- વુ વેઇનો અર્થ થાય છે પ્રવાહ સાથે વહોઃ જ્યારે ઘર્ષણ પેદા થાય છે ત્યારે જ દુઃખનો જન્મ થાય છે
- વુ વેઇ પ્રવાહ વિરુદ્ધ તરવાની ફિલોસોફીથી વિરુદ્ધ નથી : ગેરસમજથી બચવા જેવું છે
- મેજિકલ થોટના સિદ્ધાંત પ્રમાણે સાત વર્ષના બાળકને એવું લાગે છે કે હું ધારું તે કરી શકું, મોટા જ્યારે આવું વિચારે ત્યારે?
લોકો પર્પઝ ઑફ લાઇફની વાત કરે છે. જીવનમાં કોઈને કોઈ ઉદ્દેશ હોવો જોઈએ. સાચી વાત છે, સારી વાત છે. જીવનમાં ઉદ્દેશની વાત જતી કરીને આપણે જીવનના ઉદ્દેશની વાત કરીએ. દરેક વ્યક્તિના જીવનનો ઉદ્દેશ એક જ છે. સુખી થવું. તમે નેશનલ ચેમ્પિયન બનો છો, ગોલ્ડ મેડલ મેળવો છો. એ મેળવવાથી શું મળે છે? સુખ મળે છે. જૉબમાં પ્રમોશન શું આપે છે? વધતો પગાર શું આપે છે? સુખ. હર કાળી મજૂરીનું અંતિમ લક્ષ્ય સુખ હોય છે. આપણે બધા જુદી-જુદી દિશામાં પ્રયત્નો કરીએ છીએ, પરંતુ અંતિમ લક્ષ્ય એકસમાન છે. પણ જ્યારે જીવનનો સરવાળો માંડીએ તો પૂરતું સુખ મળતું નથી. અથવા કહો સુખની ઢગલી આપણા અસંતોષ, આપણી અધૂરી ઇચ્છાઓ કરતા ઘણી નાની હોય છે.
મતલબ કે બધું કરવા છતાં આપણે કંઈક ચૂકી જઈએ છીએ. યા કંઈક એવું કરી નાખીએ છીએ જે નથી કરવાનું.
જીવનમાં આપણને જોઈએ છે શું? સુખ? શાંતિ? હતાશામાંથી મુક્તિ? શું આપણે એવું ઇચ્છીએ છીએ કે આપણને આ બધું મળે અને આપણે વધારે અસરકારકતા સાથે કાર્ય પણ કરી શકીએ? આ બધું થઈ શકે છે. કેવી રીતે? જવાબ છે, વુ વેઇ. લાઓત્સુએ તાઓ તે ચિંગમાં વુવેઇની વાત કરી છે. વુ વેઇનું સાચું ભાષાંતર થાય છે, પ્રયત્ન વિના. જીવનને સરળ બનાવવાનો ઉપાય શો? જવાબ છે, વુ વેઇ. જીવન સાથે વહો. જીવન જ્યાં તમને લઈ જાય છે ત્યાં જાવ. કોઈ જ ઘર્ષણ ન કરો.
લાઓત્સુ કહે છે, આપણું રીએક્શન સ્ફૂરણા આધારિત હોવું જોઈએ. અગાઉથી નક્કી ન કરો કે તમે કઈ રીતે રીએક્ટ કરશો. પરિસ્થિતિ ઉપર છોડી દો. જીવનમાં બહુ ઓછી એવી વસ્તુઓ છે જે આપણા હાથમાં છે. બધું જ આપણા હાથમાં નથી. તેને કંટ્રોલ કરવાનો આપણો પ્રયાસ બાલિશ બની જાય છે અને તે આપણને હેરાન કરી નાખે છે.
વુ વેઇ એટલે શું? સામા પ્રવાહે ન તરો. સામા પ્રવાહે આપણે તરીએ છીએ ત્યારે ઘર્ષણ પેદા થાય છે. ને આ ઘર્ષણમાંથી જ દુઃખ પેદા થાય છે. જે બને છે તે આપણે નથી સ્વીકારતા, જે બને છે તે અટકાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણો આ અસ્વીકાર જ આપણા દુઃખનું પ્રસૂતિગૃહ બની જાય છે. જે બને તેને તમે સ્વીકારી લો તો દુઃખનું અસ્તિત્ત્વ રહેતું નથી.
