- સંયમ અને સ્વભાવ, પીઅર ગ્રુપ અને પ્રેશર, ખાનગી અને ખટપટ આ 'ક્લાઇમેટ ચેન્જ'નું ગ્લોબલ વૉર્મિંગ વધતું જાય છે !
એ ક મસ્ત કાર્ટૂન વચ્ચે વોટ્સએપના નામે પ્રાઇવસીની ડિબેટ ભારતમાં ચાલુ થઈ, ત્યારે વાઇરલ થયેલું. એક છોકરી કહે છે કે, 'મારે પ્રાયવસી જોઈએ છે, હું એવી જગ્યાએ જાઉ છું. જ્યાં કોઈ ડિસ્ટર્બ ન કરે !' થોડીવાર પછી પાછી ફરે છે એને પૂછવામાં આવે છે 'કાં ?' તો કહે છે - 'ત્યાં તો ભીડ જ નથી કોઈ જોતું ય નથી !'
હીહીહી. નો લંચ ઇઝ ફ્રી. મફત કશું ય સાવ હોતું નથી જગતમાં. પ્રસિદ્ધિમોહ બધાની ભીતરમાં હોય જ છે. એ પ્રાકૃતિક છે. પણ પછી અનહદમાં સરહદ નથી રહેતી. આપણે મફતમાં સોશ્યલ નેટવર્ક વાપરતી વખતે 'આઇ એગ્રી, આઇ એગ્રી'ના બટન દબાવીએ, ત્યારે જ ડેટાના નામે કાંડા કપાઈ જાય છે. ડિજીટલ દુનિયામાં એક અદ્રશ્ય કેમેરાની આંખ આપણી તમામ ઑનલાઇન હલચલ કે વાતચીત પર નજર રાખે જ છે. હરઘડી, હરપલ, ટ્વેન્ટી ફોર બાય સેવન. ૩૬૫ દિવસ. છતાં ય આપણને ગમે છે શેરિંગ કરવું, કનેક્ટ થવું એટલે આપણે 'જાનામિ અધર્મમ્, ન ચ મે નિવૃત્તિ'ની જેમ એમાંથી છૂટી શકવાના નથી. લેટ્સ ફેસ ઇટ.
પણ પ્રેફરન્સીઝ (તમે ક્યાં જાવ, શું શું ખાવ છો, શું ગમે છે વગેરે)ના ડેટા અને ખાનગી વાતચીતના લીકેજમાં લીગલી એન્ડ મોરલી ફરક હોય છે. એક ક્લીયર કટ ફેક્ટ આપણે બીજાઓના કાજી થતી વખતે ભૂલી જઈએ છીએ કે નોર્મલ ફ્રેન્ડલી વાતચીત જ જે ડાહીડમરી ફોર્મલ વાતો બીજે કરી ન શકીએ વ્યક્ત, એ ઠાલવવા માટે તો અંગત મિત્રો હોય છે. નહિ તો પ્રેશરમાં વગર વાઇરસે બધા વેન્ટીલેટર પર સૂઈ જાય. એ ય થેરેપી છે, હળવા થવાની. પણ કોલ રેકોર્ડિંગના જમાનામાં હવે ખુદની સાથે જ દોસ્તી કેળવવાની મજબૂરી વધશે, મૈત્રીની મજબૂતી નહિ.
લાર્જ સ્કેલની જ વાત નથી. અર્ણવની કથિત ચેટ પબ્લિક થઈ અને સ્કેમ સિરિયલના કે.કે. રૈનાના પાત્રની જેમ પાર્થોભાઈ હૉસ્પિટલના બિછાને સૂઈ ગયા એ જ વાત નથી. ગોસ્વામીજી આજે સેલેબલ દેશભક્તિનો વેપલો કરવા તક જોઈને રિપબ્લિક થઈ ગયા બાકી એનડીટીવીમાં ગુજરાત રમખાણો પછી હતા. એ વાઇરલ ચેટના અંશો એ જ સત્ય સિદ્ધ કરે છે, જે કોઈ પણ અક્કલ ગિરવે ન મૂકી હોય એવા માણસોને એમ જ સમજાઈ જતું હોય ! આવું જ કંગનાદેવીજીમાં થયું.
