- કોમ્યુનિકેશનનો વિસ્ફોટ પણ જ્યારે અને જ્યાં જેની જોડે સંવાદની જરૂર છે ત્યાં શૂન્યતા
- હોરાઈઝન-ભવેન કચ્છી
- સોશિયલ મીડિયાના આગમન પછી બધા 'એક્ટર' તો નથી બની ગયા ને ? પોસ્ટ પરથી તો દુનિયા સ્વર્ગ જેવી લાગે છે
- અગાઉના માનવી પરિવારના સભ્યોની ભીડના ભૂખ્યા હતા હવે એકાંત હોય તો જ ઓડકાર આવે છે
૮૦ વર્ષના કાકા કાકી વચ્ચેનો સંવાદ :
કાકા : 'હું રસોડામાં જઉં છું તારા માટે કાંઈક લેતો આવું ?'
કાકી : 'આઈસ્ક્રીમનો કપ ફ્રીજમાંથી લાવજો. લખી લો. નહીં તો ભૂલી જશો.'
કાકા : 'ના...ના યાદ રહેશે.'
કાકી : 'ઉપર સ્ટ્રોબરી પણ મુકજો.'
કાકા : 'ચોક્કસ'
કાકી : 'લખી લો ને ભૂલી જશો.'
કાકા : 'અરે એમ તે હોય ?'
કાકી : 'તો એમ કરો આઈસ્ક્રીમ ઉપર થોડું વધુ 'ક્રીમ' પણ મૂકજો. લો હવે તો લખી જ લો. ભુલી જવાશે.'
કાકા : 'તું ચિંતા ન કર તે કીધું તે રીતે જ લઇ આવીશ.'
અડધો કલાક પછી કાકા માથુ ખંજવાળતા ડીશમાં સેવ મમરા લઇને આવ્યા.
કાકી : જો હું કહેતી હતી ને ? ભૂલી જ ગયા ને ? મેં જોડે બુંદી લાવવાનું નહોતું કહ્યું ?
ભલે જોકના સ્વરૂપે કહેવાયુ હોય... પણ છે નવી પેઢી માટે દિશાદર્શક અને પથદર્શક. અગત્યનું એ નથી રહેતું કે મેં શું કહ્યું અને તે શું કર્યું... અગત્યનુંછે બંને વચ્ચે સંવાદ હોવો. એકબીજાને એહસાસ અપાવવો કે મને તારી જરૂર છે.
આપણે માહિતી અને પ્રસારણના યુગમાં જીવીએ છીએ. સોશિયલ મીડિયા પર આપણી જીવનચર્યા, ઉજવણી, પ્રવાસ, ખુશી-ગમ, સિધ્ધી અને આપણે કેટલા સદનસીબ અને સુખી છીએ તેની પ્રતિતી ઓનલાઈન મિત્રોને 'શેયર' કરીએ છીએ.
જો ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામની પોસ્ટની નજરે જ દુનિયા જોઇએ તો એવું લાગે કે પૃથ્વી પર સ્વર્ગ જ છે. બધા કેટલા આનંદ કિલ્લોલ કરે છે. કેવા સૂમેળભર્યા સંબંધો છે. વાલીઓ માટે સંતાનોને સન્માન છે અને વાલીઓને સંતાનો માટે વાત્સલ્ય. પતિ પત્નીનું દામ્પત્યજીવન અને પ્રેમ તો રામ-સિતાને પણ ઇર્ષા કરાવી જાય. રાધા કૃષ્ણનો પ્રેમ તો વિસાતમાં નહીં ! કેટલી ખુશીની પળો અને જીવનને ભરપૂર માણતી અમારી જિંદગી છે.
