- જબ કભી પૂછા તુમને મેરે પ્યાર કી વજહ ક્યા હૈ? બહુત સોચા હમને મગર કોઈ વજહ પાયી નહીં.
'અબ હમ અમર ભયે, ન મરેંગે'
ગળતી રાતે, એકતારાના રણકારની સાથે, એ અજબ સૂરાવલી સાંભળી અંતર અને આત્મા ડોલી રહે છે. યોગી આનંદધનનાં મસ્તીભર્યાં, ભાવભર્યાં પદો વાતાવરણમાં ગૂંજે છે, પણ એથીય વધુ સુંદર, અજબ મસ્તીભર્યું અને અદ્ભુત ભાવભર્યું એમનું જીવન છે. જીવનમાં જિવાય, તો કવિતાબુલંદીથી ગવાય. આત્મામાં હોય, તો તે અક્ષરમાં ઉતરે ને!
એ બાંકા વીરોની જન્મભૂમિ બુંદેલખંડ. આ ભૂમિમાં ભરયુવાનીમાં જ્યારે બધા જુવાનો ગામ-પરગામની સુંદર ગોરીને પરણી લાવી ઘરબાર વસાવવામાં પડે, ત્યારે એમણે ઘરનો ત્યાગ કર્યો. જે ઉંમરે તલવાર બાંધી મૂંછે લીંબુ ઠેરવી સહુ મસ્તાન થઈને ફરે, એ ઉંમરે એમણે અહાલેકનો યોગ જગાવ્યો. રાજા ગોપીચંદની જેમ માયા છોડી અલખની શોધમાં નીકળ્યા.
નામ તો શું કહેવું? ઘરબાર અને કુળકુટુંબ પરથી માયા એવી ખંખેરી કે ફરી પાછા વળીને જોયું જ નહીં, જગત આખાને પોતાનું કુટુંબ બનાવી દીધું, પણ ઘેલા લોકોને તો કુળનો મહિમા! નદીઓનાં કે વાદળનાં સાચા મૂળ કોણે જોયાં, જાણ્યાં કે આવાં મહાપુરુષોનો મૂળ જાણી શકાય. અલખના દરબારમાં નાતજાતના વાડા શાં? મસ્તોને વળી નામની માયા કેવી!
'નામરૂપ જૂજવાં આત્મરૂપે એક' એમ મનને ગમે એ નામે આ દેહને ઓળખોને! કોઈ એમને આનંદ કહેતું, કોઈ આનંદધન કહેતું! કોઈ લાભાનંદ કહીને પોકારતું. ગમે તે રીતે બોલાવો ને! નામનો મહિમા જ અહીં કોને હતો! એ તો એક આત્મરૂપમાં ડૂબેલા નિજાનંદમાં રહેતા. મસ્ત થઈને પર્વત ને ખીણોમાં ઘૂમતા, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ એમની ચરણરજથી અનેક વાર પાવન થયા.
એક સમયે આ પરિવ્રાજક યોગી મીરાંબાઈના મેડતા ગામમાં આવી પહોંચ્યા, પહેલી મુલાકાતે જ આ સંતભૂમિ પર અતિ પ્રેમ જાગ્યો. લોકો અત્યંત ભાવિક લાગ્યા. લોકોને એમની અગમ પિયાલાની મસ્તી ધરાવતી અબધૂતી વાણી ગમી ગઈ. યોગીને મેડતાની મહેમાની ગમી ગઈ. પ્રેમથી ભિક્ષા મળે, માન-પાન મળે, રહેવા સુંદર સ્થાન મળે, પહેરવાં સારાં ચીર મળે, વળી લોકો વાહવાહ કરે, ભજન ઉપદેશમાં તો એવી ભીડ જામે કે જગ્યા ન મળે! ધનપતિ, લખપતિ, કોટયાધિપતિનો અહીં તોટો નહીં. માગ્યા મેહ વરસે.
