અલગ ખાલિસ્તાનની ફરી જોર પકડતી ખતરનાક ઝુંબેશ

- પંજાબમાંથી ખાલિસ્તાન કંડારવાની ક્વાયતે જોર પકડયું છે. આંદોલનની આડ લઈને ખાલિસ્તાનવાદીઓ સરકારને ભીડવવાનો લાંબા ગાળાનો વ્યૂહ અપનાવી રહ્યા છે


છેલ્લા બે મહિનાથી જોરશોરથી ગાજેલા કિસાન આંદોલનના ફુગ્ગાની હવા નીકળી ગઈ હોય એવું લાગે છે. દિલ્હીવાસીઓને ઘેરો ઘાલીને બેઠેલા ખેડૂતો મેદાન છોડી ગયા છે. પરંતુ કેન્દ્ર સરકારના માથેથી ચિંતાના વાદળ હઠયા નથી. પેલી કહેવત છે ને કે ડોશી મરે એનો વાંધો નથી. પરંતુ જમડા ઘર ભાળી જાય તેનો ડર સતાવે છે.  બસ, કંઈક એવું જ થયું છે કિસાન આંદોલનના નામે પાટનગરની આસપાસ મચેલી ધમાચકડીનું.

 આંદોલનની તમામ ગતિવિધિઓને બારીકાઈથી જુઓ તો જણાશે કે ત્રણ કાનૂન પાછા લેવાની ચળવળ- પાછળનો ખરો અજેન્ડા તો કંઈક જુદો જ હતો. પરદેશમાં બેઠેલા ખાલિસ્તાનના સમર્થકોએ આ સમગ્ર આંદોલનનું પડદા પાછળથી સંચાલન કર્યું હોય તેવું ચિત્ર ઉપસે છે. અગાઉ ક્યારેય દેશના કોઈપણ રાજકીય આંદોલન પાછળ ખર્ચાયા નહીં હોય એટલા નાણાં આ વખતના આંદોલનજીવીઓએ ઊડાવ્યા છે. એ તો   ઠીક, પંજાબ અને હરિયાણાના પોલીસને હાથતાળી આપી જે વ્યૂહાત્મક રીતે તેમણે રાજધાની દિલ્હીને ઘેરો ઘાલ્યો એ ચિંતાનો વિષય છે. તેમાં પણ રાષ્ટ્રના ગૌરવશાળી ઈતિહાસના પ્રતિકસમા લાલ કિલ્લા પર ચઢાઈ કરવી એ બતાવી આપે છે કે આ ચળવળકારોના ઈરાદા (કે બદઈરાદા) કેટલા  મજબૂત હતા. ટ્રેકટર રેલીઓ કાઢવી, ચાર- પાંચ રાજ્યોની રેલવેલાઈનો ખોરવી નાંખવી, એકલા પંજાબ રાજ્યમાં જ ૧૨૦૦થી ૧૫૦૦  સેલફોન  ટાવર તોડી નાંખવા એ કંઈ નાનું કારસ્તાન   ન ગણાય. દેશની સલામતીની દ્રષ્ટિએ આ તમામ ઘટનાઓ કોઈ અમંગળ ઘટનાના આગોતરા એંધાણ છે. કેન્દ્ર સરકાર સમજી લે કે આ આવનારા ગંભીર ખતરાની ઘંટી છે.

સીધા મુદ્દા પર આવીએ તો ખેડૂત આંદોલન પાછળના આયોજકો તેમના અલગ ખાલિસ્તાન રચવાના મનસૂબાને મજબૂત બનાવી રહ્યા છે. એટલું જ નહીં, આ આંદોલનના પગલે તેમણે ભવિષ્યનો ગેમપ્લાન નક્કી કરી લીધો છે.

આપણે સૌ  જાણીએ છીએ કે પંજાબના અમુક અલગતાવાદીઓ  ખાલિસ્તાન નામનું અલગ રાજ્ય કંડારવાની કવાયત છેલ્લા ચાર દાયકાથી કરી રહ્યા છે.  ૧૩ એપ્રિલ, ૧૯૮૧ના બૈશાખી દિને મહેતા ચોક ગામના એક કિસાન ગોપાલસિંઘને સવારના અગિયારના ટકોરે જગમશહૂર સુવર્ણ મંદિર સમક્ષ 'ખાલિસ્તાન'નો પહેલો પાસપોર્ટ આપવામાં આવ્યો હતો. 

