ઉત્તર ગુજરાતમાં તાપમાન ગગડતા ઠંડીમાં વધારો થયો

ડીસા તા.30 જાન્યુઆરી 2021, શનિવાર

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. જેની સીધી અસર સમગ્ર ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહે છે. જ્યારે ઠંડીનો પારો ગગડતા હાડથીજાવતી ઠંડીનો લોકો અહેસાસ કરી રહ્યા છે.સુસવાટા મારતા પવન સાથે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો માહોલ જામતા રાત્રીના સુમારે ગામડાઓમાં તાપણાનો લોકો આક્ષરો લઇ રહ્યા છે. જ્યારે શહેરી વિસ્તારમાં લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. 

હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુંસાર ડીસામાં ૯.૦ ડીગ્રી, પાલનપુરમાં ૧૦.૦ ડીગ્રી, વાવમાં ૮.૦ ડીગ્રી, થરાદમાં ૮.૦ ડીગ્રી, ભાભરમાં ૧૪.૦ ડીગ્રી, અમીરગઢમાં ૮.૦ ડીગ્રી, અંબાજીમાં ૭.૦ ડીગ્રી, આબુરોડ ૮.૦ ડીગ્રી, ઇડરમાં ૮.૦ ડીગ્રી, મહેસાણામાં ૯.૦ ડીગ્રી, ઉંઝામાં ૯.૦ ડીગ્રી, સિધ્ધપુરમાં ૯.૦ ડીગ્રી, પાટણમાં ૯.૦ ડીગ્રી, મોડાસામાં ૧૦.૦ ડીગ્રી, હિંમતનગરમાં ૧૦.૦ ડીગ્રી, ખેડબ્રહ્મામાં ૮.૦ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

શિયાળાના ઉત્તરાર્ધ હિમાલયના વિસ્તારમાં થયેલી ભારે હિમવર્ષાને લઇ દેશના મેદાની ભાગોમાં ફરી એકવાર કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયા છે. ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડીની અસર સરહદી જીલ્લા પર પડતા છેલ્લા ચાર દિવસથી સમગ્ર પંથકમાં શીતલહેર પ્રસરી ગઇ છે. થોડાક દિવસો અગાઉ ન્યુનતમ તાપમાનનો પારો ૧૪ ડીગ્રી આસપાસ પહોંચી ગયો હતો. પરંતુ બરફ વર્ષાને પગલે ઠંડા પવનને લઇને ઠંડીનું જોર વધતા પ્રજાજનોને ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થવા પામ્યો હતો. જો કે, છેલ્લા ચાર દિવસથી ઠંડીનો પારો સતત ૧૦ ડિગ્રી નીચે રહેતા શીત લહેર જોવા મળી રહી છે. ઠંડીનું પ્રમાણ વધતા ખેતીના પાકો માટે ફાયદારૃપ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પાછોતરા વાવેતર કરેલ ખેતીના પાકો માટે ઠંડી અનુકુળ સાબિત થઇ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઠંડીને લઇને મોડી સાંજથી વહેલી સવાર સુધી લોકોની ચહલપહલ પણ સામાન્ય જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ઠંડીનું મોજુ યથાવત રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ત્યારબાદ ધીરે - ધીરે ઠંડીનું પ્રમાણ ઘટવાની સંભાવના રહેલી છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36rtwHQ
via IFTTT

Comments