ગામના એક પૈસાદાર શેઠ હતા. તેઓ જરીભરેલી લાલ પાઘડીવાળા શેઠ તરીકે જાણીતા હતા. હાથે હીરાની વીંટી ને ગળામાં હીરે જડયા મોટા હેમનો કંઠો. ભજન-ઉપદેશમાં ખાસ આવે. રીત એવી કે એમના આવ્યા પછી જ ઉપદેશની શરૂઆત થાય. વહેલા આવે તો વહેલી થાય, જેથી શેઠને ઘર જવામાં મોડું ન થાય. મોડા આવે તો મોડી શરૂઆત થાય, કારણ કે શેઠ વગર કોની મગદૂર કે આગળ બેસી હોંકારો ભણે!
એક સમયની આ વાત છે. સંસારની ગૂંચો કઠણ હોય છે. દુનિયાને તો કરોળિયાની જાળ જોઈ લો. ગૂંચ કરનાર પણ ઝડપાય અને સામી વ્યક્તિ પણ સપડાય. આવી ગૂંચમાં શેઠને આવતા મોડું થયું, ને યોગીરાજ આનંદધને તો પર્યુષણ વ્યાખ્યાનના શ્રીગણેશ માંડી દીધા. થોડી વારે શેઠ આવ્યા. પોતાની હાજરી વિના ઉપદેશ ચાલુ થઈ ગયેલો જોઈ એમને મનમાં અકળામણ અને અણગમો થયો. ઉપદેશ પૂરો થતાં જ પેલા શેઠે વિનયનો ઢોંગ કરતાં કહ્યું, 'મહારાજ, અમે રહ્યા સંસારી. અહીં તો એક જાન ને લાખ મુસીબત હોય. આપે થોડું મોડું શરૂ કર્યું હોત, તો શું ખાટું - મોળું થઈ જાત. મારી પર્યુષણની વ્યાખ્યાનવાણીની શૃંખલા જળવાઈ હોત.'
બેપરવા સાધુએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. શેઠે ફરી ફરી વાર કહ્યું. ફરીવાર પણ આ ઉદારચિત્ત યોગીએ આ કાને સાંભળ્યું અને પેલે કાને કાઢી નાખ્યું. દુનિયાનો વળી દુઃખ-ધોખો શો! પણ શેઠને તો ધનનો ગર્વ હતો. એમણે યોગીને જવાબ ગળી જતાં જોઈને જરા રૂઆબમાં કહ્યું, 'મહારાજ, જરા વખત સમજતાં શીખો. અન્ન અને વસ્ત્ર મફત નથી મળતાં?' કહેવાનું એ કે તમને વસ્ત્ર અને ગોચરી તો અમે વહોરાવીએ છીએ, તો થોડીવાર રાહ જોવામાં શું ખાટું-મોળું થઈ જતું હતું!
આ વાક્યોએ સાગરપેટા સાધુજનના દિલમાં અતિ સંતાપ પેદા કર્યો. એ ઉપદેશના આસન પરથી ઊભા થઈ ગયા અને બોલ્યા, 'શેઠ, તમારી વાત સાચી. સંસારની ખોટી વાહવાહમાં હું ભોળવાયો. અરે, વનના પંખીને સોનાના પિંજરમાં પૂર્યું. શેઠજી, તમારા આટલા અહંકારનું કારણ ધન છે, પણ એટલું યાદ રાખો કે તમારું ધન તો માટી છે, એ ચેતન નથી. તમારા ધન કરતાં મારો ધર્મ કીમતી છે. હું કેવો ઘેલો છું તેની મને આજે ખબર પડી! હું ઉપદેશ આપીને તમારા પર ઉપકાર કરવા માગતો હતો. પણ તમે ખરેખરો ઉપદેશ નહીં આપીને મારા ઉપર ઉપકાર કર્યો છે. શું કરું શેઠ! તમે આપેલું અન્ન તો પેટમાં ચાલ્યું ગયું. પણ આ તમારો આપેલો આશરો તમને પાછો, ને તમારાં આપેલાં આ વસ્ત્રો તમને પાછાં. સહુને મિચ્છા મિ દુક્કડમ્' દઉં છું.