કથિત વાઇરલ ચેટમાં તો હવે રાષ્ટ્રભક્ત દેવીજી બનેલા કંગનાજી વિશે ય અભદ્ર- સેક્સભૂખી, નિમ્ફોમેનિયાક જેવા લેબલ છે. કંગનાજીએ ય મૂળ સ્વભાવ મુજબ બિકિનીમાં હમણાં ફોટો મૂકતા રાષ્ટ્રવાદના નામે માત્ર જેહાદી તાલિબાની માનિસકતાના કોપીકેટ સેન્સરપ્રેમી ટ્રોલિયાટપોરીઓની કોમેન્ટસને ઘઘલાવી લબડધક્કે લીધી હતી ! નામ વગર અન્ય 'દેશભક્ત' પત્રકારોની ય ખીંચાઈ છે અને નામજોગ એમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાજી (જે પાછા એ જ ચેનલ પર સૌથી વધુ ઘોડા છૂટ્ટા મુકે છે)ની ય મજાક ને ટીકા છે ! એક જ માલમલીદાના શીરા સાટુ ઝૂંટાઝૂંટ કરતા 'શ્રાવકો' એકબીજાના જ રહ્યાસહ્યા લૂગડા ઉતારે એવો તમા-શો છે.
આ લેખનું ટાઇટલ રમેશ પારેખની પ્રખ્યાત પંક્તિની પેરોડી છે, એમ જીસસ/ બાઇબલના પ્રખ્યાત ક્વૉટને ફેરવીએ તો 'હુ શેલ લિવ બાય (એક્સપોઝિંગ) અધર્સ ચેટ, વિલ બી પેરિશ્ડ બાય ધેર ચેટ' આ ખોટા બ્રેઇનવોશિંગના ખેલની અને અદાલતી કાર્યવાહી પહેલા જ મીડિયા ટ્રાયલની શરૂઆત રિયા- સુશાંતની ચેટ પબ્લિક કરીને ગોસ્વામીજીએ જ કરી હતી. જે સુશાંતનું અપમૃત્યુ ધાર્યા મુજબ જ બિહાર ચૂંટણી પૂરી થતાં જ ભૂલાઈ ગયું. કારણ કે મીડિયામાંથી ય ગાયબ થઈ ગયું ! અલબત્ત આવી ૫૦૦ પાનાની પારકી ચેટાચેટી વાંચવાની ફૂરસદ જ ન હોવી જોઈએ.
પણ આ તો ખાલી ખોપરીના ટીઆરપી ડબે પૂરવા માટે ઉન્માદથી ઉલ્લુ બનાવવાની વાત હતી એટલે જનહિતમાં જારી ! આવી રમતો ખતરનાક નીવડે કારણ કે ટીઆરપી હોય કે તોડબાજી, આવી રમતો બીજા ય એમની સાથે રમે ત્યારે ઉઘાડા પડી જાય છે. રિયા- સુશાંતની ચેટ પ્રગટ કરીને ય શું મળ્યું ? મજબૂત કેસના અભાવે રિયા તો બહાર આવી ગઈ બદનામી વહોરીને પણ દિવંગત સુશાંતના સંબંધો બધા ગુંચવાડાવાળા હતા ને ડ્રગની આદત હતી, એવા અશોભનીય ચૂંથણા કોઈની વિદાય બાદ જાહેરમાં આવ્યા. પરાણે બોલાવવા કરતા મોતના મલાજે મૌન રાખ્યું હોત તો આવા ગંદા લૂગડા ધોવાનો મેલ આપણા મનમાં ન આવત.
