જાહેર ક્ષેત્રનું ડિસઈન્વેસ્ટમેન્ટ, ખાનગીકરણ આવકાર્ય પરંતુ રોજગારના ભોગે તો નહીં જ


- આઝાદી બાદ દેશમાં સરકારી ઉપક્રમોની રચના પાછળનો મુખ્ય હેતુ રોજગાર પૂરા પાડવાનો રહ્યો હતો

વ ર્તમાન નાણાં વર્ષમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમોના ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત રૂપિયા ૨.૧૦ લાખ કરોડનો ટાર્ગેટ સિદ્ધ થઈ શકયો નથી અને સંપૂર્ણ વર્ષમાં માત્ર રૂપિયા ૩૦,૦૦૦ કરોડ જેટલી જ રકમ ઊભી થઈ શકવાનો અંદાજ મુકાઈ રહ્યો છે ત્યારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આગામી નાણાં વર્ષમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમોના ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત રૂપિયા ૧.૭૫ લાખ કરોડ ઊભા કરવાનો બજેટમાં ટાર્ગેટ મૂકયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો તેનાથી પણ આગળ વધીને જાહેર ક્ષેત્રના ૧૦૦ જેટલા ઉપક્રમોના ખાનગીકરણ કરી રૂપિયા ૨.૫૦ ટ્રિલિયન ઊભા કરવાની વાત કરી છે. ખોટ કરતા સરકારી ઉપક્રમો પાછળ કરદાતાના નાણાં ખર્ચાય જાય છે એટલું જ નહીં સરકારમાં વ્યવસાયીક નિર્ણય લેવાની પ્રક્રિયાનો અભાવ હોવાનું જણાવી તેમણે ખાનગીકરણનો બચાવ કર્યો હતો. 

કોરોનાના કાળમાં  જંગી નાણાંભીડનો સામનો કરી રહેલી સરકાર કેટલાક જાહેર ઉપક્રમોમાં હિસ્સાનું સંપૂર્ણ તો કેટલાકમાં પોતાના હિસ્સાને ૫૧ ટકાથી પણ નીચે લઈ જવા યોજના ધરાવે છે.  દેશના કેટલાક ઉપક્રમો એવા છે જેમાં લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન  જેવી સરકારી નાણાં સંસ્થાઓ નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. ઉપક્રમોમાં હિસ્સો ઘટાડવાનો નિર્ણય યોગ્ય છે ખરો? એવો પ્રશ્ન થયા વગર રહેતો નથી. હાલનો  ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ દેશની નાણાંકીય તંદૂરસ્તીમાં સુધારો કરવાના હેતુ કરતા જંગી સરકારી ખર્ચને પહોંચી વળવા નાણાં ઊભા કરવાની કવાયત હોવાનું વધુ જણાય છે. 

આ અગાઉના ગાળામાં જાહેર ક્ષેત્રની કંપનીઓના થયેલા ડિસઈન્વેસ્ટમેન્ટ બાદ ખાનગી ક્ષેત્રના હાથમાં ગયેલી કેટલીક  કંપનીઓના કામકાજ પર નજર નાખવામાં આવતા જણાય છે કે આ કંપનીઓ આજે જંગી નફો કરતી કંપની બની ગઈ છે. જે સૂચવે છે કે શાસકોના હાથમાં આ કંપનીઓ  વ્યવસાયીક ધોરણે ચાલતી નહોતી. કોરોનાના કાળમાં  ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ની વસૂલીમાં પડીલી તૂટ તથા આરોગ્ય સંભાળ  પાછળના ખર્ચમાં વધારાને  કારણે  આગામી નાણાં વર્ષમાં રાજકોષિય ખાધને ટકાવી રાખવા સરકાર જાહેર ઉપક્રમોમાંથી હિસ્સાનું વેચાણ કરવા આક્રમક બને તો નવાઈ નહીં ગણાય. 

જાહેર ક્ષેત્રના ઉપક્રમો તથા સરકારી બેન્કોના ડિસઈન્વેસ્ટમેન્ટ અથવા ખાનગીકરણનો નિર્ણય અવ્યવહારુ વેપાર નિર્ણય છે અને દેશના હિતની વિરુદ્ધ છે એવી દલીલ સાથે નિર્ણય સામે વિરોધ ઊભો થઈ રહ્યો છે.  વિવિધ રાજકીય પક્ષો ઉપરાંત  કર્મચારી સંગઠનો ડિસઈન્વેસ્ટમેન્ટના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. નફો કરતા ઉપક્રમોના વેચાણ કરી સરકાર શું સાબિત કરવા માગે છે તે સમજી શકાય એમ નહી હોવાની તેમની દલીલ છે. હિસ્સાનું વેચાણ કરવાના સરકારના નિર્ણયથી  આ કંપનીઓની કામગીરી વધુ મજબૂત બનશે અને  હિસ્સાના વેચાણને કારણે કંપનીઓમાં નવું ઈન્વેસ્ટમેન્ટ આવશે જેને આધારે તેમાં આધુનિકરણ અને વિસ્તરણ હાથ ધરી શકાશે  એવી પણ એક વર્ગ દ્વારા દલીલ કરવામાં આવી રહી છે જ્યારે બીજી બાજુ કર્મચારી સંગઠનોએ નિર્ણય સામે અવાજ ઉઠાવી હડતાળની ચીમકી આપી છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં ખાનગી ક્ષેત્રના આગમનથી નોકરીઓ છીનવાઈ જવાના ભયને કારણે કર્મચારીઓ દ્વારા વિરોધ ઉઠી રહ્યો છે. 

