1લાંથી 9મા અને 11માના વિદ્યાર્થીઓને 'માસ પ્રમોશન'?



મુંબઈ  : કોરોના મહામારીને પગલે અત્યારે પરીક્ષા લેવી અઘરી બની છે. આથી દસમા અને બારમાના વિદ્યાર્થીઓને બાદ કરતાં પહેલાંથી નવમા તેમજ અગિયારમાના વિદ્યાર્થીઓને 'માસ પ્રમોશન' આપવામાં આવે તેવો વિચાર મહારાષ્ટ્ર સરકાર કરી રહી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે. 

અત્યારે કોરોનાના વધી રહેલાં કેસને અંકુશમાં લેવા માટે વિવિધ જિલ્લામાં નાઈટ કર્ફ્યુ, આંશિક લોકડાઉન જેવા પ્રતિબંધો મૂકાયા છે. ત્યારે સ્કૂલ-કૉલેજો બંધ છે અને ઓનલાઈન માધ્યમ જ પરીક્ષા માટેનો એકમાત્ર ઉપાય છે. પરંતુ દરેક વિદ્યાર્થી પાસે હજી ઓનલાઈનની સુવિધા પહોંચી નથી. આથી વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાનમાં લઈ પહેલાંથી નવમા અને અગિયારમાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવી શકે છે, એવી માહિતી સૂત્રોએ આપી છે.

તે ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી એસાઈન્મેન્ટ મંગાવી તેના આધારે ગ્રેડ આપી આગલાં વર્ષમાં પ્રવેશ આપવાનો એક વિકલ્પ પણ છે. આથી હવે આ બાબતે અંતિમ નિર્ણય શું લેવાય તે જોવાનું છે. પરંતુ મુંબઈ શહેરની અનેક સ્કૂલોમાં ઓનલાઈન પરીક્ષા લેવાઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. આથી આ બાબતે શિક્ષણ વિભાગ જ્યાં સુધી કોઈ અધિકૃત માહિતી જાહેર ન કરે ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો મુદ્દો એક કોયડા સમાન બની રહેશે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QKTpNV
via IFTTT

Comments