લાઓત્સુ કહે છે, જીવનમાં અનેક સ્વયંસ્ફૂર્ત અને પ્રાકૃતિક પરિવર્તનો થતા રહે છે. તેનો પ્રતિકાર ન કરો. કારણ કે તેનાથી માત્ર દુઃખ પેદા થશે. જે હકીકત છે તે હકીકત છે. ચીજોને સહજ વહેવા દો. તે જેમ આગળ વધે તેમ વધવા દો. પૃથ્વી આપણને પૂછીને ગોળ ફરતી નથી. સ્વાભાવિક છે કે દુનિયાનું યા પ્રકૃતિનું કોઈ એક્શન આપણને પૂછીને આવવાનું નથી. તો આપણે આપણે કઈ રીતે પ્રીપ્લાનિંગ કરી શકીએ. આપણે તો જેવું ગીત વાગે એવી ધૂન વગાડવા તૈયાર રહેવું પડે. અણધાર્યા સંજોગોને સ્વીકારવા તૈયાર ન રહીએ તો ગુસ્સો આવી જાય. આપણે દાંત કચકચાવવા માંડીએ. તેની અવળી અસર આપણી આવાનારી જિંદગી, આપણા પરફોર્મન્સ પર પડે.
સંતાનો પણ કહ્યું નથી કરતા, હસબન્ડ-વાઇફ પણ એકબીજાની વાત માનવા તૈયાર હોતા નથી. દરેક વ્યક્તિ પોતાની ઇચ્છા લઈને આવી છે આ દુનિયામાં. બેશક, તેઓ તમને સાંભળશે, પરંતુ તઓ તમારી જ ઇચ્છા પ્રમાણેની જિંદગી જીવે તો પછી પોતાની ઇચ્છાનું ક્યારે જીવે? અને એ લોકો આપણી કહ્યું સાંભળતા નથી એટલે આપણું ફ્રસ્ટ્રેશન વધે છે. વુ વેઇ કહે છે તમે કોઈને પકડીને ન રાખો. તમે પણ વહો અને એને પણ વહેવા દો. તેઓ તમને નથી સાંભળતા તો તે પણ સ્વીકારી લો. કારણ કે તેઓ જેટલા આપણા છે એટલા જ આ બ્રહ્માંડના પણ છે. બ્રહ્માંડ જે ઇચ્છશે તેમ થશે. આપણે સકટનો ભાર તાણતા શ્વાન શા માટે બની જવું?
દુઃખનું મુખ્ય કારણ છે અપેક્ષાઓ. વુ વેઇ અપેક્ષા રાખવાની ના પાડે છે. અપેક્ષાઓ બાંધી રાખીએ છીએ તેનો અર્થ એ થયો કે આપણે ફિક્સ કરી નાખીએ છીએ કે આ આમ જ થવું જોઈએ. જ્યારે આપણે અપેક્ષા બાંધીએ છીએ ત્યારે આપણું દુઃખ પણ બાંધી લઈએ છીએ. આ રીતે આપણે જ આપણા દુઃખના જનક બની જઈએ છીએ. સ્વીડનના સાઇકોલોજિસ્ટ જીન પિગેટ કહે છે, સાત વર્ષના બાળકો એવું વિચારતા હોય છે કે હું જે ધારું તે કરી શકું છું, પણ તેમની ધારણા બહુ સીમિત હોય છે. જેમ કે હીંચકા નાખવા, જેમ કે ઊંચક-નીચક પરથી નાના ભાઈને ધક્કો મારવો. સાત વર્ષના બાળકોની આ ટેન્ડેન્સીને મેજિકલ થોટ કહે છે.
માણસ પુખ્ત થાય પછી પણ આવા મેજિકલ થોટ કરતો રહે છે. બસ તેની ધારણાઓ સીમિત રહેતી નથી. તે એવા-એવા પરિણામોની અપેક્ષા રાખવા લાગે છે જે તેના હાથમાં નથી. જ્યારે તે પરિણામ નિર્મિત થતા નથી ત્યારે દુઃખી થઈ જાય છે.
