- આ વિભૂતિને પણ જાણો : ભગવદ્ ગીતા, રામાયણ, વેદો- ઉપનિષદો અને સંસ્કૃતના 40,000થી વધુ ભાષ્યોનું શ્રવણ કરી તેને કંઠસ્થ કર્યા છે
- અયોધ્યા કેસમાં 93 વર્ષીય વકીલ પરાસરમે તલસ્પર્શી દલીલો કરી હતી અને રામ મંદિરના જન્મ સ્થળના પુરાવા જગદ્ગુરુ રામભદ્રાચાર્યે આપ્યા હતા
- 22 ભાષાઓના જાણકાર છે : 80 ગ્રંથોનું નિર્માણ
- 2015માં પદ્મવિભૂષણથી સન્માન પામેલા જગદ્ગુરુ રામભદ્રાચાર્યએ વિશ્વની એકમાત્ર દિવ્યાંગો માટેની હાઇટેક યુનિવર્સિટીની સ્થાપના ચિત્રકૂટમાં કરી છે
સ્વા મી રામભદ્રાચાર્યનું નામ કેટલા ભારતીયોએ સાંભળ્યું છે? સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદના સ્થળે જ ખરેખર રામ મંદિર હતું તે ચૂકાદો આપતા એ સ્પષ્ટ કર્યું હતું કે ''અમે બહુમતિ નાગરિકોની ધાર્મિક લાગણીને નજરમાં રાખીને આ ચૂકાદો નથી આપ્યો પણ શાસ્ત્રોક્ત શ્લોકો, પુરાતત્ત્વ વિભાગને ઉત્ખનન દ્વારા મળેલા અવશેષો, દેશ-વિદેશના સૈકાઓ જૂના પ્રવાસીઓની નોંધ તેમજ બ્રિટિશ ગેઝેટ્સના એમ મળી ૪૦૦થી વધુ પુરાવાઓના આધારે બાબરી મસ્જિદ વિરૂધ્ધ રામ જન્મભૂમિ વિવાદનો કેસ ઉકેલ્યો છે.
સ્વામી રામભદ્રાચાર્યને રામાયણ, વેદો-પુરાણો, ભગવદ્ ગીતા અને તેના પરના તમામ ગ્રંથો કંઠસ્થ તો છે જ પણ તેમાં ઉલ્લેખ થયેલા સ્થળો, દેવ દેવીઓ, અવતાર, ઋષીઓના વર્તમાનમાં ક્યાં છે તે શ્લોકના સચોટ અર્થઘટન અને દિશાસૂચનથી ઓળખી બતાવે છે. તે પછી ત્યાં પુરાતત્ત્વ વિભાગ ઉત્ખનન કરે તો અવશેષો સાંપડે જ.
સુપ્રીમ કોર્ટને ઉપરોક્ત પૂરાવાઓમાં તેમણે તો સહાય કરી જ અને બધા એ તારણ પર નિર્વિવાદ આવ્યા હતા કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. પણ તે જ્યાં બાબરી મસ્જિદ બનેલી તે જ જગા પર થયો તે અંગે સ્પષ્ટતાની થોડી મ્હોર લાગે તેમ સુપ્રીમ કોર્ટ ઈચ્છતી હતી ત્યારે ફરી સ્વામી રામભદ્રાચાર્ય વહારે આવ્યા. વાલ્મીકિ રામાયણના બાવન કાંડમાં આઠમો શ્લોક સુપ્રીમ કોર્ટને બતાવ્યો જેમાં રામ જન્મનું વર્ણન છે. તે પછી તેમણે સ્કંદ પુરાણ બતાવ્યું જેમાં લખ્યું છે કે સરયુ નદી જ્યાં વહે છે ત્યાંથી ૩૦૦ ધનૂષ જેટલા અંતરે રામનો જન્મ થયો હતો. એક ધનુષનું માપ ચાર હાથ જેટલું હોય એટલે ૧૨૦૦ હાથ છેેેટે આજે પણ તમે સરયૂ નદીથી આટલા અંતરે જશો તો મંદિરના અવશેષોનું સ્થળ જોવા મળે.