યોગી પાટ પરથી ઊભા થયા, નીચે ઉતર્યા ને આગળ વધ્યા. એક ગરીબ ભક્ત પાસેથી કપડાનું ચીંદરડું માગી લીધું અને એની લંગોટી વાળી. વસ્ત્ર ત્યાં ને ત્યાં ઉતારી નાખ્યાં ને ચાલી નીકળ્યા વનજંગલ ભણી. આખું ગામ યોગીને મનાવવા માટે એમની પાછળ ગયું. પણ યોગી પાછા ન ફર્યા, તે ન જ ફર્યા. વનની અડાજૂડ અટવીઓમાં અદ્રશ્ય થઈ ગયા, ત્યાં કોણ પીછો પકડે. જ્યાં પગલે પગલે સાપના રાફડા પડયા હોય અને ડગલે ડગલે ખૂંખાર પ્રાણીઓની ગર્જના ગાજતી હોય, ત્યાં કોણ પાછળ જાય? સમય પોતાની કાળખંજરી બજાવતો આગળ ચાલ્યો ગયો.
એક દિવસ અચાનક મારવાડ, મેવાડ અને ગુજરાતના ગામેગામ કબર ફેલાઈ કે આજુબાજુના જંગલોમાં મહાયોગી આનંદધન ઘૂમતા હતા. કદી કોઈ ખંડેરમાં, કોઈ ઉદ્યાનમાં તો કદી જંગલમાં વાસો કરે. બાકી તો પર્વતની ખીણો કે પહાડની ટોચ પર સમાધિ લગાવીને બેઠા હોય. નથી એમને પોતાના દેહની પરવા, નથી દુનિયાની પરવા. મંદિર, મસ્જિદ, દહેરાં-દેવળ સહુ એમને સમાન છે. અત્યંત ચમત્કારી યોગીને સંકલ્પ સિદ્ધિ વરી છે. સુવર્ણસિદ્ધિ એમની પાસે છે. એકના બે કરી આપે છે. હજાર મુદ્રાને ફૂંક મારીને દસ હજાર બનાવી દે છે. કીમિયાનો તો પાર નથી. એકાદ કીમિયો પણ હાથ પડી ગયો તો બેડો પાર સમજો! અરે, એ રોગીષ્ઠના રોગ મટાડે છે. શોકગ્રસ્તનો શોક દૂર કરે છે દુઃખિયાનાં દુઃખ કાપે છે. દરિદ્રીની ગરીબાઈ ફેડે છે.
સંસાર રહ્યો આપમતલબી. એક સોમાં નવ્વાણું સંસારના સુખ માટે એમની પાછળ વનજંગલોમાં ખાખ છાનવા લાગ્યા. સોમાં એક, આત્માની, અલખની, અખંડ આનંદની જાણ માટે એમની શોધમાં નીકળ્યા. ફૂલની પાછળ ભમરા પડયા, પણ યોગીનું-મસ્ત ફકીરનું-શું ઠેકાણું. આજ અહીં તો વળી કાલે કહીં! પણ ગરજુની દુનિયા ન્યારી છે. પરમાર્થ માટે ખોટી પાઈ ન આપનાર, સ્વાર્થ માટે સિર આપી દેનારા પડયા છે.
યોગીપુરુષ મનમાં વિચારે છે કે આ મૂર્ખ લોકો સહુને મૂર્ખ માનતા લાગે છે. જેનાથી જીવ લખચોરાશીના આંટા ફેરામાં પડે છે, જેને મેં એંઠા અન્નની જેમ છાંડયું, એ તમામ કચરો, કૂડો આ લોકોને જોઈએ છે! યોગી જો બીજાને ભોગી બનાવતો હોય, તો એનો યોગ શા કામનો? સહુ રાતે સૂતાં રહ્યાં અને મહાયોગી મધરાતે જંગલમાં ચાલ્યા ગયા, પણ સંસારનો નિયમ ઔર છે. જેમ માણસ દૂર દૂર ભાગે, તેમ એના તરફ આદર અને આકર્ષણ જાગે. બધાએ માન્યું કે નક્કી યોગી પાસે સુવર્ણસિદ્ધિ છે. હજી જરા વધુ સેવા-બરદાસ કરીએ. હજી વધુ પ્રસન્ન કરીએ! અજબ દુનિયા, અજબ તેરા ખેલ.