એ જ દિવસે અમૃતસરથી ૭ હજાર માઇલ દૂર લંડન ગુરૂદ્વારામાં પંજાબના એક ભૂતપૂર્વ પ્રધાન અને ખાલિસ્તાનના બની બેઠેલા નેતા ડો. જગજિતસિંઘના નામે ભૂરો અને ભગવો પાસપોર્ટ કાઢવામાં આવ્યો હતો.  આ  સિમ્બોલીક ઘટના અલગ ખાલિસ્તાન રાષ્ટ્રની ઝુંબેશનું પહેલું કદમ હતું. 

૧૬૯૯માં ૧૩મી એપ્રિલે ગુરૂ ગોવિંદસિંહે   જે સ્થળે ખાલસાની જાહેરાત કરી હતી તે સ્થળે અને એ જ દિવસે (આનંદપુર સાહિબમાં) શિરોમણી અકાલી દળ (તોહરા)ના નેતાએ 'શીખોના અલગ રાષ્ટ્ર'ની ઘોષણા કરી અને યુનોમાં પોતાના રાષ્ટ્રને સભ્ય બનાવવા અરજી પણ કરી નાખી.

અલગ પંજાબ રાજ્યની પહેલીવાર માગણી કરનારા માસ્તર તારિસિંઘની પુત્રી રાજિન્દર કૌર અને બીજા નેતાઓએ પણ બૈશાખીના આ પવિત્ર દિને આગ ઝરતાં ભાષણો કર્યાં ત્યારે લાગ્યું કે પંજાબમાં ફરી ધર્મ અને રાજકારણ એક થઈ રહ્યાં છે.

જેના  ફળસ્વરૂપે   ખાલિસ્તાન નામનું રાષ્ટ્ર દિમાગી  ઉપજ  લાગ્યું  હતું. પછી અંતિમવાદીઓના કલ્પનાતરંગથી આગળ વધીને આ પ્રશ્ન છાપાઓમાં, પરિષદોમાં અને અન્યત્ર ચર્ચાતો થયો અને હવે દિલ્હીના દરવાજે દાંડી પીટાઈ છે. ૧૦૦ દિવસથી વધુ સમયથી દિલ્હી શહેરની ભાગોળે ચાલી રહેલા ખેડૂત આંદોલનની છત્રછાયા નીચે ખાલિસ્તાની બાબરી ભૂત ડાકલા વગાડી રહ્યો છે  તે વાત હવે બધાન ે સમજાઈ  ગઈ  છે. શાસકોને કલ્પના ય  નહોતી કે આટલી ઝડપથી આ પ્રશ્ન તેમને માટે માથાના દુખાવા જેવો બની રહેશે.

ખાલિસ્તાન શબ્દનો  અર્થ  થાય છે 'પવિત્ર લોકોની ભૂમિ'  ખાલિસ્તાનની  માગણીમાં  હાલના પંજાબ  ઉપરાંત  હરિયાણાના પંજાબીભાષી  વિસ્તાર, દક્ષિણમાં રાજસ્થાનનો શ્રીગંગાનગર અને ઉત્તરમાં જમ્મુ સુધીના ઘણા વિસ્તારોનો સમાવેશ કરવાની વાત છે. જો કે ઇતિહાસમાં જાણીતા એક માત્ર ખાલસા રાજા રણજિતસિંહનું સામ્રાજ્ય તો છેક લદાખ અને તિબેટ સુધી વિસ્તર્યું હતું.

૧૬૯૯માં ગુરૂ ગોવિંદસિંઘે એ ખાલસા રાજ સ્થાપેલું.શીખો હિન્દુ કે મુસ્લિમ નહીં હોય, બંનેની વચ્ચે હશે એવું ગુરૂ ગોવિંદસિંઘ કહી ગયેલા. ખાલિસ્તાનના સમર્થકો એ શબ્દોને વળગી રહ્યા છે: ભારત અને પાકિસ્તાન વચ્ચેનું 'બફર રાજ્ય' બની રહે એવું ખાલિસ્તાન આ લોકોને ખપે છે.

