ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિની આવકારદાયક પહેલ

- પાકિસ્તાને ફરી વખત સરહદ પર શાંતિ જાળવવાની અને સીઝફાયરનું ઉલ્લંઘન ન કરવાની ખાતરી આપી 

- ભારતે પાકિસ્તાન સાથેના વિવાદો ઉકેલવા માટે હંમેશા સકારાત્મક વલણ જ દાખવ્યું છે પરંતુ દર વખતે પાકિસ્તાન જ આડું ફાટે છે ત્યારે આ વખતે પાકિસ્તાન સીઝફાયરનું પાલન કરવાની બાંહેધરી પાળશે કે ફરી પાછું અવળચંડાઇ કરશે એ જોવું રહ્યું


પાકિસ્તાને ફરી વખત સરહદ પર શાંતિ જાળવવાની અને સીઝફાયરનું ઉલ્લંઘન ન કરવાની ખાતરી આપી છે. બંને દેશોના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ હોટલાઇન પર વાત કરીને નિયંત્રણ રેખા અને અન્ય તમામ ક્ષેત્રોમાં ખુલ્લા, સ્પષ્ટ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણની સ્થિતિની સમીક્ષા કરી. એ પછી બંને દેશોએ તમામ સમજૂતિઓનું કડક પાલન કરવાની અને સીઝફાયર જાળવવાની સહમતિ વ્યક્ત કરી છે. 

વર્ષ ૨૦૦૩ની ૨૬ નવેમ્બરે બંને દેશો વચ્ચે જમ્મુ-કાશ્મીરની ૨૬૪ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને ૮૧૪ કિલોમીટર લાંબી અંકુશ રેખા ઉપર સીઝફાયર લાગુ કરવાની મૌખિક સમજૂતિ થઇ હતી. પરંતુ સીઝફાયર લાગુ થયાના બે મહિના બાદ જ પાકિસ્તાની સેનાએ સીઝફાયર વાયોલેશન શરૂ કરી દીધું હતું.

આ રીતે વારંવાર યુદ્ધવિરામ ભંગ કરવા પાછળ પાકિસ્તાની સેનાની મંશા એ હોય છે કે પાકિસ્તાનમાં તૈયાર થયેલા આતંકવાદીઓને ભારતમાં ધકેલવા માટે કવરિંગ ફાયર કરવું. આ રીતે આતંકવાદીઓને ભારતની સરહદમાં ઘૂસાડવા માટે કવરિંગ ફાયર કરવાનું પરિણામ એ આવે છે કે સીઝફાયરનું મહત્ત્વ જ રહેતું નથી અને જવાબમાં ભારતીય સુરક્ષા દળોએ આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા માટે બરાબર જવાબ આપવો પડે છે. 

હમણા સુધી તો સરહદે ગોળીબાર ઉપરાંત મોર્ટારનો ઉપયોગ થતો હતો પરંતુ ૨૦૧૬ની ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકથી રઘવાઇ બનેલી પાકિસ્તાની સેનાએ છેલ્લા થોડા વર્ષોથી એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલનો ઉપયોગ કરીને ભારતીય સેનાની ચોકીઓ અને બંકરો ઉડાવવાનું શરૂ કર્યું છે.

જોકે ભારતીય સેના પણ પાકિસ્તાની ચોકીઓ ઉડાવીને જડબાતોડ જવાબ આપે છે. પાકિસ્તાન તરફથી કોઇ પણ જાતની ઉશ્કેરણી વગર થતા ફાયરિંગ અંગે ભારત પાકિસ્તાન સમક્ષ કડક વિરોધ નોંધાવે છે પરંતુ અવળચંડા પાકિસ્તાનને તેની કોઇ અસર થતી નથી. ઉલટાનું તે ભારત ઉપર યુદ્ધવિરામ ભંગ કરવાના આરોપો મૂક્યા કરે છે. 

સીઝફાયરના પહેલા બે-ત્રણ વર્ષ દરમિયાન ઉલ્લંઘનની ઘટનાઓ બનતી હતી પરંતુ પાકિસ્તાની સેનાના નિશાન ઉપર ભારતીય સેનાના ઠેકાણા જ રહેતા હતાં. પરંતુ આજે એ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કે પાકિસ્તાની મોર્ટારો સરહદ પાસેના રહેવાસીઓના ઠેકાણા પર ત્રાટકે છે. આજે સરહદ પાસેના ગામડાઓ સાવ તબાહ થઇ ગયા છે. સીમા પાસેના આવા ગામડાઓમાં વસતા હજારો લોકો પોતાના રહેઠાણો છોડીને શરણાર્થી કેમ્પો અને સગાવહાલાઓને ત્યાં રહેવા માટે મજબૂર છે.

