એસઆઈઆઈ જૂન સુધીમાં અમેરિકી કંપની સાથેના સહયોગથી કોવોવેક્સ લોન્ચ કરશે


- નોવાવેક્સ કંપનીનું કોવોવેક્સ વેક્સિન બ્રિટનના નવા કોરોના વાયરસ સામે પણ અક્સીર હોવાનો દાવો

મુંબઈ, તા.  31 જાન્યુઆરી 2021, રવિવાર

વિશ્વમાં સૌથી મોટા વેક્સિન ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)એ શનિવારે જાહેરાત કરી છે કે તે આ વર્ષે જૂન સુધીમાં અમેરિકી વેક્સિન ઉત્પાદક નોવાવેક્સના સહયોગ સાથે કોવોવેક્સ રજૂ કરવા વિશે આશાવાદી છે.

કોવિશીલ્ડની સફળતા બાદ એસઆઈઆઈના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું કે તેમની કંપનીએ કોવોવેક્સની ટ્રાયલ શરૂ કરવા માટે  મંજૂરી માગી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે નોવાવેક્સ સાથે કોવિડ ૧૯ વેક્સિન બનાવવા માટે અમારી કંપનીએ અદ્ભૂત સફળતા હાંસલ કરી છે. અમે હવે જૂન સુધીમાં આ વેક્સિન રજૂ કરવા વિશે આશાવાદી છીએ. અમે કોવોવેક્સની ટ્રાયલ શરૂ કરવા માટે મંજૂરી પણ માંગી છે એમ તેમણે ટ્વીટમાં જણાવ્યું.

પૂનાવાલાએ ૧૪મી જાન્યુઆરીએ જણાવ્યું હતું કે એસઆઈઆઈ એપ્રિલ મહિનાથી નોવાવેક્સ કોવિડ વેક્સિનના લાખો ડોઝ બનાવી રાખશે. નોવાવેક્સે બ્રિટનમાં કોવિડ વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ બાદ તે  ૮૯.૩ ટકા અસરકારક હોવાનું જણાવ્યા બાદ પૂનાવાલાનું આ નિવેદન આવ્યું હતું. એટલું જ નહિ પણ જ્યારે આ ટ્રાયલ થઈ ત્યારે બ્રિટનમાં કોરોના સંક્રમણ ચરમ સીમાએ હતું. ઉપરાંત નોવાવેક્સ વેક્સિનની ટ્રાયલ બ્રિટનમાં કોવિડના નવા સ્વરૂપના સંક્રમણ દરમ્યાન થઈ હતી. અગાઉ નોવાવેક્સે બીજા તબક્કાની ટ્રાયલ દક્ષિણ આફ્રિકામાં સફળતાપૂર્વક કરી હતી.

નોવાવેક્સ વેક્સિનની અસરકારકતા મૂળ કોવિડ વાયરસ સામે  ૯૫.૬ ટકા જેટલા આંકવામાં આવી છે જ્યારે વાયરસના નવા સ્વરૂપ સામે તેની અસરકારકતા ૮૫.૬ ટકા જેટલી જણાઈ છે. જો કે દક્ષિણ આફ્રિકામાં મધ્ય તબક્કાની ટ્રાયલમાં સંરક્ષણનું સ્તર ઓછું જણાયું હતું. પુણે સ્થિત ફાર્મા કંપની એસઆઈઆઈ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ-સ્વીડીશ કંપની એસ્ટ્રાઝેનેકાના સહયોગ સાથે કોવિશીલ્ડ વેક્સિન સફળતાપૂર્વક બનાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ એસઆઈઆઈના કોવિશીલ્ડ અને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકના કોવેક્સિનને મંજૂરી આપતા જ ૧૬મી જાન્યુઆરીથી ભારતે વિશ્વનું સૌથી મોટું ગણી શકાય એવું રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું.

કેન્દ્રએ રસીકરણ અભિયાન માટે કોવિશીલ્ડના ૧૧૦ લાખ ડોઝ ખરીદ્યા છે. આ અભિયાનમાં ૩ કરોડ આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન આપવાનું કેન્દ્રનું લક્ષ્યાંક છે.

નોંધનીય છે કે ૨૯ જાન્યુઆરી સુધીમાં ૩૩,૬૮,૭૩૪ નાગરિકોને વેક્સિન આપીને ભારત રસીકરણની બાબતમાં સૌથી ઝડપી દેશ બન્યો છે એવી માહિતી આરોગ્ય મંત્રાલયે એક ટ્વીટ કરીને આપી હતી.

મેક્સિકો ફેબુ્રઆરીમાં ભારત પાસેથી કોવિશીલ્ડ આયાત કરશે

ભારતમાં બનેલા એસ્ટ્રાઝેનેકાના કોવિશીલ્ડ વેક્સિનની માંગ વિશ્વભરમાં વધી રહી છે અને અનેક દેશોએ તેને ખરીદવામાં રસ દાખવ્યો છે. મેક્સિકોએ પણ ફેબુ્રઆરીમાં ભારત પાસેથી એસ્ટ્રાઝેનેકાના કોવિડ-૧૯ વેક્સિન કોવિશીલ્ડના ૮,૭૦,૦૦૦ ડોઝ ખરીદવાનું નક્કી કર્યું છે એવી માહિતી મેક્સિકોના પ્રમુખ મેન્યુઆલ લોપેઝ ઓબ્રાડોરે આપી હતી. મેક્સિકો અને આર્જન્ટિનાએ એસ્ટ્રાઝેનેકા સાથે મેક્સિકન અબજપતિ કાર્લોસ સ્લિમના ફાઉન્ડેશનની નાણાંકીય સહાયથી લેટિન અમેરિકીમાં વિતરણ માટે તેના વેક્સિનનું ઉત્પાદન કરવા માટે કરાર કર્યા છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3td5HgK
via IFTTT

Comments