- પાલિકામાં ભાજપ-કોંગ્રેસના શાસકોએ શહેરનો વિકાસ કરવાના બદલે સ્વાર્થ માટે રાજનીતિ ખેલતા રહ્યા અને નાગરિકોને ગટર, પાણી, રસ્તાઓની સમસ્યા જૈસે થે રહી
અમદાવાદ, તા. 31 ડિસેમ્બર 2020, ગુરુવાર
આવતી કાલથી નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે રાજકીય ઉપેક્ષાથી વિકાસની દ્રષ્ટિએ બાયપાસ થયેલા વિરમગામના વિકાસનું આશાનું કિરણ કોણ જગાડશે તેવાં પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યાં છે. પાલિકામાં ભાજપ કે કોંગ્રેસના શાસન બાદ એક પણ શાસકે શહેરનો ઉધ્ધાર કર્યો નથી અને જેમ જેમ સમય સરકતો જાય છે તેમ તેમ નાગરિકોની સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય નેતાઓની ઉપેક્ષાથી રસ્તા, પાણી, ગટરની સમસ્યા તેમજ વણઉકેલાયા એવા અગણિત પ્રશ્નોથી પીડાતા નાગરિકો કેવો મિજાજ બતાવે છે તે હવે જોવાનું રહ્યું.
વિરમગામમાં વર્ષોથી રાજકીય હરીફાઈમાં દોટ મુક્તા નેતાઓ શહેરમાં જ રહે છે પરંતુ તેમને તેમની રાજનીતિ કારકિર્દી સિવાય બીજું કાંઈ જ ન દેખાતું હોય તે શહેરનો વિકાસ જ કહી બતાવે છે. નાગરિકોએ વિકાસ માટે મતો આપ્યા પણ પછી શું ? વર્ષોથી ગુજરાત અને દિલ્હી સુધીના રાજકારણની વાતો કરતા નેતાઓ ને પોતાના ગામ માટે શું કરવું કે, કઇ રજૂઆત કરવી જે હજી સુધી કોઈ નેતાઓએ કરી હોય તે દેખાતું નથી. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે વિરમગામના રાજકારણમાં મારો ક્યાં ફાયદો થાય એવો છે તે વિચારીને પોતાની કારકિર્દી ચણવામાં વ્યસ્ત દેખાતા હોય છે.
વિરમગામમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને રાષ્ટ્રીય પક્ષોમાં જેનો સમય આવ્યો તેઓએ પોતાના સ્વાર્થી રાજકારણ સિવાય કોઇએ ગામના વિકાસ માટેનું એક પણ ઉદાહરણ પૂરું પાડયું નથી. નેતાઓ, અધિકારીઓએ ગામના વિકાસના પરિણામ સુધી કોઈએ જહેમત ઉઠાવી નથી તે પ્રજા નહિ પરંતુ ગામ પોતે બોલે છે. ગામની પરિસ્થિતિ વર્ષોથી જે હાલ સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં છે સુધર્યું તો નથી પણ વધુ ખરાબી થઇ છે તેવું ગામના નાગરિકો પણ કહે છે અને આ કારણે આજે ગામ ઘણું પછાત રહી ગયું છે.
વિરમગામ નગરપાલિકાના ભાજપના શાસનના ૫ વર્ષ પૂર્ણ થવા આવશે બંને અઢી/અઢી વર્ષમા ભાજપે સત્તા મેળવી કબજો કરી રાજ કર્યું પણ ગામમાં એક કામ આંખે વળગે તેવું દેખાતું નથી.
