઇ રહ્યા છે.

    આવતા ચાર દિવસ(૩૧-માર્ચ,૧,૨,૩-એપ્રિલ) દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રનું હવામાન સૂકું રહેશે.જોકે આ દિવસોમાં વિદર્ભનાં અકોલા,ચંદ્રપુર અને યવતમાળ જિલ્લામાં હવામાન અતિ સૂકું અને ગરમ રહે તેવી શક્યતા છે.

    આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇનું આકાશ સ્વચ્છ રહેશે.મહત્તમ તાપમાન ૩૪-૩૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪.૦ ડિગ્રી સેલ્સિયસ રહે તેવી સંભાવના છે.

       છેલ્લા બે દિવસ દરમિયાન મહારાષ્ટ્રના  જાણીતા પ્રવાસ-પર્યટન સ્થળ માથેરાનમાં ગરમીનો પારો ૩૭.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોટ હોટ નોંધાય છે.સામાન્ય રીતે ઉનાળામાં માથેરાનમાંહવામાન ખુશનુમા રહેતું હોવાથી અનેક સહેલાણીઓ કુદરતના આ સૌંદર્યધામમાં રહીને બે ઘડી હાશકારો અનુભવે છે.      

    આજે મહારાષ્ટ્રના વિદર્ભનાં અકોલા-૪૩.૦,ચંદ્રપુર-૪૩.૦,બ્રહ્મપુરી--૪૩.૦,વર્ધા-૪૨.૦,અમરાવતી-૪૨.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

     મધ્ય મહારાષ્ટ્રનાં માલેગાંવ-૪૨.૦,જળગાંવ-૪૦.૫,નાંદેડ-૪૦.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u9rWnG
via IFTTT

Comments