વુ વેઇનો અર્થ એવો નથી કે સામા પ્રવાહે ચાલનારા લોકો ખોટા છે. સામા પ્રવાહે ચાલવું એ આખો કન્સેપ્ટ જ જુદો છે. એ સામાજિક કન્સેપ્ટ છે. સમાજમાં કોઈ કુરીતિ ચાલતી હોય અને સામા પ્રવાહે ચાલીને તમે તે બંધ કરાવો. વિપરીત સંજોગોમાં પણ તમે મહેનત કરીને આગળ આવો, દુનિયા ચાલતી હોય તેના કરતા ઊંધા રસ્તે ચાલો. આને આપણે સામા પ્રવાહે ચાલવું કહીએ છીએ. વુ વેઇનો અર્થ ભલે એ થાય છે કે પ્રવાહ સાથે વહો, પણ એ સામા પ્રવાહે ચાલવું-ના વિચારથી ઊંધી ઘટના નથી.
સામા પ્રમાણે ચાલનારો માણસ પણ વુ-વેઇની પ્રેક્ટીસ કરી શકે છે. વુ-વેઇ માત્ર એટલું કહે છે કે સામા પ્રવાહે ચાલતી વખતે પણ તમે પરિણામોની અપેક્ષા મૂકી દો. જે થાય તે મન પર ન લો. ભલે આપણે તેનો બાહ્ય વિરોધ કરીએ, કારણ કે તે જરૂરી છે, પણ આપણું માનસ ડિસ્ટર્બ થવું જોઈએ નહીં. આપણે અંદરથી સ્થિર રહેવા જોઈએ.
ફ્રિટ્ઝ પર્લે ગેસ્ટાલ્ટ થેરાપી વર્બેટીમમાં છેક ૧૯૬૯માં લખેલું, હું મારું કામ કરું છું, તમે તમારું કામ કરો. હું આ વિશ્વમાં તમારી અપેક્ષા પ્રમાણે જીવવા નથી આવ્યો. તમે આ વિશ્વમાં મારી અપેક્ષા પ્રમાણે જીવવા માટે નથી આવ્યા. તમે તમે છો અને હું હું છું. બાય ચાન્સ આપણે એકબીજાને ગમતું કરી બેસીએ તો તે સુંદર છે, જો તેમ ન થઈ શકે તો તેમાં કંઈ ન થઈ શકે.
ભલે આપણે ઇચ્છા મુક્ત ન થઈ શકીએ, પણ ઇચ્છાને ફ્લેક્સિબલ તો બનાવી જ શકીએને. એટલીસ્ટ એ બાબતોને લઈને જેના સંજોગો આપણા હાથમાં નથી. આપણા હાથમાં શું છે? આપણું પરફોર્મન્સ સુધારવું આપણા હાથમાં છે. આજે આપણે જેટલી સારી બોલિંગ કરી શકીએ છીએ તેના કરતા કાલે વધારે સારી કરી શકવાનું આપણા હાથમાં છે. બોલ પણ આપણા હાથમાં છે અને બોલિંગ પણ, કિન્તુ આવતીકાલની આબોહવા આપણા હાથમાં નથી. ક્રિકેટ બોર્ડના નિર્ણયો આપણા હાથમાં નથી. ને ઓલ ઓવર લાઇફનો સર્વે કરીશું તો જાણવા મળશે કે જે આપણા હાથમાં નથી તેની અપેક્ષાઓ જ સંતાપ જન્માવે છે, પીડા પેદા કરે છે. વુ વેઇ આ પીડાઓમાંથી મોક્ષ પ્રાપ્ત કરવાનો રસ્તો છે.