તેમણે અથર્વવેદનો દશમો કાંડ પણ સુપ્રીમ કોર્ટને બતાવ્યો કે બીજા મંત્રમાં જ આઠ ચક્રોના સાંકેતિક વર્ણન સાથે અયોધ્યા મંદિર મહેલનું સ્થાન બતાવાયું છે.
ઋગ્વેદના દસમા મંડળમાં પણ તેનું પ્રમાણ છે. રામભક્ત કવિ તુલસીદાસનો જન્મ ૧૫૩૨ ઉત્તર પ્રદેશના રાજાપુરમાં (બાબરના મૃત્યુના બે વર્ષ પછી) થયો હતો. તેમણે 'રામચરિત માનસ'ની રચના કરી હતી. તે તો આપણે જાણીએ જ છીએ. 'તુલસી શતક'માં તેમણે લખ્યું છે કે બાબરના સેનાપતિઓએ રામ જન્મભૂમિ મંદિરને તોડી નવો ઢાંચો બનાવી દીધો છે જેનું મને ખુબ દુ:ખ છે. બાબર અને મિર બાકી દ્વારા મંદિર તોડી પડાયા પછી હિંદુ સાધુઓ રામલલાની સેવા-પૂજા કરતા રહે છે તેમ તુલસીદાસે નોંધ્યું છે. તુલસીદાસે આ ગ્રંથોનું સર્જન કર્યું ત્યારે ઉદારમતવાદી અકબરનું શાસન (૧૫૫૬) હતું. 'અકબરનામા'માં પણ ઉલ્લેખ છે. સ્વામી રામભદ્રાચાર્યએ વધુ પુરાવા આપતા જણાવ્યું કે તે વખતે બધા જાણતા જ હતા કે અહીં રામજન્મ મંદિર જ હતું તેથી કોઈ અન્ય ધર્મી બંદગી કરવા નહતું આપતું. સાધુઓ જ તે ભૂમિ પર પડાવ નાંખી સૂતા રહેતા.
તુલસીની રામ માટે સગુણ ભક્તિ હતી જ્યારે ગુરૂનાનક અને કબીર રામની નિર્ગુણ ભક્તિના કર્તા અને પ્રચારક હતા. બંને ૧૪મી સદીથી પૂજ્ય બની ચૂક્યા હતા. ભગવાન રામ અને અયોધ્યાનું સમર્થન તેમની રચનાઓમાંથી મળી આવે છે. જો કે આટલી ભૂમિકા બાંધીને હવે આપણે સ્વામી રામભદ્રાચાર્યની ઓળખ મેળવવાની છે. કોઈપણ ધાર્મિક લાગણીથી પર રહીને તેમની પ્રતિભાને પામી ષાષ્ટાંગ દંડવત્ કરવા જ પડે તેમ છે.
ઉત્તર પ્રદેશના ચિત્રકુટમાં તેમના નામથી જ તેમણે જગદ્ગુરૂ રામભદ્રાચાર્ય હેન્ડિકેપ્ડ (દિવ્યાંગો માટે) યુનિવર્સિટી ૨૦૦૧થી સ્થાપી છે. વિશ્વની દિવ્યાંગો માટે જ કાર્યરત વિશ્વની આ એકમાત્ર યુનિવર્સિટી છે. દિવ્યાંગો માટેના અત્યંત આધુનિક શૈક્ષણિક સાધનો અને સોફ્ટવેરની મદદથી ચાલતી આ યુનિવર્સિટીમાં પીએચડી સુધી અભ્યાસ કરાવાય છે. જેમાં કમ્પ્યુટર, આઈટી, કાયદા, અર્થતંત્ર જેવા વિષયો ઉપરાંત સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાાન, ફાઇન આર્ટસ, ઇતિહાસ, સ્થાપત્યનો માસ્ટર સુધીનો અબ્યાસક્રમ છે. હવે આયુર્વેદ અને મેડિકલ શિક્ષણ પણ નવી ટર્મથી શક્ય બનશે. આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નેશનલ યુથ પાર્લામેન્ટમાં ભાગ લઈને ઓપન કેટેગરીમાં બધા દંગ થઈ જાય તેવો દેખાવ કરે છે.
