સૌથી વધારે નોકરી કયા ક્ષેત્રમાં સર્જાઈ રહી છે?

- આખા જગતમાં નોકરી શોધવા માટે વપરાતી સાઈટ લિન્ક્ડઈનનો રિપોર્ટ: જોબ્સ ઓન ધ રાઈઝ

- કોરોનાએ પરિવર્તન સર્જી દીધું છે. પરિવર્તન પામેલા સમયમાં કેવી નોકરીઓ સર્જાઈ રહી છે, કેવી સર્જાવાની છે? 

 

હવે ઓનલાઈનનું ચલણ વધી ગયું છે... આજકાલ સૌ પાસેથી આ વાત સાંભળવા મળે છે. કેમ કે ખરેખર વધી ગયું છે. 

કોરોનાકાળને કારણે જે પરંપરાગત બિઝનેસ-કામ-ધંધા ઓનલાઈન ન આવી શક્યા એમને મોટો આર્થિક ફટકો પડયો છે. બીજી તરફ ડિજિટલ વિશ્વમાં નામ ધરાવતી એમેઝોન, ફેસબૂક, ગૂગલ... વગેેરેની આવક સતત વધી છે. વૈશ્વિક તો ઠીક, સ્થાનિક સ્તરે પણ ઓનલાઈન ઓર્ડર લેનારી રેસ્ટોરાં કે કરિયાણાની દુકાન લોકોએ વધારે પસંદ કરી. 

જે લોકો ડિજિટલ યુનિવર્સમાં પહેલેથી છે, એ પોતાનો વિસ્તાર કઈ રીતે થઈ શકે તેની વિચારણા કરી રહ્યા છે. 

જે લોકો ડિજિટલ દુનિયામાં નથી, એ આ દુનિયામાં કઈ રીતે પદાર્પણ કરવું એ દરવાજા શોધી રહ્યા છે. કેમ કે ધંધા-રોજગાર હવે ડિજિટલ પ્રગતિ વગર ચાલે એમ નથી. નોકરી શોધવા માટે આખા જગતમાં જાણીતી સાઈટ લિન્ક્ડઈન નિયમિત રીતે જોબ્સ ટ્રેન્ડનો રિપોર્ટ રજૂ કરતી હોય છે. તાજેતરમાં જ તેનો વર્ષ ૨૦૨૧ માટેનો રિપોર્ટ રજૂ થયો છે. 

અત્યારે કેવી નોકરીઓ છે અને કમસેકમ બે વર્ષ સુધી કેવી ભરતીઓ થતી રહેશે, તેનો ચીતાર તેમાં આપવામાં આવ્યો છે. આ રિપોર્ટ વૈશ્વિક છે એટલે બધી નોકરીઓ ભારતને લાગુ ન પડે, તો પણ ઘણી-ખરી તો લાગુ પડે જ છે. એ રિપોર્ટમાં રજૂ થયા મુજબ ક્યા ક્ષેત્રમાં નોકરીઓ ખુલી રહી છે?

ફ્રન્ટલાઈન ઇ-કોમર્સ પ્રોફેશનલ્સ: 

ઓનલાઈન ઓર્ડર કર્યા પછી ઘરે ડિલિવરી કરવા આવે એ ડિલિવરી બોય એટલે ફ્રન્ટલાઈન ઈ-કોમર્સ પ્રોફેશનલ્સ. લોકોની ડિમાન્ડ યથાવત છે, કંપનીઓ પાસે પ્રોડક્ટ પણ છે, પરંતુ એ પહોંચાડવા માટે માણસો પૂરતા નથી. 

એટલે આ ક્ષેત્રમાં સતત ભરતી થતી રહે છે. એક જ વર્ષમાં આ ભરતીમાં ૭૫ ટકા સુધીનો વધારો નોંધાયો છે. આગામી વર્ષોમાં આ વધારો જળવાઈ રહેશે, કેમ કે ઓનલાઈન ઓર્ડરનું ચલણ વધવાનું જ છે.

લોન-મોર્ગેજ એક્સપર્ટ: 

અનેક દેશોએ અર્થતંત્રને ધમધમતુ કરવા માટે વિવિધ આર્થિક સહાય જાહેર કરી, બેન્કોએ વ્યાજના દરો ઘટાડયા.

 જેમણે ઘટાડયા નથી એ હવે ઘટાડશે. લોન લેનારો વર્ગ વધી રહ્યો છે. લોન લેનાર અને લોન આપનાર નાણા સંસ્થાઓ વચ્ચે કડી માટે લોન-મોર્ગેજ એક્સપર્ટની ભરતી ૨૦૧૯ પછી ૫૯ ટકા વધી છે.