૭૦ના દાયકામાં ખાલિસ્તાનના સમર્થક ડો. જગજિતસિંઘ કોંગ્રેસ, સામ્યવાદી પક્ષ અને અકાલી સહિત ઘણા પક્ષોમાં પાટલી બદલ્યા પછી  પરદેશમાં સ્થિર થયા. અમૃતસરનો તેમનો આદમી બલવીરસિંઘ સંધુ અગાઉ શિક્ષક અને વિદ્યાર્થી નેતા હતો. ડો. સિંઘ ખાલિસ્તાનના વડા બન્યા અને સંધુ તેમના સેક્રેટરી.

૧૯૮૦ની ૧૬મી જૂને તેમણે ખાલિસ્તાનની (સંસદ જેવી) રાષ્ટ્રીય સમિતિની રચના કર્યાની અને ભારત સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નહીં હોવાની જાહેરાત કરી. થોડા સમય પછી અમેરિકામાં બનેલા મુલાયમ ગ્લોસી કાગળ પર ખાલિસ્તાની ટપાલ ટિકિટો ચોડીને બધાને પત્રો મોકલવાનું શરૂ કર્યું. ત્યાર બાદ ડો. સિંઘ ભારત આવ્યા ત્યારે સુવર્ણ મંદિરમાં અત્યંત શક્તિશાળી ટ્રાન્સમીટર લગાડવા ધમપછાડા કરી ગયા હતા પણ ભારત સરકારે ટ્રાન્સમીટર લગાડવા દીધું નહીં. જો કે વોકી-ટોકી તો ચાલુ કર્યું જ.  ત્યારબાદ   કેનેડામાં છુપાયેલા ખાલિસ્તાની પાસપોર્ટની વહેંચણી શરૂ થઈ. એ પાસપોર્ટને માન્ય રાખવા વિનંતી કરતા પત્રો    દિલ્હી ખાતેના પરદેશી રાજદૂતોને મોકલ્યા. અમૃતસરનાં ઘણાં કુટુંબોમાં આ પાસપોર્ટનો નમૂનો આજેય જોઈ શકાય છે. 

અગાઉ  કટ્ટરપંથી શીખ સંગઠનો સહિત શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધન કમિટીએ ખાલિસ્તાનની માગ કરનાર નેતાઓને શહીદનો દરજ્જો આપીને રાજકીય ધડાકો તો કરી જ નાખ્યો હતો. દુનિયા જાણે છે અને શીખોનો બહુમતી વર્ગ પણ માને છે કે જરનૈલસિંહ ભિંડરાવાલે, સુબંગસિંહ, અમરિકસિંહ વગેરે આતંકવાદી-ખાલિસ્તાની હતા. આ શીખ બહુમતી વર્ગ અલગ દેશની માગને  અવ્યાવહારિક માને છે. 

દિલ્હીનાં સિનેમાઘરોમાં બૉમ્બ વિસ્ફોટ માટે ગિરફતાર કરાયેલા મુખ્ય આરોપી જસપાલસિંહ અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના અગ્રણી જગતારસિંહ સહિત વધુ ત્રણ આતંકવાદીઓને પકડવામાં આવ્યા ત્યારે એ વાત ઉઘાડી પડી હતી કે બબ્બર ખાલસાના શીખ આતંકવાદી બહુ મોટા પાયે હુમલાઓ કરવાની યોજના ઘડી રહ્યા હતા.ભારત  સરકારે  માત્ર  સતર્ક જ ન રહેવું જોઈએ, બલકે, શીખ સાંપ્રદાયિક તત્ત્વોને નિષ્ક્રિય કરવા માટે તાબડતોબ પગલાં ભરવા જોઈએ.