અમે તો રોજેરોજ મસ્તીથી અવનવા નાસ્તા, કોન્ટિનેન્ટલ ફૂડ, મજાની દાળના સબડકા, વઘારદાર શાક, દહીં-રાયતાનું શાહી ભોજન લઇએ છીએ. બધાને ઘેર દ્રાક્ષ કે ફળો એમને એમ રસોડામાં કોઈ ઘરનો સભ્ય લેવાલ નીકળે તે રીતે પડી રહી હોય છે પણ દ્રાક્ષ મોં નજીક લાવીને ફોટો ખેંચવાનો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેવાનો.
દાયકાઓ પહેલા એવું હતું કે અમૂક પ્રકારની ખાણી-પીણી, શોપિંગ કે જીવન શૈલી ખાસ લોકો સુધી જ સીમીત હતી પણ ત્યારે તેઓ દેખાડો નહતા કરતા. ઉદ્યોગપતિઓ અને શ્રેષ્ઠીઓમાં સાદગી પ્રવર્તતી હતી. એમ્બેસેડર, ફિયાટ સ્ટેટસ મનાતુ. ફાઈવ સ્ટાર હોટલ કે વિમાનની મુસાફરી, વિદેશ પ્રવાસ, પાર્ટી ક્લબ 'રેર' પરિવારો સુધી જ સીમીત હતું. આમ છતાં તે બધા જ સહજ રીતે આડંબર વગર ભોગવતા અને સમાજ માટે શૈક્ષણિક સંસ્થાો, સખાવત માટે 'ગિવિંગ બેક ટુ ધ સોસાયટી'ની ભાવનાથી રહેતા. આજે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે પણ શિક્ષમ, સંસ્કૃતિ, સેવા માટેની પાયારૂપ સંસ્થાઓ છે તે આવા જૂની પેઢીના ડાઉન ટુ અર્થ જે આભાર છે. તે વખતના સામયિકો, અખબારો કે તે પછી આવેલા ટીવીમાં દેખાડો કરવાનો અભિગમ નહતો.
આજે સોશિયલ મીડિયા ભ્રામક ચિત્ર ઉપસાવે છે. કેટલીક પોસ્ટ કરનારાના અંગત જીવન, માનસિકતા કે સ્વભાવ સાવ દંભી, કૃત્રિમ અને નજીકથી જોઇએ તો એવું લાગે કે આ હદે દુનિયાને છેતરતો નજારો આપવાની શું જરૂર ? તમે જેવા નથી તેવા બતાવવાની આ હોડ જામી છે. જેમ ફિલ્મ સ્ટારો કે મોડેલ્સ માત્ર ફોટો કે શૂટ કરવા પૂરતી જ તે એક્ટિંગ કે પોઝ આપે છે તેમ આપણે બધા સોશિયલ મીડિયાના આગમન પછી 'એકટર' બની ગયા છીએ. કેટલાક દેખાડો કરે છે તો બાકીના 'આધી હકીકત આધા ફસાના' જેમ જીવન વ્યતીત કરે છે.
એકબાજુ આપણે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ પાસેથી 'પ્રાઈવસી' માટે કોર્ટમાં જઇએ છીએ અને બીજી બાજુ મુંબઇ, દિલ્હી કે દુબઈ જ્યાં હવે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા રોજમદાર કામદાર જેવા શ્રમિકો પણ વિમાની મુસાફરી કરતા થઇ ગયા છે ત્યાં મુસાફરી કરતી વખતે આપણામાંના ઘણા બોર્ડિંગ પાસના ફોટા મુકે અને તેમનો અંગત, ખાનગી પ્રવાસ જાહેર કરી દે છે. તે પછી કોઈ રેસ્ટોરામાં બેઠા હોય તો ગૂગલ મેપ સાથે જ્યૂસ પીતો ફોટો પણ પોસ્ટ કરે.