પાકિસ્તાન તરફથી ગમે ત્યારે થતાં યુદ્ધવિરામના ભંગના કારણે સરહદ પાસે રહેતા આ લોકો નથી પોતાના ખેતરોમાં જઇ શકતા કે નથી બાળકો શાળાએ ભણવા જઇ શકતા.  જગજાહેર વાત છે કે પાકિસ્તાન આતંકવાદીઓનું મનગમતું શરણસ્થાન છે. પાકિસ્તાન આતંકવાદીઓને બેમર્યાદ ફંડ પૂરું પાડે છે. આતંકવાદીઓ અને આતંકવાદ સપ્લાય કરતા આકાઓ પાકિસ્તાનની ધરતી ઉપર સરેઆમ ફરે છે.

ભારતને નબળું પાડવા માટે પાકિસ્તાની સેના આતંકવાદીઓને ચાર હાથે મદદ કરે છે. આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે કાયમ પ્રયાસો કર્યા કરે છે. દગાબાજી માટે જાણીતી પાકિસ્તાની સેના સરહદ પર છાશવારે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતના જાબાંઝ જવાનોના જીવ લે છે. ટેરરિસ્તાનની ઉપમા મેળવી ચૂકેલું પાકિસ્તાન એવી તમામ નાપાક હરકતો કરે છે જે ભારતને નુકસાન પહોંચાડે. 

જોકે ભારતીય સેના પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે છે. ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારતીય સુરક્ષાદળો અનેક મોરચે પાકિસ્તાનને પોતાની અસલ તાકાતનો પરચો આપી ચૂક્યાં છે. તેમ છતાં પાકિસ્તાન એમાંથી કશો બોધપાઠ લીધો હોય એમ જણાતું નથી. ૨૮ સપ્ટેબર ૨૦૧૬ની એ રાતે ભારતીય સેનાના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરી દીધું.

પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ પઠાણકોટ એરબેઝ ઉપર કરેલા હુમલામાં ૧૯ જવાનો શહીદ થયા અને તેમની શહીદીનો બદલો લેવા સેનાના સ્પેશિયલ કમાન્ડોએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને આતંકવાદી છાવણીઓનો દાટ વાળી દીધો અને હેમખેમ ભારતીય સીમામાં પરત ફર્યાં. એ પછી પણ ભારતીય સેનાએ ઘૂસણખોરોને આશરો આપતી પાકિસ્તાની ચોકીઓને તબાહ કરી છે. તેમ છતાં પાકિસ્તાનની નાપાક હરકતો અટકતી નથી. 

એ તો સ્પષ્ટ બાબત છે કે પાકિસ્તાની સરકાર અને તેની સેનાની મરજી વગર કોઇ આતંકવાદી સંગઠન પોતાની કામગીરી ન કરી શકે. પાકિસ્તાની સરકાર અને સેના ઉપરાંત સમાંતર સરકાર ચલાવતી ગુપ્તચર સંસ્થા આઇએસઆઇની સમસ્યા એ રહી છે કે તે નીતિગત રીતે આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓનો ઉપયોગ કરવો યોગ્ય સમજે છે. આ આત્મઘાતી વિચારધારાના કારણે જ પાકિસ્તાનમાં મોટા પાયે આતંકવાદી સંગઠનોને પાળવા અને પોષવાનું કામ થતું આવ્યું છે.

કોઇ આતંકવાદી સંગઠન ઉપર પ્રતિબંધ મૂકાય ત્યારે દુનિયાને ગેરમાર્ગે દોરવા માટે જ એ સંગઠન અને આતંકવાદના આકાને નવા નામ સાથે નવેસરથી નવું સંગઠન ઊભું કરવાની સુવિધા આપવામાં આવે છે. એ સાથે આતંકવાદની ફેકટરી ચલાવતા હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ બેરોકટોક સામાન્ય જીવન જીવી શકે છે. ખરેખર તો પાકિસ્તાન સુધરે એવા અણસાર ઓછા છે. ઉલટું દુનિયાની આંખોમાં ધૂળ નાખવા તે એવો ડોળ કરે છે કે તે ખુદ આતંકવાદથી પીડિત છે.

થોડા વખત પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદમાં જાણકારી આપતા કહ્યું હતું કે આ વર્ષે ૨૮ જાન્યુઆરી સુધીમાં યુદ્ધવિરામના ઉલ્લંઘનના ૨૯૯ બનાવો નોંધાયા છે. જ્યારે ગયા વર્ષે પાકિસ્તાને ૫૧૩૩ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું જેમાં આપણા ૪૬ જવાન શહીદ થયા હતાં. વર્ષ ૨૦૧૯માં પણ પાકિસ્તાને ૩૨૩૩ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. 

