- રોકાણકારો, ટ્રેડરો લૂંટાતા રહ્યા ને તંત્રએ આંખ આડા કાન કર્યા ? તપાસ થવી જ જોઈએ
- શું મૂડી બજાર નિયામક તંત્રને કુંભકર્ણ નિંદ્રામાં રાખીને ધોળે દિવસે લૂંટ ચલાવવામાં આવી ? સરકાર આ મામલામાં રોકાણકારો, ટ્રેડરોના સવાલોના જવાબ આપશે ?
ભારતીય શેર બજારો માટે ૨૪,ફેબુઆરી ૨૦૨૧ ઐતિહાસિક કાળો દિવસ પૂરવાર થયો છે. અંધેર નગરી ચૌપટ રાજાની જેમ જાણે કે ધોળે દિવસે ડકૈતીને અંજામ અપાયો હોય એમ અનેક રોકાણકારો-ખેલંદાઓને લૂંટી લેવાયા છે. ભારતીય શેર બજારોની વિશ્વસનીયતાને તંત્ર, વોચ ડોગની કુંભકર્ણ નિંદ્રાએ તળીયે જવા દીધી છે. જ્યારે ઈતિહાસમાં ક્યારેય નથી થયું એવું ટેકનીકલ ફોલ્ટના નામે જંગી કૌભાંડને કેટલાક લોકો દ્વારા અંજામ આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રોકાણકારો માટે ઈન્વેસ્ટર પ્રોટેકશનની વાતો કરતા સેબી અને સરકાર આ મામલામાં આખો દિવસ મૌન શા માટે રહ્યા ? અહીં રોકાણકારોનો શું વાક ? શું રોકાણકારોને થયેલી નુકશાનીની ભરપાઈ ઈન્વેસ્ટર પ્રોટેકશન ફંડમાંથી કરવા સેબી ફરજ પાડશે?
એનએસઈ પર ટેકનીકલ ખામીઓ બાદ ઈતિહાસમાં સૌથી લાંબો સમય માટે ટ્રેડીંગને ૨૪,ફેબુ્રઆરીના સવારે ૧૧ઃ૪૦ વાગ્યાથી ૩ઃ૩૦ વાગ્યા સુધી સંપૂર્ણ અટકાવી દેવાયું હતું. એનએસઈની ટ્રેડીંગ સિસ્ટમમાં ખામીઓ પર ખામીઓ સર્જાતી રહી જાણે કે આ એક્સચેન્જ દેશનું ખામી એક્સચેન્જ બની ગયું હોય એમ છેલ્લા ચાર વર્ષથી ઓછા સમયમાં નવ વખત આ ગંભીર ટેકનીકલ ખામીઓ સર્જાઈ છે. એનએસઈ વિશ્વમાં વોલ્યુમની રીતે ડેરિવેટીવ્ઝમાં વિશ્વનું સૌથી મોટું એક્સચેન્જ અને કેશ સેગ્મેન્ટમાં ત્રીજું મોટું એક્સચેન્જ છે અને છેલ્લા ત્રણ વર્ષમાં આ એક્સચેન્જમાં અનેક સમસ્યાઓ સામે આવી છે, જેમાં તેના બ્રોકરો માટેના ફ્રન્ટ એન્ડ સોફટવેર નાવ સાથે મેલફંકશનને લઈ બ્રોકરો દ્વારા મૂકાતાં ઓર્ડરો સિસ્ટમ દ્વારા અનેક વખત રીપિટ થવાના અને કેટલાક કિસ્સામાં હજારો વખત રીપિટ થતાં બિનઉદ્દેશી ટ્રેડ્સમાં પરિણમતાં જોવાયા છે, એનએસઈ દિવસના અંતે તેની વેબસાઈટ પર ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રેકટસના આંકડા પણ અપલોડ કરવામાં અસમર્થ રહેતું હોય છે અને અન્ય સમસ્યા જેવી કે ૨૪,ફેબુ્રઆરીના ટેલીકોમ સમસ્યા આવી પડતી હોય છે. જેના માટે વેન્ડરને કસૂરવાર ઠેરવવામાં આવતાં હોય છે.