યોગીનો પીછો કરવો મુશ્કેલ હતો. ધીરે ધીરે થાકીને સહુ છૂટા પડી ગયા. પણ એક વાણિયો અને એક સોની એમ બે ન થાક્યા. આખરે એક દિવસ પીછો છોડાવવા યોગીએ કહ્યું, 'સુવર્ણસિદ્ધિનો મંત્ર બતાવું પણ પાંચ વ્રત પાળવાં પડશે.'
'કહોને બાપજી, પાંચ શું, દશ વ્રત પાળશું. કહો તો કાશી કરવત લઈશું. માથું મૂક્યા વગર માલ ઓછો મળે છે!'
યોગી કહે, 'જુઓ, વર્ષ-દિવસ સુધી આ મંત્ર જપજો ને ત્યાં સુધી તમારે પાંચ વ્રત-નિયમ લેવાના. કોઈની હિંસા ન કરવી, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, પારકી સ્ત્રી સામે ન જોવું અને ઘરમાં જરૂરથી વધુ સંગ્રહ ન કરવો. બોલો છે કબૂલ.'
આ સાંભળી સોની અને વાણિયો બંને બોલી ઊઠયા, 'બાપજી, આ તો નહીં પળાય. હા કહીએ અને કરીએ નહીં તો પાપ લાગે. અને વળી મંત્ર ન ફળે. એકાદ આપો તો બરાબર પાળીશું.'
'ભલે, જૂઠું ન બોલવું, જૂઠું ન તોળવું. એટલું કરજો.'
'ખમ્મા મારા નાથ. તલવારની ધારે આ નિયમ પાળીશું.' એમ કહીને પોતાના ગામ આવ્યા. આ વ્રત પણ કેટલું ભારે હતું તે સમજાયું. વર્ષ તો આંખ ઉઘાડીએ ત્યાં વીતી ગયું. એકાએક યોગીના આગમનના સમાચાર આવ્યા. વાણિયો અને સોની એમની વંદના કરવા ગયા. જઈને પગમાં પડયાં. યોગીએ પૂછ્યું, 'સુવર્ણસિદ્ધિ થઈ ને?'
'અરે બાપજી! થઈ, થઈ ને થઈ! અને જૂઠું બોલતા નથી અને જૂઠું તોળતા નથી, તેથી ખૂબ ઘરાકી થઈ. જ્યાં સુધી નહોતું ત્યાં સુધી મોહ હતો - હવે તો બીજા વ્રતનિયમ આપો, જેથી આ ભવ ને પરભવ ઉજળો કરીએ.'
સોની અને વાણિયો પાછા આવતાં ગામલોકોએ કહ્યું, 'અલ્યા, એકલા જ લોખંડનું સુવર્ણ કરશો? અમને પણ તરકીબ બતાવોને!' સોની અને વાણિયાએ તરકીબ બતાવી, પણ કેટલાક લોકોને વિશ્વાસ ન પડયો. સાચું બોલ્યે શ્રીમંત થવાતું હશે? કેટલાક સમજ્યા અને તે પ્રમાણે વર્તન કરવા લાગ્યા.
નદીનો તટ છે, વનની કુંજો લહેરાય છે. વચ્ચે એક મસ્ત અવધૂત ભજનનો સાગર લહેરાવે છે. એ ગાય છે, 'રામ કહો, રહેમાન કહો; કોઈ કાન કહો મહાદેવરી, પારસનાથ કહો કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી.' ભજનની ધૂન બરાબર હતી, ત્યાં તો ડંકાનિશાન ગડગડયા. ધમધમતા રથમાંથી ઉતરી રાજા અને રાણી ચાલ્યા આવતાં નજરે પડયા. યોગીપુરુષને રાજા શું કે રંક શું? એણે તો ભજન ચાલુ રાખ્યું. ભજન પૂરું થયું ત્યાં રાજા રાણીએ ગળગળે સાદે કહ્યું, 'સહુને મનવાંછિત આપો છો. અમારે રિદ્ધિ-સિદ્ધિ નથી જોઈતી, જોઈએ છે માત્ર સવાશેર માટી.'