હેલ્થકેર સપોર્ટિંગ સ્ટાફ - નર્સ:

કોરોના વખતે આપણને ખબર પડી કે આપણી પાસે તો પુરતાં મેડિકલ સાધનો પણ નથી, માણસો પણ નથી. હવે એવી સ્થિતિ ન સર્જાય એટલે હેલ્થકેર સેન્ટરમાં સપોર્ટિંગ સ્ટાફની મોટી જરૂર પડશે. ડોક્ટર અને નર્સ તો છે જ એ ઉપરાંત દર્દી અને દવાખાનાને મદદરૂપ થાય એવી ઓછામાં ઓછી ૨૫ પ્રકારની નોકરીઓમાં ભરતી થઈ રહી છે. તેમાં ફાર્મસી આસિસ્ટન્ટ પણ આવે અને ઘરે આવી મેડિકલ રિપોર્ટ તૈયાર કરી જનાર પણ આવે. અમેરિકા, યુરોપના દેશો, જાપાન વગેરેમાં નર્સનું આગવું મહત્ત્વ છે. આપણે ત્યાં મહત્ત્વ ધીમે ધીમે વધી રહ્યું છે. ડોક્ટર બધે પહોંચી ન વળે અને હેલ્થકેર સપોર્ટિંગ સ્ટાફ સારવાર ન કરી શકે. એ વખતે નર્સ કામ લાગે. મોટી ઉંમરના લોકોની વસતી વધતી જાય છે એવા દેશોમાં તો નર્સની ભારે અછત છે. 

બિઝનેસ ડેવલપમેન્ટ: 

મોટા ભાગના ધંધામાં મંદી છે. એમાંથી બહાર કેમ નીકળવું? નવા અને ઝડપથી બદલાયેલા સમયમાં પોતાનો બિઝનેસ કઈ રીતે પલોટવો? એ સમજવા માટે અને આવનારી તકોનો લાભ લેવા માટે બિઝનેસ ડેલપમેન્ટ અથવા તો સેલ્સ પ્રોફેશનલની આવશ્યતા ઉભી થઈ છે. કસ્ટમર સાથે રિલેશન જાળવવા, સેલ્સ ટીમ બિલ્ડ કરવી, બિઝનેસની નવી તકો તપાસવી વગેરે કામગીરીનો તેમાં સમાવેશ થાય છે.

વર્કપ્લેસ ડાયવર્સિટી એક્સપર્ટ:

તમારે ત્યાં કામ કરનારા કર્મચારીઓ વિવિધ ક્ષેત્ર-બેકગ્રાઉન્ડમાંથી આવે છે? તેમની પાસે વિવિધ પ્રકારના અનુભવો છે? કંપની તેના વૈવિધ્યપૂર્ણ અનુભવોનો લાભ લે છે?.. આ બધી બાબતો કોઠાસૂઝ ધરાવતા ઉદ્યોગપતિઓ તો જાણતા હોય. પરંતુ માત્ર ભણીને આવેલા આધુનિક બિઝનેસ લિડર્સને તેની જાણકારી નથી હોતી. એટલે ગૂગલ કે ફેસબૂક સહિતની પરદેશી જાયન્ટ કંપનીઓમાં વર્કપ્લેસ ડાયવર્સિટી એક્સપર્ટની બોલબાલા વધી છે. 

ડિજિટલ માર્કેટિંગ-કન્ટેન્ટ ક્રિએટર 

આ કામગીરી આપણે ત્યાં જાણીતી છે અને હવેના યુવાનો ક્યાંય નોકરી માટે ફાંફા-મારવા કરતાં ડિજિટલ માર્કેટિંગ શીખી જઈ તેની કામગીરી અપનાવી રહ્યા છે. કંપની હોય કે વ્યક્તિ ડિજિટલ યુનિવર્સમાં ટકી રહેવા સતત લોકોની નજરમાં આવવું પડે. એ માટે માર્કેટિંગના પરંપરાગત રસ્તાને બદલે ડિજિટલ માર્કેટિંગ નિષ્ણાતોની જરૂર પડે. તેની જરૂર તો આગામી પાંચ-દસ વર્ષ સુધી વધતી જ રહેવાની છે.

સાથે સાથે જરૂર કન્ટેન્ટ ક્રિએટરની પડી રહી છે. કન્ટેન્ટ મુખ્યત્વે વાંચન અથવા તો ઓનલાઈન દર્શાવાતી સામગ્રી. કોઈ બ્રાન્ડને પ્રમોટ કરવી હોય તે મનોરંજન પિરસવું હોય, લખનારા તો જોઈશેને.. એમાં વળી પરંપરાગત લખનારા નહીં, ડિજિટલ માધ્યમોની જરૂરિયાત સમજીને લખી શકે એવા મોર્ડન રાઈટરોની ડિમાન્ડ વધી છે, વધતી રહેશે.

એજ્યુકેશન પ્રોફેશનલ:

પાછળ ઈન્ટરનેશનલ લખ્યું હોય એવી શાળાઓનો પાર નથી, પણ એવી શાળાઓમાં ઈન્ટરનેશનલ તો ઠીક પે-સેન્ટર શાળાની કક્ષાનુંય શિક્ષણ ઘણી વખત મળતું નથી. એમાંય હવે ઓનલાઈન શિક્ષણનો યુગ આરંભાયો.