દુર્ભાગ્યની વાત એ છે કે એનએસઈ દ્વારા બુધવારે કોમ્યુનિકશનમાં મિસમેનેજમેન્ટ થતાં મોટા બ્રોકરો દ્વારા ઘણા ક્લાયન્ટોની મોટી પોઝિશનો ઓફલોક-લિક્વિડેશન કરવાની ફરજ પડી હતી. એનએસઈનું બુધવારની ટેકનીકલ ખામીનું કારણ પણ વિશ્વસનીય નથી. સૂત્રોનું કહેવું છે કે એક્સચેન્જ સાતથી વધુ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરો ધરાવે છે. એનએસઈના ૯૫ ટકા ઓર્ડરો અને તમામ ટ્રેડ્સના ૬૫ ટકાથી વધુ એનએસઈના કોલોકેશનમાંથી આવે છે. જેથી બ્રોકરો લોગ ઈન કરવામાં અમસર્થ હતા એવું નથી. વાસ્તવિકતા એ છે કે એક્સચેન્જ પોતે ગણતરી કરવામાં અને ઈન્ડેક્સો ડિસ્ટ્રીબ્યુટ કરવામાં એ દિવસે સવારે ૧૦ઃ૦૭ વાગ્યાથી અસમર્થ રહ્યું હતું. કેટલાકને શંકા છે કે સવારે ૯ઃ૧૫ વાગ્યાથી ઈન્ડેક્સ કેલ્યુકેલેશન્સમાં સમસ્યા સર્જાઈ હતી અને એ જ બજાર બંધ થવાનું વાસ્તવિક કારણ હોઈ શકે છે. આ સાથે ટ્રેડરો માટે મોટો ઈસ્યુ એ બન્યો હતો કે એનએસઈ દ્વારા તેના ક્લિયરીંગ કોર્પોરેશન નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરીંગ કોર્પોરેશન લિમિટેડ(એનએસસીસીએલ)ને પણ બંધ કરી દેવાયું હતું. જેથી ૯૦ ટકા બ્રોકરો જેઓ એનએસસીસીએલ થકી તેમના ટ્રેડ્સ ક્લિયર કરે છે એ બીએસઈ પર તેમના ઓર્ડરો મૂકી શકયા નહોતા. એનએસઈ શા માટે આ ટ્રેડિંગ હોલ્ટ દરમિયાન તેની સિસ્ટમને ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર શીફ્ટ કરી નહીં એના કારણો પણ આપવા રહ્યા. ફૂલપ્રુફ સિસ્ટમના દાવા કરનારા ભારતીય એક્સચેન્જોમાં આ વખતે થયેલા ઐતિહાસિક ટ્રેડીંગ હોલ્ટ બાબતે અત્યંત જલદ સવાલોના જવાબ મળવાં અને આ સંપૂર્ણ મામલાની સઘન તપાસ થવી અત્યંત જરૂરી છે.
રોકાણકારો, ટ્રેડરો અને બજારના કેટલાક નિષ્ણાંતો પાસેથી મળેલા ફિડબેક મુજબ અહીં કેટલાક ટોચના સવાલો ઉઠાવ્યા છે, જેના સરકારી તંત્ર, વોચ ડોગ દ્વારા જવાબો આપવા આવશ્યક છે.
(૧) ૨૪,ફેબુ્રઆરીના એનએસઈ પર ટ્રેડીંગ ફરી બપોરે ૩ઃ૪૫ વાગ્યે શરૂ થવાની લોકોને જાણ શા માટે મોડી કરવામાં આવી? શા માટે એ દિવસે બુધવારે ટ્રેડીંગ ફરી શરૂ થવાની જાણ સત્તાવાર બજાર બંધ થવાના સમય પૂર્વે ૩ઃ૨૦ વાગ્યે જ કરવામાં આવી?
એ સર્વવિદ હકીકત છે કે બ્રોકરો બપોરે ૨ઃ૩૦ થી ૩ઃ૦૦ વાગ્યા બાદ તેમની દિવસની પોઝિશનોમાં ઘટાડો કરવાની શરૂઆત કરે છે. બ્રોકરો તેમના ટ્રેડરો વલણની એક્સપાઈરીના ગુરૂવારના દિવસ પર પોઝિશન રોલઓવર કરવાની રાહમાં નહીં રાખીને એક્સપાઈરીના આગલા દિવસે જ રોલઓવર કરે એવું ઈચ્છતા હોય છે. એક્સચેન્જો દ્વારા ટ્રેડીંગ ફરી શરૂ કરવાનો અને ટ્રેડીંગ સમય લંબાવવાની જાણ અત્યંત મોડે મોડે કરવામાં આવી અને ત્યાં સુધીમાં તો અનેકનું કામ તમામ થઈ ગયું હતું. પોઝિશનો બપોરે ૩ઃ૨૦ વાગ્યા સુધીમાં સ્ક્વેર ઓફ્ફ થઈ ગઈ હતી. એક્સચેન્જોએ વાસ્તવમાં ટ્રેડીંગ સેશન ફરી શરૂ કરવાની જાણ તો પહેલા કરવી જોઈતી જ હતી. રોકાણકારો અને ટ્રેડરો માટે જંગી નુકશાની થવાનું આ જ પ્રમુખ કારણ બન્યું છે.