નગરપાલિકા ટાઉન હોલ કે અન્ય બિલ્ડિંગો સુશોભિત અને નવી હોવાથી ગામને શું ફાયદો ? વર્ષોના એ જ પ્રશ્નો... ઉભરાતી ગટરો, ગંદકી, ઉબડખાબડ રસ્તા, પીવાના દૂષિત પાણીની ફરિયાદો, વધતા દબાણો જેવી અનેક સમસ્યાઓ વર્ષોથી ચાલતી આવી છે જેમાં કાંઈ સુધારાપણું દેખાતું તો નથી અને તેને હલ કરવાનો પણ પ્રયત્ન ના કર્યો હોય તેવું સ્પષ્ટ પણે ગામમાં દેખાય છે. અમદાવાદ જિલ્લાનું તાલુકા મથક અને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર સમા એક સમયના વાયા વિરમગામને નેતાઓ બાયપાસ વિરમગામમાં પરિવર્તન કરી ચૂક્યા છે અને આનું મુખ્ય કારણ ગામના અલ્પવિકાસનો મુદ્દો જ બન્યા છે. નેતાઓ, અધિકારીઓ, અનેક ધારાસભ્યો અને સાંદસો અહીં આવ્યા અને ચાલ્યા ગયા પરંતુ વિરમગામ શહેરનો વિકાસનો મુદ્દો ત્યાંનો ત્યાં જ અલ્પવિકસીત તરીકે રહી ગયો. તમામે ગામના વિકાસની વાતો જ કરી છે., તેના પરિણામ કે લક્ષ્ય સુધી લઇ જવામાં કોઈને રસ જ નહોય તેમ ગામ આજે નર્કાગારની પરિસ્થિતિ જેવું થઇ ગયું છે.
ધારાસભ્યો અને સાંસદો પાસેથી ગામને કાંઈ જ મળ્યું નથી. ગામ વર્ષોથી જૈસે થે તેવી સ્થિતિમાં વિકાસની રાહ જોઈ રહ્યું છે. વિરમગામ દિવસે ને દિવસે વિકાર વગર પછડાટ ખાઈ રહ્યું છે. વિરમગામ એ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની મધ્યમાં આવતું શહેર છે. વિરમગામ રેલવે સ્ટેશન એક મહત્ત્વનું જંકશન છે. છેલ્લા ૨૦ વર્ષથી વિરમગામને જિલ્લો જાહેર કરવા અનેક રાજકીય પક્ષો, મહાનુભાવો, ધારાસભ્યો, સંસદસભ્યો અને રાજ્ય સરકારો આશ્વાસન આપતા રહ્યા છે. પણ કાંઈ થયું નહિં. નાગરિકો વિકાસ ઝંખે છે. ગામ કાલે સુધરશે તેવી આશાએ બેઠું છે. પણ ક્યાં સુધી ? પ્રજા આ વખતે વિકાસને મહત્ત્વ આપીને રહેશે તેવું ગામલોકો જણાવે છે.વિરમગામ શહેરના નઘરોળ તંત્રને ગામ કઇ સ્થિતિમાં છે તે દેખાતું જ નથી. પારાવાર સમસ્યાઓ છે... ગંદકી, રોડ-રસ્તા, બાગ-બગીચા, જાહેર શૌચાલયો, પાણી સમસ્યા આવી તો અનેક રજૂઆતો વારંવાર કરી છે અને દેખાય છે છતાં તેનો હલ કેમ થતો નથી તેમ નાગરિકો પણ કહે છે અને આ ક્યાં સુધી આમ ચાલ્યા કરશે, વિકાસ નહિં થાય ? તેવા પ્રશ્નો પણ ગામમાં ઉપસ્થિત થયાં છે.વિકાસની ઝંખના સાથે ગત વર્ષની નાગરિકોની સમસ્યાઓની ઉપેક્ષા થઇ છે તે આવનારા નવા ૨૦૨૧ની સાલમાં ગામ વિકાસના રોડ ઉપર ઝડપથી દોડે તેવી અપેક્ષાઓ સાથે પ્રજાજનો રાહ જોઈ રહ્યું છે.
ગામની ખુલ્લી ગટરની સમસ્યા
આઝાદી પછી પણ આજે ગામમાં ખુલ્લી ગટરો જોવા મળે છે. ૨૧મી સદી ગણતા ભારત દેશમાં આજે ગામોમાં ખુલ્લી ગટરો જોવા મળે છે તે નાગરિકોના સ્વાસ્થ્ય માટે કેટલા અંશે સારૂ છે. આધુનિકતા, નવી ટેકનોલોજીની વાતો કરતા પ્રજાજનોને આનો લાભ ક્યારે ? ખુલ્લી ગટરો ગામના વિકાસને પણ આડે આવે છે. વિરમગામ શહેરમાં ખુલ્લી ગટરોના નાળાનો શું કોઈ ઉકેલ નથી ? શું ૨૦૨૧માં પણ આ જ પરિસ્થિતિ સાથે વર્ષ નીકળશે ?
