મહેસાણાના એસપી અને અધિક કલેક્ટરે કોરોના વિરોધી રસી લીધી

મહેસાણા,તા.31 જાન્યુઆરી 2021, રવિવાર

મહેસાણા જિલ્લામાં રવિવારે કોરોના વેક્સીનેશનના બીજો તબક્કો શરૃ કરાયો હતો. જેમાં જુદા જુદા પાંચ સ્થળોએ પોલીસ અને મહેસુલ વિભાગના ૫૦૦થી વધુ કર્મચારીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. જેમાં પોલીસ અધિક્ષક અને નિવાસી અધિક કલેક્ટરે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ કોરોના રસી લઈને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

વેક્સીનેશનના બીજા તબક્કામાં મહેસાણા જિલ્લાના ૧૩ હજારથી વધુ ફ્રન્ટલાઈન વર્કસને કોરોના વિરોધી રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે શરૃ કરવામાં આવેલ વેક્સીનેશનના બીજા તબક્કામાં મહસાણા સિવિલ હોસ્પિટલમાં પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ અને અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડે કોરોના વિરોધી રસી લીધી હતી. જિલ્લામાં મહેસાણા ઉપરાંત પાંચ સ્થળોએ પોલીસ અને મહેસુલતંત્રમાં ફરજબજાવી રહેલા ૫૦૦થી વધુ કર્મચારીઓને કોરોના રસી મુકવામાં આવી હતી.

આગામી દિવસોમાં જુદા જુદા સ્થળોએ ૧૩ હજાર જેટલા ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સીન આપી સુરક્ષિત કરવામાં આવશે. રસીકરણના બીજા તબક્કાના પ્રારંભે મહેસાણાના કલેક્ટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં આરોગ્યની નિષ્ણાત ટીમો દ્વારા વેક્સીનેશનની કામગીરી સફળતાપૂર્વક થઈ રહી છે. વિવિધ તબક્કામાં જન સામાન્ય સુધી કોરોના વેક્સીન પહોંચે તે વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કોરોના વિરોધી રસી લીધા બાદ પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહે કહ્યું હતું કે કોરોના વિરોધી રસી સંપૂર્ણ સુરક્ષિત છે અને કોઈએ ડર કે સંકોચ રાખ્યા સિવાય રસી લેવી જોઈએ. જિલ્લામાં આગામી ચાર-પાંચ દિવસોમાં ૬ હજાર જેટલા પોલીસ કર્મીઓને રસી અપાશે. નોંધપાત્ર છે કે કોરોના વિરોધી રસી લેનારનું કોવિંડ સોફ્ટવેરમાં નામાંકન કરાયા બાદ દેખરેખ હેઠળ અડધો કલાક અલાયદા રૃમમાં રખાયા હતા.

જિલ્લામાં અત્યાર સુધી 7800 લોકોને રસી મુકાઈ

મહેસાણા જિલ્લામાં વેક્સીનેશનના પૂર્ણ થયેલા પ્રથમ તબક્કામાં ૩૦ જાન્યુઆરી સુધીના સમયગાળામાં આયોજન કરાયેલ ૧૯૪ સેશનમાં ૭૨૯૧ લાભાર્થીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. હવે રવિવારથી બીજો તબક્કો શરૃ થયો છે. પ્રથમ દિવસે ૫૦૦ જેટલાને રસી આપવામાં આવતા  મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી ૭૮૦૦ વ્યક્તિઓને કોરોના રસી મુકવામાં આવી છે.

રસીકરણ અભિયાન દરમિયાન કોઈ આડઅસર નહી

મહેસાણા જિલ્લામાં કોરોના વિરોધી રસી મુકવાનો બીજો તબક્કો શરૃ થયો છે. અત્યારસુધી ૭૮૦૦ જેટલા લોકોને રસી અપાઈ છે. વેક્સીન લેનાર દરેક ઉપભોક્તાને તબીબી પરિક્ષણ હેઠળ અલાયદા રૃમમાં અડધો કલાક બેસાડવામાં આવે છે. જેમાં હજુસુધી વેક્સીન લેનારને કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી નથી.

સાંઈક્રિષ્ણા અને નૂતન કોવીંડ હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય

કોરોના મહામારીના સમયે સંક્રમિત દર્દીઓને સુચારૃ તબીબી સારવાર મળી રહે તે માટે મહેસાણા જિલ્લામાં તંત્ર દ્વારા હંગામી કોવિડ હોસ્પિટલો શરૃ કરવામાં આવી હતી. હવે કોરોના સંક્રમણનો વ્યાપ ઘટતાં મહેસાણા શહેરમાં શરૃ કરાયેલ સાંઈક્રિષ્ણા અને વિસનગરની નૂતન કોવિડ હોસ્પિટલને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જ્યારે વડનગર મેડિકલ કોલેજ તેમજ કડી ખાતેની કોવિડ હોસ્પિટલ રાબેતા મુજબ ચાલુ રહેશે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tg2pcT
via IFTTT

Comments