(૨) શું બપોરે ૩ઃ૦૦ થી ૩ઃ૩૦ વાગ્યા દરમિયાન શેર બજારમાં થયેલા અસાધારણ ઊંચા-નીચા ભાવોએ થયેલા સોદા માટે તપાસ થવી જોઈએ?
એટલું તો ચોક્કસ છે કે ૨૪,ફેબુ્રઆરી ૨૦૨૧ના બીએસઈમાં બપોરે ૩ઃ૦૦ થી ૩ઃ૩૦ વાગ્યા દરમિયાન થયેલા ટ્રેડીંગની તપાસ થવી જોઈએ. ઘણાં શેરોમાં ભાવોમાં અયોગ્ય ઊંચા અથવા નીચા ભાવો જોવાયા હતા. જે બ્રોકરો દ્વારા કોઈપણ ભાવે ઈન્ટ્રા-ડે પોઝિશન સ્કવેર ઓફ્ફ થવાના કારણે થયું છે. જેમાં ૩૪ ટકા સુધીની ઈન્ટ્રા-ડે અફડાતફડી જોવાઈ હતી. સાંજે પાંચ વાગ્યા સુધી લંબાવાયેલા ટ્રેડીંગ કલાકોમાં પણ એનએસઈમાં નિફટી સ્પોટ ૧૫૦૦૩ ચાલતો હતો, ત્યારે નિફટી ફયુચર્સમાં ૧૫૫૨૫ સુધીના ઊંચા લેવલો આવી ગયા હતા. એશીયાના બજારોમાં નરમાઈ હતી અને ડાઉનવર્ડ ટ્રેન્ડ જોવાઈ રહ્યો હતો. ત્યારે નિફટીમાં આ અસાધારણ વધઘટ બાદ નિફટી સ્પોટ ૧૫૦૦૦ નજીક બંધ આવ્યો હતો અને નિફટી ફયુચરમાં અસાધારણ ઊંચાઈએ જોવાયો હતો.
(૩) જે રોકાણકારો-ટ્રેડરોને જાણ વિના જ તેમની પોઝિશનો સ્ક્વેર ઓફ્ફ કરવામાં આવી છે એમને કોણ વળતર ચૂકવશે?
જે પણ આ માટે જવાબદાર હોય એને દંડવા જરૂરી છે. આખરે તો જવાબદારી એનએસઈની બને છે. ટેલીકોમ સર્વિસિઝ પૂરી પાડનારાઓની ભુમિકાની પણ તપાસ થવી જોઈએ.
(૪) ઈન્ટર-ઓપરેટીબિલીટી સાચા અર્થમાં ક્યારે અમલી બનશે?
ઉલ્લેખનીય છે કે મૂડી બજાર નિયામક તંત્ર સેબી દ્વારા નવેમ્બર ૨૦૧૮માં બે ક્લિયરીંગ કંપનીઓ વચ્ચે ઈન્ટરઓપરેટીબિલિટીની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. પરંતુ એક્સેચન્જોમાં ઈન્ટર-ઓપરેટીબિલીટીની સમસ્યાઓ છે. બ્રોકરો સામાન્ય રીતે આ વાત જાણતાં નથી. જો તેઓ જાણતાં હોય તો તેઓ તેમના ગ્રાહકોને આની જાણ કરી નથી. શું જાણી જોઈને પોતાની મોનોપોલિ ટકાવવા માટે ઈન્ટરઓપરેટિબિલિટીને સફળ બનાવવા આડે અડચણો ઊભી કરવામાં આવી રહી છે?
એનએસઈ તો બજાર બંધ થયા બાદ એવું કહીને બેસી ગયું કે ઓનલાઈન રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમની ઉપલબ્ધિના અભાવમાં બજાર બંધ કરવું પડયું અને પોતે આ સમસ્યા માટે વિગતે રૂટ કોઝ-તપાસ કરશે, પરંતુ એનએસઈ દ્વારા ૩ઃ૩૦ વાગ્યાના છેલ્લી મીનિટ સુધી બજાર ક્યારે ફરી ખુલશે એની કોઈ સ્પષ્ટતા કરી નહીં.