જાહેર ક્ષેત્રના ઉપક્રમો ખોટમાં ચાલવા પાછળના કારણો ભૂલભરેલી નીતિઓ તથા ખોટા નિર્ણયો રહેલા છે.  નાણાં ઊભા કરવાના સ્રોત તરીકે ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ આગળ ધપાવવો હોય તો આવા વેચાણમાં સરકારની એસેટસના યોગ્ય મૂલ્યાંકન મળી રહે તે  પણ જરૂરી છે. નફો કરતા સરકારી ઉપક્રમો બહુરાષ્ટ્રીય કંપનીઓને પધરાવી દેવા પાછળ સરકારનું કયું ગણિત કામ કરે છે તેવો પણ સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમો ખાનગી હાથોમાં જઈને તેની નફાશક્તિ વધારી શકતા હોય તો સરકાર પાસે રહી તેમાં વધારો શા માટે થઈ ન શકે એવો ઊભો થઈ રહેલો સવાલ અસ્થાને નથી. 

કોરોનાને કારણે આવી પડેલી આર્થિક મંદીએ દેશમાં રોજગાર પર પ્રતિકૂળ અસર પાડી હોવાનું જણાવાયું  છે. બેરોજગારીનો આંક સતત ઊંચો જોવા મળી રહ્યો છે. અસમાન વિકાસને કારણે કૃ।ષ તથા ઔદ્યોગિક રીતે ઓછા વિકાસ પામેલા રાજ્યોના   કર્મચારીઓ રોજગારની તકો શોધવા વિકસિત રાજ્યો તરફ મોટી માત્રામાં સ્થળાંતર થઈ રહ્યાનું જણાય રહ્યા છે, પરંતુ તેઓ યોગ્ય રોજગાર મેળવી શકતા નથી. દેશમાં યુવાનોની સંખ્યામાં જે રીતે  વધારો થઈ રહ્યો છે તેની સરખામણીએ રોજગારમાં વધારો થતો જોવા મળતો નથી. પ્રાપ્ત આંકડાઓનું ઊંડું વિશ્લેષણ કરતા જણાય છે  કે દેશમાં રોજગારનું ચિત્ર ઘણું જ બિહામણું  બનતું જાય છે. રોજગારો વધવાને બદલે ઘટી રહ્યા છે. ભારતમાં જે ગતિએ રોજગાર ઘટી રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે. બેરોજગારીમાં વધારો થવાનું કારણ જે ક્ષેત્રો સૌથી વધુ રોજગાર પૂરા પાડનારા છે તેમનીસ્થિતિ હાલમાં ઘણી જ નાજુક છે. ભારત ઊભરતા અર્થતંત્ર તરીકે ઓળખાઈ રહ્યું છે ત્યારે  બેરોજગારી અને અર્ધરોજગારીની અગાઉથી જ નબળી રહેલી સ્થિતિ વધુ કથળવાની શકયતા  વિવિધ અહેવાલોમાં વ્યકત કરાઈ રહી  છે.

ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે દેશના જાહેર ક્ષેત્રના ઉપક્રમોની રચના થવા લાગી, જેથી ખાનગી ક્ષેત્રની ઈજારાશાહી ઊભી ન થાય. આ ઉપરાંત જાહેર ક્ષેત્રના ઉપક્રમો સ્થાપવાનો અન્ય એક હેતુ રોજગાર નિર્માણનો પણ રખાયો હતો. પરંતુ જાહેર ક્ષેત્રના ઉપક્રમો સરકાર માટે આજે ધોળો હાથી સાબિત થઈ રહ્યા હોવાથી સરકાર તેમાંથી પીછો છોડાવી રહી હોવાનું તેના ડીસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમો પરથી સમજી શકાય એમ છે. સરકારી ઉપક્રમો ખોટમાં  જવાને કારણે તે બંધ કરી દેવા અથવા વેચી દેવાનો નિર્ણય સમજી શકાય એમ છે પરંતુ ે જાહેર ઉપક્રમોની થયેલી રચના પાછળનો મૂળ હેતુ ખાનગીકરણમાં અટવાઈ ન જાય તેની સરકારે ખાતરી રાખવાની રહેશે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q4yd1i
via IFTTT

Comments