કારણ કે એ એ વાત પણ પ્રમાણિત થઈ ગઈ છે કે બબ્બર ખાલસાના અગ્રણી વધાવનસિંહ બબ્બર ખુદ પાકિસ્તાનમાં મોજૂદ છે અને ત્યાંની કટ્ટરપંથી ઇસ્લામી જમાતોની સાથે તેઓ યોજનાઓ ઘડી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, હવે તો એ ગુપ્ત માહિતીની પણ પુષ્ટિ થઈ ગઈ છે કે જેના પર રાષ્ટ્રદ્રોહ ઉપરાંત કેટલીય હત્યાઓના આરોપ છે એ ખાલિસ્તાન કમાંડો ફોર્સનો સ્વયંભૂ અગ્રણી પરમજીતસિંહ પંજવડ પણ પાકિસ્તાન બ્રિટન અને કેનેડા વચ્ચે આવ-જા કરે છે.

૨૦૦૭ માં  રિપબ્લિક ઓફ ખાલિસ્તાનના બની બેઠેલા પ્રમુખ ડો. જગજિત સિંહ ચૌહાણનું  અવસાન થયું ત્યારે એમ લાગતું હતું કે હવે ખાલિસ્તાનનો બાબરી ભૂત શાંત પડી જશે.  પરંતુ કેનેડા તથા  બ્રિટનમાં  વસતા  અનેક દૌલતમંદો, ખાસ કરીને  મોં ધાલીવાલ અલગ ખાલિસ્તાનની ચળવળમાં ઘી હોમતા રહ્યાં છે. 

રસપ્રદ વાત તો એ છે કે નિવૃત્ત જજો, લશ્કરી અમલદારો અને સનદી અધિકારીઓને ખાલિસ્તાનનો વિચાર સામાન્ય શીખ કરતાં વધુ ગમે છે. અમૃતસર તથા  અન્ય શહેરી  વિસ્તારમાં જ આ વિચાર વધુ ઝડપે પ્રસરી ગયો. ગામડાનાં ગરીબોને તો ઘઉં, શેરડી અને ખાંડના ભાવની ચિંતા છે. એમને રોટી જોઈએ છે, ખાલિસ્તાન નહીં.

અલગ 'ખાલિસ્તાન' ચળવળનો ઉપયોગ રાજનેતાઓ પોતાની સ્વાર્થ સિદ્ધિ માટે કરે છે. અકાલી નેતાઓ તો એક સમયે ખાલિસ્તાન પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરવામાં એકબીજાની હરીફાઈ કરવા લાગ્યા હતા.

શીખોની સર્વોચ્ચ સંસ્થા શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક સમિતિના તત્કાલીન વડા જી. એસ. તોહરાએ ઠરાવ પસાર કરીને ખાલિસ્તાનને ભારત કરતાં નોંખું રાષ્ટ્ર જાહેર કર્યું હતું.

 એવું જ  પગલું શીખ ધર્મનું શિક્ષણ આપતી સર્વોચ્ચ સંસ્થા ખાલસા દિવાને ઉઠાવ્યું અને એણે પણ યુનોમાં સભ્યપદની માગણી કરી. 

એ સંસ્થાની પરિષદમાં વોશિંગ્ટનમાં સ્થિર થયેલા અને 'પાકિસ્તાન વર્તુળો'ના મિત્ર મનાતા ગંગાસિંઘ ધીલોંને ભાષણ કર્યું.

અગાઉ તો ખાલિસ્તાન માટે પંથ કે સમાજ શબ્દ વાપરતા તેને બદલે આગળ વધીને રાષ્ટ્ર શબ્દ છૂટથી વાપરતા થયા. છાપાઓમાં એ બાબત બહુ ચગી એથી રાજીવ ગાંધીની કેન્દ્ર સરકારમાં  એ તરફ તાકીદ ે ધ્યાન આપવાની  પરિસ્થિતિ  સર્જાઈ.

કેન્દ્ર સરકારે જગજિતસિંઘનો ભારતીય પાસપોર્ટ રદ કર્યો અને ગંગાસિંઘ ધીલોંનના વીઝા રદ કર્યાં. એ સાથે જ કેટલાક અકાલી નેતાઓ થૂંકેલું પાછું ગળવા લાગ્યા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંઘ બાદલ લોંગોવાલ અકાલી જૂથમાંથી ખસી ગયા.

