ક્લાર્કની બદેરકારીથી ગેંગસ્ટર રાજન અને બજરંગીની સ્ટેમ્પ છપાઈ ગઈ


કાનપુર , તા. 30 ડિસેમબર, 2020, બુધવાર

કાનપુરના ટપાલ વિભાગે ગેંગસ્ટરો છોટા રાજન અને મુન્ના બજરંગીની ટપાલ ટિકિટો છાપી અને રીલીઝ પણ કરી નાખી. જનરલ પોસ્ટમાસ્ટરે  વી.કે. વર્માએ આ બાબતમાં ક્લાર્કની ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું છે.

તેમણે જણાવ્યું કે આવું કેવી રીત બન્યું અને ક્લાર્ક તેમને ઓળખવામાં કેવી રીતે થાપ ખાઈ ગયો તેના વિશે વિભાગીય તપાસ ચાલી રહી છે.

છોભીલા પડી ગયેલા ટપાલ વિભાગે પોતાની ભૂલ કબૂલી હતી અને ખાતરી આપી હતી કે તેના કર્મચારી હવે વધુ ખબરદાર રહેશે.

માય સ્ટેમ્પ યોજના હેઠળ રાજન અને બજરંગી પ્રત્યેકની લગભગ ૧૨ સ્ટેમ્પ છપાઈ ગઈ હતી. આ યોજના ટપાલ વિભાગ દ્વારા ૨૦૧૭માં શરૃ કરાઈ હતી. આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ રૃા. ૩૦૦ ચૂકવીને તેમની  અથવા તેમના પરિવારજનોની તસવીર સાથેની સ્ટેમ્પ છપાવી શકે છે.

ટપાલ વિભાગના કર્મચારીએ જણાવ્યું કે આ સ્ટેમ્પ અન્ય સ્ટેમ્પ જેવી જ હોય છે અને તેને કવર પર ચોંટાડી શકાય છે. આ યોજના મિત્રો અને પરિવારજનોને ભેટ આપવા માટે ઘણી લોકપ્રિય થઈ છે.

આ છબરડા પછી ટપાલ વિભાગ વધુ ખબરદાર બન્યો છે અને હવેથી સ્ટેમ્પ છાપવા અગાઉ ક્લાર્કો વધુ ધ્યાનથી દસ્તાવેજોની ચકાસણી કરશે અને આવી સ્ટેમ્પ માટે અરજી કરનાર વ્યક્તિ વેબકેમ સમક્ષ હાજર થશે ત્યારે જ સ્પેમ્પની અરજી સ્વીકારાશે એમ તેમણે વધુમાં જણાવ્યું.

અત્યાર સુધી માત્ર ઓળખપત્રથી કામ ચાલી જતું હતું. પણ હવે વધુ વિગતો માગવામાં આવશે.

ઉપરોક્ત કિસ્સામાં કોઈએ રાજન અને બજરંગીને પોતાના સંબંધી ગણાવીને તેમની તસવીરો આપી દીધી હતી. ઓળખપત્રો માગ્યા વિના ક્લાર્કે પ્રત્યેકની ૧૨ સ્ટેમ્પ જારી કરી દીધી.

સ્ટેમ્પની અરજી માટેના ફોર્મ પર પ્રેમ પ્રકાશ સિંઘ ઊર્ફે મુન્ના બજરંગી અને રાજેન્દ્ર નિખલજે ઊર્ફે છોટા રાજન લખ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હાલ રાજન મુંબઈની જેલમાં બંધ છે અને મુન્ના બજરંગીની ૯મી જુલાઈ, ૨૦૧૮ના રોજ ઉત્તર પ્રદેશની બાગપત જેલમાં હત્યા થઈ ગઈ હતી.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38RQato
via IFTTT

Comments