મહેસાણા, તા.31 જાન્યુઆરી 2021, રવિવાર
કડીના બુડાસણ રોડ ઉપર આવેલ જીઆઈડીસીના ગોડાઉનમાં લુઝ ઓઈલને ડબલામાં ભરીને અલગ અલગ કંપનીઓના ગેરકાયદેસર રીતે સ્ટીકર લગાવી ડુપ્લીકેટ એન્જીન ઓઈલ બજારમાં વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ મહેસાણા એલસીબીએ કર્યો છે. જેમાં એક વ્યક્તિની અટકાયત કરીને પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કડીના થોળ રોડ પર આવેલ સરસ્વતી સોસાયટીમાં રહેતો સંદીપ પ્રહલાદભાઈ પ્રજાપતિ બુડાસણ રોડ ઉપરની જીઆઈડીસીમાં જય અંબે એસ્ટેટ નામની દુકાન ધરાવે છે. જેમાં તે વાહનોના એન્જીનમાં વાપરવામાં આવતા લુઝ ઓઈલમાંથી નામાંકિત અલગ અલગ ઓઈલ કંપનીના એન્જીન ઓઈલ બનાવી ડબલામાં પેક કરીને તેની ઉપર કંપનીના માર્કાના સ્ટીકર લગાડીને ગેરકાયદેસર રીતે બજારમાં વેચાણ કરવાની પ્રવૃત્તિ આચરી રહ્યો છે તેવી બાતમી કડી પોલીસ મથકમાં પેટ્રોલીંગની કામગીરી કરી રહેલ મહેસાણા એલસીબીને મળી હતી. જેના આધારે એલસીબીના પીએસઆઈ એસ.બી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ તેજાભાઈ સહિતની પોલીસની ટીમે કડી જીઆઈડીસીમાં આવેલ જય અંબે નામની ગોડાઉનમાં ઓચિંતી રેીડ કરી હતી. અહીં તપાસ કરતાં લુઝ ઓઈલમાંથી નામાંકીત કંપનીઓના નામે વાહનોના એન્જીન ઓઈલ બનાવવાના કૌભાંડની હકીકત ખુલી હતી. જેથી પોલીસે આ સ્થળેથી ઓઈલના ડબા પેકીંગ કરવાની સામગ્રી, ઓઈલનો જથ્થો, કંપનીના સ્ટીકર તેમજ મોબાઈલ મળીને કુલ રૃા. ૮૭૧૧૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ડુપ્લીકેટ ઓઈલ બનાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ આરોપી સંદીપ પ્રજાપતિની અટકાયત કરીને તેને કોવિડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
કંપનીના મેનેજરે ઓથોરિટી ન આપી હોવાનું જણાવ્યું
કડી જીઆઈડીસીમાં આવેલા ગોડાઉનમાં ડુપ્લીકેટ એન્જીન ઓઈલ બનાવવાના થયેલા પર્દાફાશ દરમિયાન પોલીસે જાણ કરતા કેસ્ટ્રલ ઓઈલ કંપનીના મેનેજર મનિષ પટેલ પહોંચ્યા હતા. અહીં તેમણે નિરીક્ષણ કરીને ઝડપાયેલ મુદ્દામાલ પોતાની કંપનીનો ન હોવાનું તેમજ સંદીપને એન્જીન ઓઈલ બનાવવા માટે કોઈ ઓથિરીટ લેટર કે હક આપેલ નથી તેમ જણાવ્યું હતું.
આરોપીની શું હતી મોડસ ઓપરેન્ડી
કડી જીઆઈડીસીમાં ગોડાઉન ધરાવતા સંદીપ પ્રજાપતિ બહારથી લુઝ ઓઈલ લાવતો હતો. પીળા કલરના ઓઈલમાં લાલ કલરનું પ્રવાહી ભેળવી લાલ બનાવતો હતો. ત્યારબાદ ડબાઓમાં ભરીને ઢાંકણા પેકીંગ કરી દેતો હતો અને તેની ઉપર જાણીતી ઓઈલ કંપનીના માર્કાઓના સ્ટીકર લગાડી બજારમાં વેચાણકરીને છેતરપિંડી આચરતો હતો.
ગોડાઉનમાંથી પોલીસે આ મુદ્દામાલ કબજે કર્યો
ડુપ્લીકેટ એન્જીન ઓઈલ બનાવવાના ખુલેલા કૌભાંડમાં પોલીસે ગોડાઉનમાંથી જુદી જુદી કંપનીઓના ડુપ્લીકેટ માર્કા લગાડેલ ઓઈલ ભરેલા ૪૫૦૦ જેટલા ડબલા, ઢાંકણસીલ કરવાનું ઈલેક્ટ્રીક મશીન, ૩૦૦ લીટર લુઝ ઓઈલ ભરેલા પીપ, નામાંકીત ઓઈલ કંપનીના રેપર મળી રૃા. ૮.૭૧ લાખની મતા કબજે કરી હતી.
બે દિવસ પહેલા ટેન્કરમાંથી કાચા તેલની ચોરીની ઘટના બની હતી
કડીના પીરોજપુરા ગામ નજીક ડ્રાયવર અને કંડક્ટરની મિલીભગતથી ટેન્કરોમાંથી કાચા તેલની ચોરી કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી. રૃા. ૬૦.૫૧ લાખની ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું. જેમાં ૭ શખસોની સંડોવણી ખુલી છે. ત્યારબાદ હવે કડી જીઆઈડીસીના એક ગોડાઉનમાં ડુપ્લીકેટ એન્જીન ઓઈલ બનાવવાનું કૌભાંડ ખુલતાં લોકોમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39y2NeI
via IFTTT
Comments
Post a Comment