ખેર, પબ્લિકને જ સોક્રેટિસના ઝેરના પ્યાલા ધરવામાં કે જીસસને ક્રોસ પર ચડતા જોવામાં ટોળે વળવાનો રસ હોય ત્યાં આ તો યુગો જૂનું અરણ્યરૂદન છે. પણ આ તો ઓલરેડી સામે ચાલીને આવી આફતો નોતરવા માટે સીધો રસ્તો મૂકી આડી લાઇને ચડી જતી જાણીતી હસ્તીઓની વાતો છે. ક્યારેક આવી 'વાઇરલ' વાતોને લીધે અમુક વ્યક્તિ કે નામ રાતોરાત સેલિબ્રિટી બની જાય છે ! મૂળ વાત તો આ કરવાની છે, આ લાંબીલચક પ્રસ્તાવના પછી. આ ય એક વાઇરસ છે, જે ફેલાતો જવાનો છે, અને લોકોનું માનસિક આરોગ્ય બગાડવાને છે ! યાદ રાખજો, જે પોષતું તે મારતું. સતત બીજા સાથે ગેમ રમવા જાવ તો ક્યારેક ડેસ્ટિની તમારી ગેમ પણ બજાવી દે !
ગુજરાતભરમાં કોઈ પ્રમોશન વિના ભલભલી એડવર્ટાઇઝીંગ એજન્સીઓના મોમાં પાણી આવે એવો ઓડિયો હિના- ધુ્રવલ- ભૌતિકના નામે વાઇરલ થયો. પર્સનલ ચેટની ઓડિયો ક્લિપ પબ્લિક થઈ ગઈ. લૂક, મજાક મસ્તી એ બે ઘડીની હસીખુશી માટે બધું માફ, કુરબાન. આટલા બધા સ્ટ્રેસમાં જો હસવાની જગ્યા ન રાખો, મસ્તીખોર ટીખળ ન રાખો તો તો કાં ડિપ્રેસ્ડ કાં પાગલ થઈ જાવ ! એટલે જ તો જગતમાં જોક ને કાર્ટૂન બન્યા, બાકી ગંભીર ગઝલો અને ચતુર ચિંતનો જ હોત ને. હવે આપણે એટલા આળા, તકલાદી, ફ્રસ્ટ્રેડેટેડ એન્ડ નેરો માઇન્ડેડ થતા જઈએ છીએ કે જોક કે કાર્ટૂનથી ય ધરમના નામે દુભાઈને લોહીતરસ્યા ઝોમ્બી થઈ જવાનું ફાર્સ (ચેટક જેવું હાસ્યનાટક) હકીકતમાં ભજવીએ છીએ !
એટલે એ બે ઘડી ગમ્મત માટે હળવા તો એ વાઇરલ મેસેજના પાત્રો ય થતા હોય. પણ પછી જરાક જમાનાએ વાતને વધુ પડતી સિરિયસ લઈ લીધી. પહેલી વાત તો એ કે જોકથી આગળ કદી કોઈ આવી ચેટ બાબતે બહુ સિરિયસ ન થવું. એક તો એવું કે એ રેકોર્ડ કરી વાઇરલ કરનારા દરેક વખતે આખું જ સંભળાવે એવા સત્યવાદી નથી હોતા. એમણે કરેલી આગળની વાતોના પૂર્વાપર સંબંધ આપણને ખબર હોય નહિ. જે રેકોર્ડિંગ ચાલુ છે, એ જાણે એ તો ઠાવકા થઈ જાય.પોતે ઉશ્કેરાઈને વાત શા માટે કરે કે વિવાદાસ્પદ લાગે એવું બોલે ? ને- બોલ્યા હોય તો વાઇરલ કરતા પહેલાં એ હિસ્સા હટાવી દે, તો ય એમણે શું પ્રોવોક કરેલું ઘોદા મારીને, વાત કાઢીને કઢાવીને એનું પૂર્ણ સત્ય તમે જાણી ન શકો. એટલે એની ઘરની અદાલતો ભરવાને બદલે એવા કિસ્સા જો વાત મહત્ત્વની, દેશહિત કે મોટા ભયાનક કૌભાંડ- ગુનાની હોય ત્યાં સુધી ન્યાયાલયને સોંપી દેવી જોઈએ. આપોઆપ ત્યાં સબૂત દેવા પડે.
