નાંદેડઃ ગુરુદ્વારાની બહાર આવીને ટોળાનો પોલીસ પર હુમલો, 400 લોકો સામે કેસ, ચાર પોલીસ કર્મીઓને ઈજા


મુંબઈ, તા. 30. માર્ચ 2021 મંગળવાર

મહારાષ્ટ્રના નાંદેડમાં હોળી નિમિત્તે પરવાનગી નહીં હોવા છતા ધાર્મિક સરઘસ કાઢવા માટે સિખોના એક ટોળાએ પોલીસ કાફલા પર કરેલા હુમલા બાદ 400 લોકો સામે પોલીસ કેસ કરવામાં આવ્યો છે.પોલીસે અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરી છે.

ટોળાના હુમલામાં ચાર પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.દરમિયાન સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો વાયરલ થયો છે.જેમાં નાંદેડના ગુરુદ્વારામાંથી નીકળી રહેલા સીખોના ટોળાને તલવારો સાથે જોઈ શકાય છે.આ ટોળુ પોલીસની બેરિકેડ તોડીને પોલીસ કર્મીઓ પર હુમલો કરતુ નજરે પડે છે.

એક પોલીસ અધિકારીએ કહ્યુ હતુ કે, વગર પરવાનગીએ  ટોળુ સરઘસ કાઢવા માંગતુ હતુ.હાલમાં કોરોનાના કારણે આ પ્રકારના કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ છે.ટોળાને રોકવામાં આવ્યુ ત્યારે તેણે પોલીસ પર તલવાર અને ડંડાઓ વડે હુમલો કર્યો હતો અને પથ્થરો વરસાવ્યા હતા.

ભીડ અચાનક જ ગુરુદ્વારામાથી બહાર નીકળી હતી અને બેરિકેડ તોડી નાખ્યા હતા.આ ઘટનામાં ચાર પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ છે.પોલીસના 6 વાહનોને પણ નુકસાન થયુ છે.આ હુમલામાં ગુરુદ્વારા સમિતિના કોઈ સભ્યની ભૂમિકા હતી કે કેમ તેની તપાસ હાલમાં ચાલી રહી છે.

પોલીસનુ કહેવુ છે કે, ગુરુદ્વારા સમિતિએ ધાર્મિક સરઘસ નહીં કાઢવા માટે અમને આશ્વાસન આપ્યુ હતુ અને કાર્યક્રમનુ આયોજન ગુરુદ્વારાની અંદર કરવાની પણ ખાતરી આપી હતી.જોકે એ પછી સોમવારે સાંજે ચાર વાગ્યે યુવાઓ ગુરુદ્વારાની બહાર આવ્યા હતા અને પોલીસ પર હુમલો કર્યો હતો.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dh0AFb
via IFTTT

Comments