ખરેખર તો ભારત સાથે સંબંધો સામાન્ય કરવાની દિશામાં ઇમરાન ખાન સમક્ષ ભારે પડકારો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસવાનું મુખ્ય કારણ સરહદપારથી ચાલતા આતંકવાદી કરતૂતો છે. એ તો જગજાહેર છે કે પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠનો ભારતમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસોમાં રત રહે છે. ઇમરાન ખાનનું આ સંગઠનોને લઇને જે વલણ છે એ ભારત માટે ચિંતાજનક છે. ઇમરાન ખાન ચૂંટણીમાં કટ્ટરપંથીઓનું સમર્થન હાંસલ કરીને વિજયી બન્યા હતાં. 

આજે પાકિસ્તાનનું અર્થતંત્ર ખસ્તાહાલ છે અને આતંકવાદને પોષવામાં રત રહેલો દેશ દેવાના મોટા ડુંગર તળે દબાયેલો છે. ખુદ ઇમરાન ખાને કબૂલ કર્યું છે કે પાકિસ્તાને જૂનું દેવું ચૂકવવા માટે નવું દેવું કરવું પડે છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સુધારવા માટે જરૂરી છે કે તે સાફ નિયત સાથે કામ કરે અને દેશમાં અને બહાર શાંતિપૂર્ણ માહોલ સ્થપાય એ માટે જરૂરી પગલાં લે. ઇમરાન ખાન સમક્ષ મોટી જવાબદારી છે કે તે સેના કે કટ્ટરવાદી તત્ત્વોના દબાણમાં આવીને એવી નીતિઓ અખત્યાર ન કરે જે તેમના ખાડે ગયેલા દેશને સાવ પાયમાલ કરી દે.  માત્ર ભારત તરફથી જ નહીં, દુનિયાના બીજા દેશો તરફથી પણ પાકિસ્તાનને લપડાક મળી છે.

પાકિસ્તાનના સૌથી મોટા મદદગાર ગણાતા અમેરિકાએ પણ આતંકવાદી ગતિવિધિઓમાંથી ઊંચા ન આવતા પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક મદદ ઉપર મનાઇ લગાવી દીધી છે. ટેરર ફંડિંગની દેખરેખ રાખતી સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ પણ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત્ રાખ્યું છે. યૂ.એન. સહિતના વૈશ્વિક મંચો ઉપર પાકિસ્તાન વિરુદ્ધ અવાજ ઊઠી રહ્યાં છે. તેમ છતાં પાકિસ્તાનની બદમિજાજી અટકવાનું નામ નથી લેતી અને ભારતમાં અશાંતિ ફેલાવવાના શક્ય તમામ કાવાદાવા આચર્યા કરે છે. 

જ્યારે જ્યારે ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવાની દિશામાં પહેલ કરી છે ત્યારે ત્યારે પાકિસ્તાને તેનો જવાબ ઉરી, પઠાનકોટ, ગુરદાસપુર જેવા મોટા આતંકવાદી હુમલાના સ્વરૂપમાં આપ્યો છે. એ હકીકત છે કે ભારતે પાકિસ્તાન સાથે મંત્રણા કરવાનો કદી ઇન્કાર કર્યો નથી અને દર વખતે જૂના બનાવો ભૂલીને વાતચીત માટે હાથ લંબાવ્યો છે. પરંતુ દર વખતે કોઇ મોટી આતંકવાદી ઘટના બને છે અને વાર્તાલાપ તૂટી જાય છે. એ જ કારણે પાછલા લાંબા સમયથી ભારતનું વલણ રહ્યું છે કે બંને દેશો વચ્ચે મંત્રણા ત્યારે જ શક્ય છે જ્યારે પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થન આપવાનું બંધ કરશે અને સરહદપારથી ભારતમાં આતંકવાદીઓને મોકલવાનું બંધ કરશે. 

ભારતે પાકિસ્તાન સાથેના વિવાદો ઉકેલવા માટે હંમેશા સકારાત્મક વલણ જ દાખવ્યું છે પરંતુ દર વખતે પાકિસ્તાન જ આડું ફાટે છે. હવે જોવું રહ્યું કે આ વખતે પાકિસ્તાન સીઝફાયરનું પાલન કરવાની બાંહેધરી પાળશે કે ફરી પાછું અવળચંડાઇ કરશે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NHawPu
via IFTTT

Comments