 ઓનલાઈન ભણવુ, શું ભણવું, કેટલું ભણવું.. એ સમજાવવા માટે શિક્ષણ સંસ્થાઓને એજ્યુકેશન પ્રોફેશનલ્સની જરૂર પડી રહી છે. 

ભણાવવા માટે ટીચર્સની જરૂરિયાત તો છે અને રહેશે જ. ઘરે બેઠા ભણાવી શકે એવા શિક્ષકોની ડિમાન્ડ પણ વધશે.  

પ્રોફેશનલ-પર્નસલ કોચ: 

જેમની પાસે પૈસા છે, એમને પ્રોફેશનલ-પર્સનલ કોચ રાખવા પોસાય. આવા કોચ માર્ગદર્શન આપશે, કારકિર્દીમાં આગળ શું કરવું, જીવનના પ્રશ્નો કેમ ઉકેલવા.. વગેરે. આ નોકરી ભારત માટે બહુ અનૂકુળ નથી, પશ્ચિમના દેશો માટે છે.

સ્પેશિયલાઈઝ્ડ એન્જિનિયર 

એન્જિનિયરોની કાયમ જરૂર રહેવાની પણ હવે સ્પેશિયલાઈઝ્ડ એન્જિનિયરોની વધારે જરૂર પડશે. જેમાં ઈકો-ફ્રેન્ડલી ઘર ડિઝાઈન કરી શકે એવા, સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી શકે એવા.. વગેરે એન્જિનિયરોનો સમાવેશ થાય છે. 

મેન્ટલ હેલ્થ સ્પેશિયાલિસ્ટ: 

કોરોના વખતે જેમને ચેપ નથી લાગ્યો એ લોકો પણ ઘરમાં કે બંધિયાર વાતાવરણમાં રહીને માનસિક રીતે થાક્યા હતા. આવો થાક ગાંડપણમાં ન ફેરવાય એ માટે માનસિક આરોગ્ય નિષ્ણાતો જરૂરી છે. ભવિષ્યમાં આવા લોકોની જરૂર વધશે, કેમ કે લોકોની માનસિક સમસ્યાઓ ઓછી નથી થવાની.

યુઝસ એક્સપિરિયન્સ પ્રોફેશનલ્સ 

આ ડિજિટલ વિશ્વ સાથે સંકળાયેલી નોકરી છે. કોઈ કંપનીની પ્રોડક્ટ, ટેકનોલોજી, સર્વિસ વાપર્યા પછી 

યુઝર્સનો અનુભવ શું છે? તેના આધારે વેચનારે પ્રોડક્ટમાં શું ફેરફાર કરવો? વગેરે જાણકારી યુઝર્સ એક્સપિરિયન્સ પ્રોફેશનલ આપી શકશે.

 તેના આધારે કંપની પોતાની સર્વિસ-પ્રોડક્ટ સુધારી શકશે. દરેક વેબસાઈટ કે ઓનલાઈન એપમાં ફીડબેકની પ્રથા શરૂ થઈ ગઈ છે. આ ફીડબેક જેમના સુધી પહોંચે એ યુઝર્સ એક્સપિરિયન્સ ટીમ હોવાની.

ડેટા સાયન્ટિસ્ટ: 

મોબાઈલ, ઈ-મેઈલ, વિવિધ એકાઉન્ટ.. દરેક વ્યક્તિનો ઓનલાઈન ડેટા વધતો જાય છે. આપણી પાસે તો પાંચ અલગ અલગ એકાઉન્ટ હોય તો પણ યાદ રાખવામાં મુશ્કેલી થાય. જાયન્ટ કંપનીઓ પાસે લાખો-કરોડો યુઝર્સ-ક્લાયન્ટ છે. એ બધાનો ડેટા મેેનેજ કરવો એ ડેટા સાયન્ટિસ્ટનુ કામ.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક્સપર્ટ:

દરેક કંપનીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નિષ્ણાતની જરૂર નહીં પડે, કેમ કે દરેક કંપનીને હજુ તો એ ટેકનોલોજી સમજાતી પણ નથી. પરંતુ મશીન-કમ્પ્યુટર-મોબાઈલ-ગેજેટ્સને વિચારતા કરવાની કામગીરી એ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે. 

જે કંપનીઓને આ નિષ્ણાતોની જરૂર પડવાની છે, ત્યાં તેનું વળતર પણ બહુ મોટું મળે છેે અને મળવાનું છે એ નક્કી છે.

****

લિન્ક્ડઈને રજૂ કરેલી આ પ્રકારની જ તકો-નોકરીઓ સર્જાય અને બીજી નહીં સર્જાય એવું નથી. પરંતુ અત્યારે નવાં ઉભરી રહેલા ક્ષેત્રો આ છે એમાં તો ના પાડી શકાય એમ નથી.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uBJUQF
via IFTTT

Comments