બાકી તો હવે ઓડિયોની મિમિક્રી શું વિડિયોમાં ય ચહેરો આસાનીથી મોર્ફ થઈ જાય છે. મેસેજમાં ભળતાસળતા ગપ્પા ભેળવી એકાદ સાચી લાગતી વાતમાં તદ્દન ખોટા સેંકડો ગપ્પાનો ખટુમડો આથો નાખીને મસાલેદાર ઢોકળા પકાવે એવા ગપ્પામાં તો નામ વિના કાનુની જવાબદારી ય ન બને. આ ઓડિયો ક્લિપમાં સાચે જ દીકરાની માના જવાબ ઠરેલ ઠાવકા ને ગ્રેસફૂલ, ગરિમામય છે. સલામ એમને જે કહે છે કે 'ફલાણો ફોન હલકો ને ઢીંકણો સારો'વાળી દીકરી ય સુખી થાય ને એની માંગ પૂરી કરે એવું સાસરું મળે.
વાત તો ખબર જ હશે. પોતાની બેન વતી એક દીકરી એનો સંબંધ નક્કી કર્યો ત્યાં કોલ કરે છે. પિતાને માતાને કે તમે બધા માણસો સારા છો, પણ એમઆઇ કંપનીના ફોનના બદલે મોંઘો ને માભાદાર આઇફોન આપો તો સર્કલમાં નીચાજોણું ન થાય.
જેમ બીજાના ધરમની વાત આવે ત્યાં તરત સાયન્ટિફિક એન્ડ જસ્ટીફાઇડ વાતો કરનારા પોતાના ધરમની વાત આવે ત્યાં ફેરવી તોળતા
હોય છે, એ સાયકોલોજી આ ફ્રેન્ડસના 'સર્કલ'ની છે. જેને વધુ એકેડેમિક ભાષામાં પીઅર ગ્રુપ કહેવાય. માણસને કોવિડકાળમાં અહેસાસ થયો જ ને, કે એકલાએકલા જીવવામાં ખુદના ઘરમાં રહેવાનો ય કંટાળો આવે છે. સગા કરતાં ય વહાલાઓનું મહત્ત્વ વધે એ આજના યુગની સચ્ચાઈ છે. હવે લગ્ન હોય કે કારકિર્દી મહત્ત્વ આ આસપાસના પીઅર ગ્રુપના પ્રેશરનું જ રહેશે. એ જ્યાં કોતરવું હોય ત્યાં કોતરી રાખજો એટલે ભૂંસાઈ ન જાય !
મુખ્ય વાત આ બિરાદરી, સર્કલ, પીઅરગ્રુપ છે. માણસે કુદરતી અસ્તિત્વ ટકાવવા ટ્રાઇબ્સ બનાવી. યાને કબીલા. સમૂહ જીવનમાં સંજોગો સામે લડવું આસાન થતું. એમાંથી જ ગામ- નગર, જ્ઞાાતિ, પ્રદેશ રચાયા સરખેસરખાના પણ સર્જનહારે જન્મ ને મૃત્યુની સફર એકલાપંડે જ ઘડી છે. એટલે બધાના વ્યક્તિત્વ એક જ સાંચામાં ફિટ કરાય એવા હોય નહિ. સમાનતા સામુહિક આદર્શ છે, પણ સ્વભાવ વ્યક્તિગત સચ્ચાઈ છે. એટલે 'ગેપ' તો ભૌતિક સંપત્તિથી શોખ, પ્રતિભા, દેખાવ બધામાં રહેવાનો જ. રીંછ ને રોઝડું એક જંગલમાં રહી શકે, પણ એકસરખા ન બની શકે ! એ વાસ્તવ દેખાતું હોવા છતાં સ્વીકારી ન શકો તો બે ઘટના ઝેરીલી બની શકે : અદેખાઈ અને દેખાદેખી.
સામાજીક સમસ્યાઓમાં પોણા ભાગના પ્રોબ્લેમ્સનું મૂળ અહીં છે. જેલસી એન્ડ કમ્પેરિઝન. છીંડે ચડયા એ ચોર લાગે. બાકી બહાર ડાહ્યાડમરા થઈને શાણી શાણી વાતોના ઉપદેશ દેનારા પોતે ય આ માંદલીમેલી માનસિકતામાંથી મુક્ત નથી હોતા અને ટાંટિયાખેંચ કર્યા કરે છે. કૂથલી, ગોસિપ સાથે ભળે કે'તો/કે'તીતીની કાનભંભેરણીવાળી ખટપટ. ઇગો કલેશ. વન અપમેનશિપનો અહં. સાસુવહુ હોય કે નણંદભોજાઈ, ભાઈ ભાઈ હોય કે દોસ્તદોસ્ત.