એ સાથે જ મુખ્ય દિવાન ખાલસાએ પણ આ લોકો સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો, કારણ કે એ સંસ્થાના મોટા ભાગના સભ્યો પંજાબના શાહસોદાગરો છે અને સરકારના ડરથી એ બધા રાજીનામું આપી દે એ દિવાન ખાલસાને પરવડે નહીં.

પંજાબના પિતા કહી શકાય એવા સ્વ. માસ્તર તારાસિંઘે ૧૯૫૦માં પોતાની વગ ઓસરતી જણાતાં ખાલિસ્તાનવાળા આંદોલનની શરૂઆત કરી ત્યારે નહેરૂએ તેની સામે પ્રતાપસિંહ કૈરોનને મૂકી દીધા. 'ખાલિસ્તાન'ની માગણીનું બહુ મોટું  જોખમ  એ છે કે   પંજાબની એક સરહદ પાકિસ્તાન  તરફ  અને  બીજી કાશ્મીર  તરફ છે.

કેટલાક નેતાઓ એવું કહે છે કે અમુક બાબતોમાં કેન્દ્ર સરકાર તરફથી શીખ પ્રજાને અન્યાય થયો હોવાના આક્ષેપો છે. એ લોકો કહે છે કે યુદ્ધ સમયે દેશની રક્ષા માટે અમારી તારીફ થાય, પ્રોત્સાહન અપાય અને યુદ્ધ પુરૂં થતાં અમારી સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. પંજાબની છેલ્લી વસતિ ગણતરી સમયે ત્યાં વસતા હિન્દુઓએ પોતે હિન્દી નહીં જાણતા હોવા છતાં માતૃભાષા તરીકે હિન્દી લખાવી એ શીખોને ખટકે છે કારણ કે આ હિન્દુઓ પંજાબી જ બોલે છે.

ધર્મ બાબતમાં  શીખો  વધુ સંવેદનશીલ છે.  વર્ષો પૂર્વે  સિંઘના સાથી  સંધુએ  હિન્દુ  લગ્ન ધારાની ઝાટકણી કાઢી હતી.  શીખો કહે છે કે અમારામાં છૂટાછેડા  જેવું  કંઈ છે જ  નહીં.   મુસ્લિમોને લગ્નનો પોતાનો કાયદો છે તો શીખોને કેમ નહીં? અમને શા માટે હિંદુ લગ્ન ધારો લાગુ પાડવો જોઈએ? જોકે, આ બધા મુદ્દા તો સંવાદથી ઉકેલી શકાય તેમ છે.

છેલ્લા ભારત-પાક યુદ્ધ પછી શીખોને સાઉદી અરેબિયામાં પ્રવેશબંધી થઈ ગઈ કારણ કે એક તો તેઓ યુદ્ધમાં સાચા લડાયક પુરવાર થયા હતા. ઉપરાંત કેટલાક શીખો સાઉદી અરેબિયામાં મજૂર આંદોલન કરતા થઈ ગયા હતા.

બીજી તરફ કટોકટી દરમ્યાન ૧૮ મહિના જેલમાં સબડનારા નિર્ભય-નીડર પત્રકાર લાલા જગત નારાયણ ૧ લાખ ૮૦ હજારનું વેચાણ ધરાવતા 'હિન્દ સમાચાર' અને ૭૦ હજારની ખપત ધરાવતા 'પંજાબ કેસરી'માં ખાલિસ્તાન ચળવળની સતત ટીકા કરતા રહ્યા હતા. એ કહેતા કે શીખો હિન્દુ જ છે!   શીખો હિન્દુઓના સંતાનો છે.'

શીખોની ધાર્મિક લાગણીને છંછેડયા વગર સમજદારીથી આ સમસ્યા હલ કરવી પડશે. સાથે  ભારતમાં  ઘૂસી ગયેલા  ખાલિસ્તાન તરફી  તોફાની  તત્ત્વોને  તડીપાર  કરવા  પડશે, એટલું જ  નહીં,  તેમના  આંદોલનને   વિદેશથી  ફંડિંગ કરનારા  શાહુકારોને  સીધાદોર કરવા પડશે.  દેશના વિકાસમાં વિવિધ ક્ષેત્રે શીખોના અમૂલ્ય પ્રદાનને ભૂલી શકાય તેમ નથી.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZU9Xod
via IFTTT

Comments