ગામના બાગ-બગીચાની સ્થિતિ દયનીય
વિરમગામ શહેરમાં બાગ-બગીચા જેવું કાંઈ નથી તેમ નાગરિકો ચોક્કસપણે માને છે. શહીદ બાગની સ્થિતિ જોતાં શું જણાય છે ? પાલિકાની ઓફિસ સામે જ જો આવી સ્થિતિ હોય તો ગામના બીજા બાગ-બગીચાનું તો શું કહેવું ? ખાતાકીય વિભાગ દ્વારા કોઈ આ બાબતે નિર્ણય લઇ શક્તા નથી ? નાગરિકો માટે આવી સુવિધા તથા મનોરંજનની વ્યવસ્થા કરવી તે ફરજમાં નથી આવતું ?
ઐતિહાસિક મુનસર તળાવ વિનાશના આરે
વિરમગામ શહેરની વાત આવે એટલે સૌનો મોઢે એક જ વાત મુનસર તળાવ. આ મુનસર તળાવની સ્થિતિ કોઈ જોઈ શકે નહિ તેવી થઇ ગઇ છે. આ તળાવનો ઇતિહાસ વાંચીએ કે સાંભળવા મળે પછી તો ગામના નાગરીકો શું, દેશના નાગરીકો પણ કહે કે આવી ધરોહર સંભાળવામાં પણ પાછા પડયા. નેતાઓ, અધિકારીઓ આ ઐતિહાસિક ધરોહર પણ સંભાળી ના શક્યા ? આ વાત પુરાતત્ત્વ ખાતા માટે પણ શરમજનક કહી શકાય.
વિરમગામ ગંદકીમાં નંબર વન આવી શકે
શહેરમાં ગંદકીની વાત તો કરો જ નહિ તેવું પ્રજાજનો કહે છે. જ્યાં ને ત્યાં ગંદકી. સ્વચ્છતા અભિયાન તો અહિં ઘણું દૂર છે. સ્વચ્છતા કેવી ને વાત કેવી. બસ આમ ચાલવાનું ? નાગરિકોની ઘણી રજૂઆતો છતાં અધિકારીઓને જાણે આ વાત જાણ બહાર હોય તેમ કોઈ જ પગલાં લેતા નથી. સ્વચ્છતા અભિયાનનું અહિં સૂરસૂરિયું થઇ ગયું છે. ગુજરાત મોડેલ...! ૨૧મી સદીની વાતો કરતા લોકો વિરમગામ શહેર આવે અને જૂએ. આજે પણ નાગરિકો વિકાસને ઝંખે છે. આટઆટલા વર્ષો નિકળી ગયા હવે ૨૦૨૧ની નવી સાલમાં પણ નાગરિકો આશા રાખીને બેઠા છે. વિરમગામ શહેર અવિકસીત રહી જતાં શહેરીજનોને ઘણી જ સમસ્યાઓથી પિડાવું પડે છે. નાગરિકોની રજૂઆતનો કોઈ નિકાલ ન થતા તેઓનો આક્રોશ પણ ઘણો જ છે. આવનારા સમયમાં નાગરિકો કહે છે કે અમો વિકાસને પ્રાધાન્ય આપીને, ગામને વિકાસની કેડીએ લઇ જઇને, અનેક સમસ્યાઓનું નિવારણ કરવાના ચોક્કસ પગલાં લેવાય તે ધ્યાનમાં રાખીને આવનારી ચૂંટણીનું ભવિષ્ય નક્કી કરીશું.
આર.સી.સી.રસ્તાના કામોમાં વેઠ વળાઇ
વિરમગામ શહેરમાં એસબીઆઈથી મંગલમ સોસાયટી સધી બનેલા આર.સી.સી.ના રસ્તામાં આઠથી દસ જગ્યા ઉપર ગાબડાં પડતાં લોખંડના સળિયાઓ ભયજનક રીતે બહાર આવી ગયા. કયા કારણે ? રોડના માલ-સામાનમાં ગડબડ તેવું કહી શકાય ? અનેક ફરિયાદો છતાં સત્તાધીશો તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. શું નાગરિકો ૨૦૨૦માં ઉપેક્ષા થઇ છે તે ૨૦૨૧માં નવા કિરણની આશા રાખી શકે ?
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aWGH6X
via IFTTT
Comments
Post a Comment