આ પીઅર ગ્રુપ યાને 'કંપની' કે 'સર્કલ' જે કહો તે, જો નબળું હોય તો તમે લપસી પડો અને એમના જેવા જ નવરા ચોવટિયા થઈ જીવન બરબાદ કરી નાખો. આવા ઓનલાઈન કે ઓફલાઈન સખાસખીઓ ધીરે ધીરે પોતાના લેવલે તમને નવરાધૂપ કૂથલીખોર ટાઈમપાસિયા કરી શકે. જગતમાં મોટે ભાગે સિગારેટ કે શરાબ કે ડ્રગ્સ કોઈ પણ વ્યસનની શરૂઆત ઘરમાંથી નહિ, આવી યારીદોસ્તીમાંથી જ સૌથી વધુ થાય છે. કાચી કેરી જેવી જુવાની હોય.
પાકે તો સોનાના ટુકડા જેવી સોહામણી ને મીઠીમધુરી મોંઘી થાય. કાચી જ રહે તો કડક ને ખાટી બને. એમાં ય ચાસણી, કેસર, તેજાના ભળે તો મુરબ્બો બને ને નમકમરચું કુરિયા ભળે તો મેથિયા બને! જેવું ગ્રુપ, એવી જ અધૂરપ કે સારપ. ધર્મો પણ અંતે તો સરખેસરખા ડર ને એકસરખી આદતોના લાર્જ પીઅર પ્રેશર ગ્રુપ્સ જ છે ને!
આ ચડસાચડસી ને દેખાદેખીના વ્યસનો ય એમાંથી આવે જ. લોકો શું કહેશે? ગામને કેવું લાગશે? ઇમ્પ્રેશન ડાઉન થઈ જશે તો? આ બીકમાં ને બીકમાં તો ઘણા સૂચનાઓની ઐસીતૈસી કરી મેળાવડા કરવા જાય ને વ્યવહાર સાચવવા જાય ને પછી કોરોનામાં પટકાઈ જાય! લોકો પાસેથી ભીખ માંગીને જીવો છો કે તમારા જીવનને ચોઇસનું રિમોટ કન્ટ્રોલ લોકોને આપી દો?
મનોમન ગમે જ આપણી સરસ ગાડી કે મોબાઈલ કે ગોગલ્સ કે ડ્રેસ હોય ને લોકોમાં વટ પડે એ. લોકો એ માટે જ ભવ્ય વરઘોડા ને લગ્નસમારંભો કરે, પહેરામણીના પ્રદર્શન કરે કે કોવિડમાં અચાનક આથમી ગયા એવા પ્રિવેડિંગ સૂટ કરે. હોય, માણસ છીએ આકર્ષણ હોય. પોતાની કમાણીએ સરસ કપડાં કે આભૂષણ એટલે તો લીધા હોય કે આવા પ્રસંગે શોભે. પણ એ અંદરના ઉમળકાને બદલે બહારના ભપકા થકી જ હોય, તો એમાં ફરક સુગર ને સેકરીન જેવો છે. બનાવટી મીઠાશ છેલ્લે તો કડવાશ જ વધશે.
સુખી થવું હોય તો સરખામણી નહિ કરવાની. મોજ મુજબ જે શોખ રાખવા હોય એ રાખો. પણ પૈસા ય ખુદના અને પસંદ પણ ખુદની. એ ખરો ઠાઠ છે, સાચો રોયલ ઓરિજીનલ એટીટયુડ છે! બાકી, બીજાઓના અભિપ્રાય પર જ જીવવું પડે તો એ જીવતર નથી, કળતર છે. ભોગ નથી રોગ છે. જલસા નથી, કોલસા છે!