૧૦૦ વાતની એક વાત બજારની ૧૦૦ પોઈન્ટ ઉછાળા-ઘટાડામાં દર વખતે નાણા પ્રધાન આપશ્રી નિવેદન નથી આપતાં એ પ્રશંસનીય છે, પરંતુ ચાર કલાકના ઐતિહાસિક ટ્રેડીંગ હોલ્ટની દુર્ઘટના દરમિયાન સેબી ચેરમેન અને નાણા પ્રધાન દ્વારા એક પણ નિવેદન કરાયું નહીં એ જરૂર નિંદનીય છે અને રોકાણકારોને શું ચાલી રહ્યું છે એનાથી અવગત નહીં કરાવવા એ સરકાર-તંત્રની પારદર્શકતા સામે પણ મોટો સવાલ છે. જ્યારે પ્રથમ હરોળના એનએસઈ એકસચેન્જ અને મૂડી બજાર નિયામક તંત્ર સેબી દ્વારા કંપનીઓ, ટ્રેડરો અને રોકાણકારો પાસેથી સ્પષ્ટતાં અને પારદર્શકતા તેમ જ ડિસ્કલોઝરનો આગ્રહ રાખવામાં આવતો હોય અને સખતાઈથી ડિસ્કલોઝર્સ માંગવામાં આવતાં હોય ત્યારે શા માટે સરકાર અને તેના નિયામક તંત્રો માટે આ નિયમો લાગુ કેમ ન થાય? ફાઈનાન્સ મીનિસ્ટર નિર્મલા સીતારામનજી પ્લીઝ સ્પષ્ટતા કરો...!
ક્યાં ગયા રોકાણકારોના હિતરક્ષકો ?
નાના રોકાણકારો કે સાચા મોટા ઈન્વેસ્ટરોને ફક્ત ટેક્સ ચૂકવી ચૂપચાપ બેસવાનું હોય છે !
એનએસઈ ટ્રેડીંગ હોલ્ટ મામલામાં જો સરકાર અને સેબીએ એ જ દિવસે દરમિયાનગીરી કરી હોત તો એક કલાક પહેલા જ બજાર કેટલા વાગ્યે ફરી ખુલશે એની રોકાણકારો-ટ્રેડરોને જાણ થઈ ગઈ હોત. જો એ દિવસના બદલે બીજા દિવસે રેગ્યુલર ટ્રેડીંગ સેશન ચાલુ કરવામાં આવ્યું હોત તો પણ ફરક પડયો ન હોત. ફક્ત ભારતીય રોકાણકારો જ નહીં, પરંતુ જેન્યુઈન ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ અને એફઆઈઆઈ આ તમામ રોકાણકારો હવે નેશનલ સ્ટોક એક્સચેન્જ-એનએસઈ પર શા માટે વિશ્વાસ રાખશે? શું એનએસઈની ગુડવીલ ખલાસ નહીં થઈ જાય? કાં તો એમ પણ થઈ શકે કે ૧૩૦ કરોડની વસતી હોવી એ એસેટ્સ પણ છે અને લાયેબિલિટી પણ છે. જે પબ્લિક ઘરના ભરણપોષણ અને નોકરી કરવા માટે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા અને કરી રહ્યા છે, ત્યારે લોકલ ટ્રેનની ઉપર અગાઉ ત્રાસવાદી હુમલો થયો હતો અને ઘણાંના જીવ ગયા હતા, છતાં બીજા દિવસે બધા લોકલ ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતાં હતા, તે આ ૧૩૦ કરોડ જનતાની મજબૂરી હતી, મજબૂતી નહીં...! એવી જ રીતે જે દેશમાં વિપક્ષનો કોઈ વિકલ્પ નથી, કોઈના અવાજની કોઈ કિંમત નથી. તપાસકર્તા એજન્સીઓ કઠપૂતળીની જેમ કદાચ સરકારના ઈશારે કામ કરતી હોય અને લૂંટારાઓ કુલ્લડમાં ગોળ ભાંગીને ખાઈ જતાં હોય ત્યાં નાના રોકાણકારો કે સાચા મોટા ઈન્વેસ્ટરોને ફક્ત ટેક્ષ જ ચૂપચાપ ભરવાનો હોય છે, એનાથી આગળ કાંઈ બોલવાનો અધિકાર હોતો નથી. જેટલું લૂંટવું હોય એટલું લૂંટી લો, જેટલા ધમપછાડાં કરો, બૂમાબૂમ કરો, કંઈપણ કરો, કાં તો સૂતેલા કુભકર્ણને જોતાં રહો કાં તો કુંભકર્ણ થઈ જાઓ, પણ ઈન્વેસ્ટર પ્રોટેકશનના નામે ચેનલો પર દોડી આવી ગોકિરો મચાવતાં કહેવાતાં હિતેચ્છુંઓ એકપણ શબ્દ નહીં બોલે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qYoTxn
via IFTTT
Comments
Post a Comment