મુંબઈ, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર
કેન્દ્રના બજેટના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ટ્રાવેલ એજન્ટોની સર્વોચ્ચ સંસ્થા ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ સરકાર પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે વિશિષ્ટ પગલા લે એવી માગણી કરી છે. ગયા વર્ષે લોકડાઉન દરમ્યાન જો કોઈ ઉદ્યોગે સૌથી વધુ માર ખમ્યો હોય તો તે પ્રવાસન ઉદ્યોગ છે. સમગ્ર દેશમાં પ્રવાસ ઠપ થઈ ગયો હતો અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ બેરોજગાર થઈ ગયા હતા. આથી એસોસિયેશને કેન્દ્રના આગામી બજેટમાં ઉદ્યોગ માટે કેટલીક ભલામણો કરી છે.
એસોસિયેશનના મતે બજેટમાં લીવ ટ્રાવેલ કન્સેશનના લાભ બે વર્ષ સુધી ખેંચવા જોઈએ. મહામારીને કારણે આ લાભ લોકો નહોતા લઈ શકયા. તેણે સરકાર પાસે આગામી બે વર્ષ માટે મીટિંગ, પ્રલોભનો, કોન્ફરન્સીંગ અને પ્રદર્શન અને ધાર્મિક કારણોસર કરાતા પ્રવાસ માટે થતા ખર્ચને વેરામાંથી બાકાત રાખવાની પણ ભલામણ કરી છે.
મંત્રાલયને કરાયેલી ભલામણોમાં એસોસિયેશને જણાવ્યું છે કે પ્રવાસીઓ અને ગ્રાહકો પાસેથી મેળવવામાં આવતી ચૂકવણી સંદર્ભે ટ્રાવેલ એજન્ટોનું ભાવિ સુનિશ્ચિત કરવા એક સુયોજિત વીમા યંત્રણા ઘડવી જોઈએ. એસોસિયેશને વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં આવતી અને ભારતથી વિદેશ જતી તમામ એરલાઈન્સ દ્વારા વીમાના પ્રસ્તાવો પણ કોઈને કોઈ સ્વરૃપમાં કાયદેસર કરવા જોઈએ.
એસોસિયેશનના ઉપ-પ્રમુખે જણાવ્યું કે પ્રવાસન સેવાને ઉદ્યોગનો દરજ્જો આપવો જોઈએ અને તેને દેશભરમાં કોન્કરન્ટ યાદીમાં મુકવો જોઈએ જેથી સેવાના સ્તર ઉચ્ચ કક્ષાના બની શકે. તેમણે સરકારને એવી પણ ભલામણ કરી છે કે પ્રવાસ ઉદ્યોગમાં કામદાર કલ્યાણ, સુરક્ષા અને આરોગ્ય યોજના તમામ રાજ્યોમાં એક સમાન રીતે લાગુ પાડવામાં આવે.
એસોસિયેશને વધુમાં જણાવ્યું છે કે આ ક્ષેત્ર માટે યોગ્ય નીતિઓ અને યોજનાઓ ઘડવા માટે સરકાર અને પ્રવાસન ઉદ્યોગ વચ્ચે વધુ સહયોગની જરૃર છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pyEBPb
via IFTTT
Comments
Post a Comment