એટલે જો પીઅર ગ્રુપ આવા પ્રેશર ઈન્ડાયરેક્ટલી કરે એવું લાગે તો ઠંડા કલેજે આપણી ફરતે બેરિકેડ બાંધતા જવાની. ભલે સ્વાર્થી કે અકડુના સ્ટીકર લાગે. આપણું સૌજન્ય સચવાય એ માટે અમુકને તતડાવી તગેડવા ય પડે. રોકડું સંભળાવી દેવું પડે. કાયમી શાંતિ. માણસની મહેમાનગતિ ન હોય જે તમારે માટે લોહી કાઢવા તૈયાર હોય. મચ્છરની મહેમાનગતિ ન હોય જે તમારું લોહી પીવા જ આવ્યા કરે. એમને મસળીને મોજ માટે મુક્ત થાવ. મસળવાના મતલબ મારામારી નહિ, સ્પષ્ટ કહી દીધા પછી કેળવી દીધેલું અંતર. પીઠ પાછળ એની એ ચોવટ બીજાઓ સાથે ચાલુ રાખશો તો ફિઝિકલી દૂર રહીને ય નકામી વાત કે વ્યક્તિ મેન્ટલી તમારા પર હાવી થઈ જશે.
પણ કમિંગ બેક ટુ વાઇરલ ઓડિયો - એમાં સમજણ ને સાચા ભણતરના અભાવે છોકરી કે છોકરામાં કેવી વૃત્તિઓ આવી ને ડિમાન્ડ શરૂ થઈ કે ગેજેટ્સ પાછળ ક્રેઝ વધ્યો એ ચૂકાદા તો બધાએ આપી દીધા. સાચું જ છે. પણ અધૂરું છે. કોઈએ ધ્યાનથી વાત સાંભળી હોય તો એમાં એ છોકરીની બેન એવું બોલે છે કે જોઈએ તો સોનું ઓછું આપજો કે સાવ ન આપતા - પણ આ એક અમારી લાડકીનું વેણ રાખો.
ઇન્ટાગ્રામ કે ટ્વીટર કે ફેસબૂકની લાઇક્સમાં લાઈફ જોતા સમાજમાં હવે મોબાઈલ દેખીતો સ્ટેટસ સિમ્બોલ છે. વર્તુ જેવી કંપની અમસ્તા હીરાજડિત કે સોનાના કવર મઢેલા મોબાઈલ બનાવતી? બ્રાન્ડ સિમ્બોલના તો ઉપરના પૈસા મર્સીડિસ કે એપલ કે સોની જેવી કંપનીઓ એની પ્રોડક્ટમાં લે જ છે. પહેલા એ સ્થાન સોનારૂપા ને સાડીસેલાનું હતું. હવે ગેજેટ્સનું છે.
હાય રે કળિયુગની પોક મૂકનારા જગતકાજીઓ તો બોલી જશે કે પોતાની ત્રેવડ પર મોજશોખ કરો. આપણે ય લખ્યું. પણ પછી એ વિચાર કર્યો છે કે આપણા ટિપિકલ સમાજમાં છોકરીને એ છૂટ છે, ને એ છૂટ સહન થાય છે? જાતે સ્વતંત્ર કારકિર્દી બનીને કમાણી કરવાની? એવરેજ મિડલ ક્લાસ કે ઈવન અમીર દીકરીઓએ હાઉસવાઈફ હોય તો કાં પપ્પા, કાં ભાઈ, કાં પતિ પાસેથી જ માંગવા પડશે ને રૂપિયા! બીજા કોની પાસે અપેક્ષા રાખે? દહેજ માટે ગાડીના મોડલ સિલેક્ટ કરનારા ને પ્રસંગમાં મોં ન બતાવો તો માઠું લગાડી મોઢું ચડાવનારાના સમાજમાં પુરૂષો કે છોકરાવાળા એથી ય વધુ ભૂંડી ડિમાન્ડ વિનંતી વિના રોફથી કરે છે.