૧૪ જાન્યુઆરી ૧૯૫૦માં ગીરીવર મિશ્રા તરીકે ઉત્તર પ્રદેશના જોનપુરમાં તેમનો જન્મ થયો હતો. સમગ્ર પરિવાર કૃષ્ણ ભક્ત હતું. માત્ર બે વર્ષની વયે ગિરિધરે ચેપ લાગવાથી આંખો ગુમાવી હતી. આજ દિન સુધી પ્રજ્ઞાા ચક્ષુ એવા સ્વામી રામભદ્રાચાર્ય જરા પણ નાસીપાસ ન થયા. જો કે પાયાના વર્ષોમાં તેમણે જે પણ સ્થાન અને પાંડિત્ય મેળવ્યું તેનું શ્રેય તેના નાનાને જાય છે.
પોતે લખી કે વાંચી શકતા નહીં હોઈ તેમના નાના રામાયણ અને મહાભારતના પ્રકરણો તેમને રસપ્રદ શૈલીમાં સંભળાવતા હતા. ગીતાના શ્લોકો, રામચરિત માનસના પઠનથી ઘર ગૂંજતું રહેતું અને ગિરિધર તેને સાંભળીને કંઠસ્થ કરતો ગયો. માત્ર ત્રણ વર્ષની વયે અવધ ભાષામાં તેણે બાલકૃષ્ણની લીલાની પંક્તિઓ કમ્પોઝ કરી અને નાનાને સંભળાવી. કુટુંબીઓને ત્યારેે લાગ્યું કે આ બાળક જન્મજાત સિદ્ધિ લઈને અવતરણ પામ્યું છે.
૭૦૦ શ્લોક ધરાવતી ભગવદ્ ગીતા તેણે પાંચ વર્ષની વયે કંઠસ્થ કરી લીધી હતી. તે માટે તેણે ૧૫ દિવસ જ લીધા તેમને ઘેર આવતા પંડિત મુરલીશેખર મિશ્રા આ શ્લોક રોજ વાંચતા અનેગિરિધર તેને કંઠસ્થ કરવા માંડયા. સાત વર્ષની વયે તેમણે રામચરિત માનસના ૧૦,૯૦૦ શ્લોક ૬૦ દિવસના શ્રવણ બાદ કંઠસ્થ કરી બતાવ્યા. ૧૯૫૫ની જન્માષ્ટમીએ તેમણે ભગવદ્ ગીતા તો ૧૯૫૭ની રામનવમીએ રામચરિત માનસ શ્રદ્ધાળુઓની હાજરીમાં મર્મ સાથે પઠન કરી બતાવ્યું. આ બધી સિદ્ધિ જે તે સમયની ડાયરી અને વર્ણનોમાં નોંધાયેલી છે.
તે પછી કિશોર વય સુધીમાં વેદો, ઉપનિષદો, સંસ્કૃત, વ્યાકરણ, ભાગવદ્ પુરાણ, તુલસીદાસ અને મોટાભાગના તત્ત્વજ્ઞાાનના ગ્રંથો તેમણે કંઠસ્થ કરી લીધા હતા.
૧૯૬૧માં ૧૧ વર્ષની વયે તેમને જનોઈ સંસ્કાર આપવામાં આવી ત્યારે ગાયત્રી મંત્ર ઉપરાંત દીક્ષા મંત્ર તરીકે અયોધ્યાના પંડીત ઇશ્વરદાસે રામમંત્ર આપ્યો હતો. તેમણે ઉત્તર પ્રદેશના અયોધ્યા, ચિત્રકૂટમાં યોજાતી મોટાભાગની કથાઓ સાંભળી અને ૧૪ વર્ષે પોતે કથા કરી ત્યારે બધા પંડિતોએ મોમાં આંગળા નાખી દીધા હતા.