પ્રત્યેક પોસ્ટ મૂકનારે સ્વગત પૂછવું જોઇએ કે 'આમાં હું કંઇક એવું કરી રહ્યો છું કે જે જૂજ લોકોની પહોંચમાં જ હોય. તેમાં હું કાંઇક મારૂ જોયેલું, જાણેલું જ્ઞાાનવર્ધક ઉમેરૂ છું. ? પોસ્ટ મૂકવાનો હેતુ શું છે ? ખરેખર હું મારા પરિવાર, સમાજથી પોસ્ટ પ્રમાણે ખુશ છું ? કોઈ સામે મળી જાય ત્યારે મારો ચહેરો અને બોડીફીગર ખરેખર પોસ્ટ કરતા જુદો જોઈ આશ્ચર્ય સાથે આઘાત તો નહીં પામે ને ?'
છૂટાછેડાના કિસ્સાઓ વધતા જાય છે. મનોચિકિત્સકોને ત્યાં પણ કેસનો ભરાવો થતોજાય છે. પરિવારના સભ્યો વચ્ચે સંવાદિતાના તાર વેરવિખેર થઇ જવાના કિસ્સા છાપરા પર ચડી પોકારે છે. વાલીઓ અને સંતાનો, પતિ-પત્ની અને પરિવાર લડાઈ-ઝઘડા, અપમાન, આત્મ સન્માનને ઠેસ પહોંચાડતી ઘટનાઓથી ખદબદી રહ્યો છે. ઓફિસ અને ધંધાનો તનાવ તેની ચરમસીમાએ છે. એક સંતાનનો ઉછેર કરતા એક પરિવારને આંખે અંધારા આવી જાય તેવી કે જરા સરખો તનાવ, ખેંચ અને અગવડ તો ઠીક એસીની જગાએ પંખો હોય તો પણ મિજાજ ગુમાવી દઈએ તેવી બધાની કાચ જેવી સહનશક્તિ થઇ ગઇ છે. પતિ-પત્ની વચ્ચેના દામ્પત્ય જીવન કે વાલી-સંતાનના સંબંધો જે ભયજનક વણસતા જાય છે તેનું પુન:સ્થાપન કરવા ફેમિલી કોર્ટ, સામાજિક સંસ્થાઓના નિષ્ણાત કાઉન્સેલરો જે તારણો આપે છે તે ચોંકાવનારા છે. મનોચિકિત્સકો પાસે વાલીઓ પણ કુટુંબ તોડવામાં તેઓ કેમ નીમિત્ત બનતા જાય છે તે માટે સારવાર લેતા થયા છે.
આઘાતજનક બાબત એ છે કે આ તમામ પીડીતોની સોશિયલ મીડિયા પરની પોસ્ટ જુઓ તો તમને એમ લાગે કે આ હદના પ્રેમ અને ખુશીની બનાવટ કરવા તેઓ કેમ પ્રેરાયા હશે ?
જેનું કાઉન્સેલિંગ ચાલતુ હોય તેની પોસ્ટ તો એવું સુખ વ્યક્ત કરતી હોય કે બીજાને અદેખાઈ આવે. જેઓ આત્મ હત્યા કરે છે તેમની સોશિયલ મીડિયાની છેલ્લા પંદર દિવસની પોસ્ટ જુઓ તો તેમાં તો તે પત્ની સાથે ગોવાના બીચમાં ગ્રાન્ડ મસ્તી કરતા હોય. જે માતા-પિતાની બર્થ ડે ઉજવતા ફોટા હોય અને સંતાનોએ તેમના માટે કવિતા લખી હોય તે જ માતા-પિતા ગણતરીના મહિનામાં વૃધ્ધાશ્રમમાં હોય કે પછી સંતાને માતા-પિતાના મ્હેણા ટોણાથી આત્મહત્યા કરી હોય.