ત્યારે એમના ધજાગરા કેમ વાયરલ નથી થતા? પોતાના ઇગો સંતોષવા માટે જ્ઞાાતિના કે પરિવારની આબરૂના નામે ધરાર એરેન્જડ મેરેજના ચોકઠાં ગોઠવી ભણેલા યુવાન સંતાનોને ખાનગી મિલકત સમજી એના માલિક થઈ બેસવું સમાજના નામે એ કળિયુગ નથી? એમની પસંદગીના પાત્રને જાણ્યાસમજ્યા વગર ઇગો હર્ટ કરી રિજેક્ટ કરવું ને સમાજમાં બીજા વહેવાર નહિ રાખે એવી બીક બતાવી ઇમોશનલ ત્રાગા કરવા ત્યારે નાત કે બિરાદરીની ગેરકાનૂની, અનૈતિક પીઅર પ્રેશરની દેખાદેખીમાં કંઈક કજોડા બનાવી દેવા એ કળિયુગ નથી? કોઈ વાત બેઉ પક્ષે પૂરી થઈ પછી નામ સહિત વેર વાળવા કે બતાવી દેવા વાઇરલ કરી દેવું એ બિલો ધ બેલ્ટ બદનામીની પાપવૃત્તિ કળિયુગ નથી?
ખોટું બે ય છે. સીન મારવા માટે, સ્ટેટસનો રોલો પાડવા માટે લગ્નને કિંમતની સોદાબાજીમાં મનમેળ વિના ફેરવીને મોબાઈલનું ખાસ મોડલ ગિફ્ટમાં માંગવું એ ય ખોટું છે. અને પર્સનલ ભરોસે થયેલી વાતો રેકોર્ડ કરીને મોબાઇલમાં ફેરવી દેવી - એ ય ખોટું છે.
આજે કોઈ ટ્રાન્સમિટિંગ એન્ડ પર (અર્ણવ-રિયા) હશે, તો કાલ રિસિવિંગ એન્ડ પર (પાર્થો-અર્ણવ) આવી શકે છે. ચિનોય શેઠ ને શીશે કે ઘરવાળો ડાયલોગ જાની સ્ટાઇલમાં યાદ કરવો 'વક્ત'ના ઉતારચડાવ સમજવા માટે! ખોટું તો અગાઉ લખેલું ને કહેલું એ ઓરિજીનલ ક્વૉટ ઘણાએ નામ વગર કોપી કર્યું એ સૌથી મોટું છે : લગ્નોમાં છોકરી જોવા જવાની ન હોય. એ ફર્નિચર કે ફ્રિજટીવીએસીબાઈક છે? છોકરીને (કે છોકરાને) 'જોવા'ના નહિ 'મળવા'નું હોય. સાચું આ છે. કેટલા તૈયાર છે એ માટે?
જરાક કોરોના હટયો ને લોકડાઉન ઘટયું કે એ જ તાળા મગજ પર લગાવી આપણે હતા એવા થઈ ગયા! દરેક વખતે ટીમ પેઇનની જેમ બીજાને ભાંડીને જીતી ન શકાય, ક્યારેક એમાં રહાણેની જેમ સ્વસ્થ મૌન ને મક્કમ રમત પણ જવાબ છે. દરેક વખતે પૂજારાની જેમ ખડક બનીને બચી શકાય એવું નથી. ક્યારેક પંતની જેમ ખભા ખોલી રમવું ય પડે. મૂળ વાત છે સિચ્યુએશન. એક્શન-રિએક્શન એના કોન્ટેક્સ્ટમાં પૂરા જોવા-સમજવા એનું નામ જ મેચ્યોરિટી. બાકી તો વર્ષો પહેલા એક વાર્તા વાંચેલી કે બીજાના મનમાં ચાલતા બધા જ વિચાર ખબર પડે એ વરદાન ચોવીસ કલાકમાં કેવું શ્રાપ જેવું બની જાય છે! બાંધી મૂઠી લાખ કી, ખુલ ગઈ તો ખાક કી. ન જાણવામાં ય શાંતિ છે અમુક!
ફાસ્ટ ફોરવર્ડ
જીત્યો પ્રથમ સ્વભાવ,
પછી કામ થઈ ગયું.
છોડયા બધા લગાવ,
પછી કામ થઈ ગયું.
બહુ બોલકા થયા તો સમાચાર થઈ ગયા.
છુપાવ્યા હાવભાવ,
તો કામ થઈ ગયું.
જ્યાં નમ્રતા ચલણમાં નથી એ જગા ઉપર
છાંટયો જરી પ્રભાવ,
તો કામ થઈ ગયું.
(પારૂલ ખખ્ખરની રચનામાંથી)
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j6GBeT
via IFTTT
Comments
Post a Comment