મહારાષ્ટ્રમાં સંકષ્ટી, મહાશિવરાત્રીની ઉજાણી પર નિયંત્રણો આવ્યાં



મુંબઈ તા. 27 ફેબ્રુઆરી, 2021, શનિવાર

મહાશિવરાત્રીનો પર્વ નજીક આવી રહ્યો છે, છતાં રાજ્યમાં કોરોનાના કહેરનું પ્રમાણ ઘટયું નથી. થોડો સમય પોરો ખાધા બાદ ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે ત્યારે સંકષ્ટી અને આગામી મહાશિવરાત્રીની ઉજવણીના રંગમાં ભંગ પડવાની સ્થિતિ નિર્માણ થઈ છે. કોરોનાના કેસ છેલ્લાં થોડાં દિવસથી ફરી વધી રહ્યાં હોવાને કારણે મુંબઈ સહિત રાજ્યભરના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો પર નિયંત્રણ મૂકવામાં આવ્યાં છે, તો કેટલેક સ્થળે કાર્યક્રમ સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવ્યાં હોવાની માહિતી પણ મળી છે.

કોરોનાને પગલે જ આ વર્ષે પ્રસિદ્ધ ગણેશ મંદિરોમાં સંકષ્ટીના દિવસે ગણેશજીના પ્રત્યક્ષ દર્શન પર નિયંત્રણ આવ્યું છે તો બાર જ્યોતિર્લિંગોમાંના એક મહારાષ્ટ્રના શ્રીક્ષેત્ર ભીમાશંકર ખાતે પણ ૧૦થી ૧૨ માર્ચ દરમ્યાન ઉજવવામાં આવનારી મહાશિવરાત્રીની યાત્રા રદ્દ કરવામાં આવી છે. આ બાબતનાર્નિર્ણય પ્રશાસન તેમજ દેવસ્થાને મળીને લીધો છે. તે ઉપરાંત રાજ્યના અન્ય શિવમંદિરોમાં પણ ઉજાણી પર નિયંત્રણ મૂકાયા હોવાનું જાણવા મળ્યું છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dSnTqJ
via IFTTT

Comments