બાહ્ય પરિબળો જ્યારે તમારો પ્લાન ચોપટ કરી નાખે ત્યારે તમે વુ વેઇ સ્વીકારીને ચાલો તો દુઃખી થતા નથી. તમે દુઃખી નથી થતા તો તરત જ એમ વિચારી શકો છો કે હવે શું થઈ શકે? ચોક્કસપણે તમારું પરફોર્મન્સ બહેતર બને. લાઓત્સુએ તાઓ તે ચિંગમાં લખ્યું છે, જો તમે સ્વીકારી લો છો કે બધું જ બદલાઈ શકે છે તો તમે કશું જ જડતાપૂર્વક પકડી રાખતા નથી. જો તમે મરવાથી ડરતા નથી તો કશું એવું નથી જે તમે હાંસલ કરી શકતા નથી. દુનિયાને આપણા બીબામાં ઢાળવાના ધખારા જ દુઃખ આપે છે. દરેક માણસ દુનિયાને પોતાના બીબામાં ઢાળવાની કોશિશ કરે તો ખેંચતાણ સિવાય બીજું શું થાય? ને એનું શું જે આપણા હાથમાં નથી? બૌદ્ધ ધર્મમાં વુ વેઇ જેવો જ કન્સેપ્ટ છે ઉપદાન. ઉપાદાન એટલે લગાવ, ચોંટી રહેવું.
તમે દુનિયાને ચીપકી રહો, લગાવ રાખો, તેના પર માલિકી ભાવ કે આધિપત્યની કોશિશ કરો એટલે દુઃખ સિવાય કશું મળવાનું નહીં. બૌદ્ધ ધર્મ પ્રમાણે લગાવમાંથી મુક્તિ નિર્વાણ તરફ લઈ જાય છે. ગ્રીક સ્ટોઇસિઝમ ફિલોસોફીમાં પણ આ જ વાત કરવામાં આવી છે. જેને નિયંત્રિત નથી કરી શકાતું તેને નિયંત્રિત કરવાના પ્રયાસો નિરર્થક છે. સેનેકાએ લેટર્સ ફ્રોમ સ્ટોઇકમાં લખ્યું છે, જેની પાસે ઓછું છે એ ગરીબ નથી. જે વધારે પાછળ દોડે છે એ ગરીબ છે. વુ વેઇ તમારી એનર્જી બચાવે છે. જે સમય અને ઊર્જા ઘર્ષણમાં, સ્પર્ધામાં, ચડસા-ચડસીમાં વીતી જાય છે તેનો વ્યય અટકાવે છે. અત્યારે ચારે બાજુ સ્ટ્રેસના દરદીઓ વધી ગયા છે છે. તેમને માત્ર એટલું જ કહેવાનું, વુ વેઇ. પ્રવાહમાં વહો.
આજની નવી જોક
છગન લીલીને જોઈને ખડખડાટ હસવા લાગ્યો.
લીલી (છગનને): આમ શામાટે હસે છે?
છગનઃ પપ્પાએ કહેલું, મુશ્કેલીનો સામનો હસતા-હસતા કરજે.
લીલીઃ હેં!?
જીકે જંકશન
- દર વર્ષે ૩૦મી જાન્યુઆરીએ શહિદ દિવસ મનાવવામાં આવે છે. દિલ્હીમાં ૨૩ નવા ગાર્બેજ કેફે ખોલવામાં આવ્યા છે.
- એરટેલે હૈદરાબાદમાં ફાઇવજી નેટવર્ક શરૂ કરવાની ઘોષણા કરી છે. તેલંગાણા રાજ્ય સરકારે મિશન ભગીરથ નામથી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરની ઘોષણા કરી છે.
- તાજેતરમાં સુખ્યાત ગુજરાતી અભિનેતા અરવિંદ જોશીનું નિધન થયું હતું. સૌથી સારી ન્યાય વિતરણ પ્રણાલી મહારાષ્ટ્રની છે.
- એશિયા પેસિફિક વ્યક્તિગત સ્વાસ્થ્ય સૂચકાંકમાં ભારતે ૧૦મું સ્થાન મેળવ્યું છે. કોરોના વાઇરસ પ્રદર્શન સૂચકાંકમાં ભારતે ૮૬મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
- હંગેરી ચીનની કોવિડ-૧૯ રસીને મંજૂરી આપનારો યુરોપિયન યુનિયનનો પ્રથમ દેશ બન્યો છે. ઇન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oyyEAb
via IFTTT
Comments
Post a Comment