૧૭ વર્ષ સુધી ગિરિધરે કોઈ પ્રકારનું શાળાકીય શિક્ષણ જ નહતું લીધું. તેમને પ્રજ્ઞાાચક્ષુની શાળામાં તો મૂક્વો જ નથી તેવો તેમની માતાનો આગ્રહ હતો.
તેનું સંસ્કૃતમાં વિવિધ ગ્રંથો, વિષયો, વ્યાકરણનું જ્ઞાાન જોઈને જોનપુરની આદર્શ ગૌરીશંકર સંસ્કૃત કોલેજના ટ્રસ્ટીઓએ તેને કોઈ પણ શાળાકીય અભ્યાસ નહી હોવા છતાં સીધો કોલેજમાં પ્રવેશ આપ્યો ! ગિરિધર તમામ વર્ષો ટોપર રહ્યો.
વર્દારાજાએ ૧૭મી સદીમાં સંસ્કૃત વ્યાકરણનો જે દળદાર ગ્રંથ લખ્યો હતો તે પણ કંઠસ્થ કરી બતાવીને તેણે હદ કરી નાખી.
હવે તેમણે પોતે જ ઇશ્વરનો મહિમા ગાતા શ્લોકો સંસ્કૃતમાં લખવા માંડયા અને કમ્પોઝ પણ કર્યા.
વારાણસીની સંપૂર્ણાનંદ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. તમામ વર્ષો ટોપ રહી આચાર્ય ડિગ્રી પણ તે રીતે મેળવી.
ઓલ ઇન્ડિયા સંસ્કૃત કોન્ફરન્સમાં આઠમાંથી પાંચ ગોલ્ડ મેડલ તેમને તત્કાલિન વડાપ્રધાન સ્વ ઇંદિરા ગાંધીના હસ્તે અર્પણ થયા એટલું જ નહીં ઇંદિરાજીએ તેમને કહ્યું કે મારા ખર્ચે તમે અમેરિકા જઈ આંખોની સારવાર લેવા જાવ. કદાચ દ્રષ્ટિ મેળવી શકો. ત્યારે ગિરિધરે તેમનો આભાર માનતા સંસ્કૃતમાં ઉત્તર આપ્યો જેનો અર્થ થાય છે 'આ સતત નૈતિકતાની ખીણમાં ગબડતી દુનિયાને જોઈને શું પામવાનું ? આ દુનિયા જુઠ્ઠાણા અને ચાલાકી તેમજ મનોવિકારોથી ભરેલી છે. તેના માનવીઓ પણ તેવા જ છે. એકમાત્ર જોવા જેવા હોય તો તે મારા રામ છે. તેને હું બધે આંખોથી પણ મારી સાવ નજીક જોઈ શકું છું. ખૂબ જ આહલાદ્ક અવિરત દ્રશ્ય છે.' તેમણે પીએચડી પણ કર્યું અને તે જ યુનિવર્સિટીમાં થોડા વર્ષો પ્રાધ્યાપક પણ રહ્યા.
૧૯૭૬થી ૧૯૮૩ દરમ્યાન તેમણે કથા કરી. દિવ્યાંગો અને બિન દિવ્યાંગોને મફતમાં કોચિંગ આપ્યું. હિંદુ ધર્મ અને તત્ત્વજ્ઞાાનનો પ્રચાર કરતા રહ્યા.
૧૯૮૩માં રામાનંદ સંપ્રદાયના નેજા હેઠળ સન્યસ્ત દીક્ષા લીધી. સ્વામી રામચંદ્રદાસ મહારાજે તેમને રામભદ્ર નામ આપ્યું. તેઓ વર્ષના છ મહિના દુધ-ફળો પર રહે છે.