'એ આપવાની શક્તિ મારી નથી. ચમત્કાર તો પ્રેમમાં છે. સાચમાં છે. સ્વભાવમાં છે. એ મારામાં જરૂર છે. જો મારામાં કોઈને જન્મ આપવાની તાકાત હોત તો કોઈને મરવા શું કામ દેત?'
'યોગીરાજ, એમ બહાના ન બતાવશો. આજ જો મંત્ર નહીં આપો તો પ્રાણ ત્યજી દઈશ.' રાણીએ આંસુ સાથે કહ્યું.
યોગીરાજે જોયું કે આ પીછો નહીં છોડે એટલે એક કાગળનો ટુકડો અને લેખણ માગી. એમાં કંઈક લખીને આપ્યું અને કહ્યું કે આનું તાવીજ બનાવીને રાણીને હાથે બાંધજે. પાંચ નિયમ પાળજે. હિંસા ન કરવી, જૂઠું ન બોલવું, સદાચારી થવું, વગર હકનું લેવું નહીં, જરૂરથી વધુ સંઘરો કરવો નહીં.
રાજા કહે, 'બાપજી, પહેલું અને છેલ્લું વ્રત કેમ કરીને પળાય? રાજાને તો દંડ દેવો પડે, ભંડાર ભર્યા રાખવા પડે.'
'રાજા, રાજનો ભંડાર અને રાજાનો ભંડાર બંને જુદી વાત છે. તારા પોતાના ભંડારની આ વાત છે. દુષ્ટને દંડ દેવો એ રાજધર્મ, પણ વગર વાંકે કોઈને હણવો-મારવો નહીં.'
રાજા-રાણી ઘેર આવ્યાં. વ્રત-નિયમ પાળવા લાગ્યા. કુદરતનું કરવું તે રાણીને ઓધાન રહ્યાં અને દીકરો અવતર્યો. રાજવૈભવનો વારસ મળ્યો. રાજા અને રાણી યોગીની જય જય બોલાવતા એમના દર્શને આવ્યા. યોગી તો દૂર જંગલમાં મસ્ત થઈને પડયા હતા. યોગીરાજે કહ્યું, 'પેલું માદળિયું લાવો.' માદળિયું ખોલી મંત્રાક્ષરવાળો કાગળ કાઢ્યો ને રાજાને કહ્યું, 'વાંચો.'
રાજાએ વાંચ્યું તો એમાં લખ્યું હતું, 'રાજા કી રાની કો લડકા હો, તો ભી આનંદધન કો ક્યા! ઔર રાજાકી રાની કો લડકા ન હો, તો ભી આનંદધન કો ક્યા!'
રાજા તો મંત્ર વાંચી સ્તબ્ધ બની ગયા. યોગીરાજે કહ્યું, 'સદાચાર અને સદ્વર્તન એ જ મોટા મંત્રસમાન છે. પ્રજાને તેં સારી રીતે રાખી એના શુભાશિષ ફળ્યા. સંસારનો મહામંત્ર યાદ રાખો કે, સારું ફળ મેળવવા સારાં કર્મ કરો. બાકી મંત્ર-તંત્ર, દોરા-ધાગાના ધતીંગમાં ન પડશો.'
ને યોગીએ ઊભા થઈને ચાલવા માંડયું. એમના મુખમાંથી નીકળ્યું, 'અબ હમ અમર ભયે, ન મરેંગે!' બધા લોકો એ અજબ યોગીને નમી રહ્યાં.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34Yvf6R
via IFTTT
Comments
Post a Comment