આવી પરિસ્થિતિ નિર્માણ થવાનું કારણ એ છે કે આપણે આપણા ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ ગુ્રપના અંગત કે ક્યારેય રૂબરૂ મળ્યા જ ન હોય તેવા દેશ-વિદેશના મિત્રો જોડે સંવાદ સેતુ સતત સાધતા રહીએ છીએ. તેમાંની મોટાભાગની પોસ્ટ તો વાસ્તવિક અંતરંગ દુનિયાની ગેરમાર્ગે દોરનારી હોય છે. પણ ખરેખર જે સૌથી નજીકની પારિવારિક વ્યક્તિ એટલે કે પતિ, પત્ની, વાલીઓ કે ખાસ મિત્ર હોય તેની જોડે સંબંધ સુધારવા માટેનો, અહમ્ ઓગાળતો કે શા માટે તનાવ અનુભવે છે તેનું ચિંતન કરતો સંવાદ જ નથી કરાતો.
માહિતી અને કોમ્યુનિકેશનના વિસ્ફોટના યુગમાં જ જેની જોડે અત્યંત જરૂરી છે તેની સાથે સંવાદ સાધવાની તીવ્ર કટોકટી પ્રવર્તે છે. બીજી લાક્ષણિકતા એ જોવા મળે છે કે બે વ્યક્તિ વચ્ચે ભરપૂર વાતચીત થાય, સંવાદ પણ સધાય પણ ખરેખર જે કહેવાનું હોય કે મેસેજ આપવાનો હોય તે જાણ્યે કે અજાણ્યે નથી જણાવાતું અથવા તો સેન્સર કે ફિલ્ટર કરી દેવાય છે. હવે એ વાસ્તવિક્તા પણ સ્વીકારવી પડશે કે વ્યક્તિને માટે થોડી 'સ્પેસ' અનિવાર્ય બની છે અગાઉના માનવી ભીડના ભૂખ્યા હતા હવે એકાંત હોય તો જ ઓડકાર આવે છે.
વડીલોએ ૨૫-૫૦ વર્ષ જૂના ચશ્માને પણ ઉતારી દેવા પડશે જ્યારે નવી પેઢીએ પરસ્પર આત્મસન્માન, કાળજી, સ્પર્શ અને હૂંફનું રેસીપી યુક્ત જીવન બનાવવું પડશે.
ફેસબુકમાં એવી પોસ્ટ મૂકો કે ઘરના વડીલો, સંતાનો અને પુત્રવધૂ સાથે બેસી ભોજન કરતા હોય. ભગવાનના ફોટા કે મૂર્તિ પાસે બેસીને અઠવાડિયામાં એક વખત ભજન કે પાઠ પઠન કરતા હોય, સાથે બધા રેસ્ટોરામાં જોવા મળે.
જે પતિ અને પત્ની વચ્ચે ખટરાગ થયો હોય અને મનમાં ઉકળાટ પ્રવર્તતો હોય તેઓએ મસ્ત મજાના સ્મિત અને આલિંગન સાથેનો આઉટડોર ફોટો પોસ્ટ ન જ કરવા જોઇએ.
સંવાદ એટલે મોં વડે થતી વાતચીત જ નહીં પણ પારદર્શક અને ચાલાકી વગર અંતરમન ખોલી દઇ જે નીકળે તે શબ્દો. સંવાદ હૂંફાળા સ્પર્શથી એકપણ શબ્દ વગર પણ થઇ શકે અને સંવાદમાં બંને વ્યક્તિના કાળજી અને પ્રેમ માત્ર વ્યક્ત થઇ જાય તો પણ ઉમદા સેતુ સર્જાય છે.
હવે લેખના પ્રારંભમાં કાકા-કાકી વચ્ચેનો સંવાદ ફરી વાંચો. આપણો આવો સંવાદ હોય તો પણ જીવન ધન્ય થઇ જાય.
કોઇનાથી ફક્ત એટલું જ રિસાવું કે એને તમારી કમી મહેસૂસ થાય. એટલું નહીં કે તમારા વિના એ જીવતા શીખી જાય.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZWFdmp
via IFTTT
Comments
Post a Comment