ભગવાન શ્રી રામે ૧૪ વર્ષના વનવાસમાંથી ૧૨ વર્ષ ચિત્રકૂટમાં જ વીતાવ્યા હોઈ આ ભૂમિ પ્રત્યે જ તેમનું આકર્ષણ રહ્યું. તેમણે તુલસી તીર્થની સ્થાપના કરી. મહંત રામાનંદ સંપ્રદાય, ખાલસા તેમજ ત્રણ અખાડાના સંતોએ તેમની સિદ્ધિ અને પ્રદાનને બિરદાવતા વિધિવત્ રીતે જગદ્ગુરુ તરીકે સન્માન ઓળખ પદવી આપી છે. ભગવાન રામ અને હિંદુ ધર્મ- સંસ્કૃતિનું સંશોધન, શિક્ષણ, સમાજ સેવાનું મોટું કાર્ય અહીં યજ્ઞાની જેમ ચાલતું રહે છે.
જગદ્ગુરુ રામભદ્રાચાર્ય ૧૪ ભાષાઓના જાણકાર છે. ૨૨ ભાષા બોલી શકે છે જેમાં ફ્રેન્ચનો પણ સમાવેશ થાય છે. હિન્દી, ભોજપુરી અને ગુજરાતીમાં પણ કથા પારાયણ કરે છે આશ્ચર્યની વાત એ છે કે બ્રેઇલ ભાષા તેમણે અપનાવી નથી તેથી તમામ શિક્ષણ અને જ્ઞાાન શ્રવણથી જ પ્રાપ્ત કર્યું છે. તેઓ સામાન્ય વ્યક્તિની જેમ લખી શકે તે રીતે અક્ષરજ્ઞાાન પ્રાપ્ત કર્યું છે. તે લખાવે અને અન્ય તેમના વતી લખે તે રીતે અઢળક પુસ્તકો, અનુવાદો તેમણે કર્યા છે. તેમણે પ્રજ્ઞાા ચક્ષુઓ માટે તુલસી સ્કૂલ પણ સ્થાપી છે.
'રામચરિત માનસ'ની સુધારેલી આવૃત્તિ કેટલીક ટીકાઓ સાથે લખીને તેમણે ગ્રંથનું નિર્માણ કર્યું. તેમણે ૪૨ ભક્તિ કાવ્ય ગ્રંથો ૪૫ અન્ય ગ્રંથો લખ્યા છે. મોટા ભાગના હિન્દુ ગ્રંથોની કમ્પોઝ કે કોમેન્ટ્રી રેકોર્ડ કરી છે. તમામ સાહિત્યને ઓડિયો- વિડિયોમાં રૂપાંતરિત કરતા રહે છે.
સ્વામી રામભદ્રાચાર્ય સંસ્કૃત અને હિંદુ ગ્રંથોના સ્કોલરના ડેલિગેશનને લઈને ઇન્ડોનેશિયા, મોરેશિયસ, સિંગાપોર, અમેરિકામાં જઈ કોન્ફરન્સમાં ભાગ લે છે.
વર્ષ ૨૦૧૫માં તેમને 'ભારત રત્ન' પછીના બીજા ક્રમના એવોર્ડ પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આપણા પાઠય પુસ્તકોમાં પ્રજ્ઞાાચક્ષુ હેલન કેલરના પ્રકરણને ભલે સ્થાન અપાય પણ સ્વામી રામ ભદ્રાચાર્યનો ઉલ્લેખ જ નહીં ?
* રામજન્મભૂમિ કેસમાં ચૂકાદો તરફેણમાં લાવવા માટે એક જમાનાના એટોર્ની જનરલ પરાસરમ ૯૩ વર્ષની વયે કાળો કોટ પહેરી વકીલાત કરતાં સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા હતા. જ્યારે જગત્ગુરૂ રામભદ્રાચાર્યએ તેમને સંગીન પુરાવાઓ આપવામાં મદદ કરી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cnEySs
via IFTTT
Comments
Post a Comment