જયકિસનની વિદાય પછી પણ શંકરે બંને નામ ચાલુ રાખ્યાં, પરંતુ....


શંકર જયકિસનની પહેલાં હુશ્નલાલ ભગતરામની જોડી હતી. ફિલ્મ સંગીતનો સુવર્ણ યુગ શંકર જયકિસનથી શરૂ થયો એમ માનીને વાત કરીએ. શંકર જયકિસન પછી સંગીતકારોની બીજી અડધો ડઝનથી વધુ જોડીઓ આવી. કલ્યાણજી આનંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, આનંદ મિલિન્દ, નદીમ શ્રવણ, અમર ઉત્પલ, જતીન-લલિત,  સાજિદ વાજિદ વગેરે. શંકર જયકિસનની જોડી ૧૯૭૧માં ખંડિત થઇ એ પછી પણ શંકર કામ કરતા રહ્યા. એક બે નહીં, પૂરી પંચાવન ફિલ્મો શંકરે કરી. એ દરેક ફિલ્મના સંગીતમાં શંકર જયકિસન નામનો ઉપયોગ કર્યો.

જયકિસનની હયાતીમાં પણ બંને વચ્ચે થોડા મતભેદ થયા ત્યારે પણ બે નામ સાથે આવતા રહ્યાં. રામાનંદ સાગરની આરઝૂમાં માત્ર એક ગીત (રાધર કવ્વાલી) શંકરે રચી હતી છતાં બંનેનાં નામ પરદા પર પ્રગટ થયાં હતાં. એટલે જયની વિદાય પછી શંકરે બંને નામ ચાલુ રાખ્યાં એ સ્વાભાવિક ગણાય.

હવે જરા ધ્યાનથી વાંચજો. શંકર જયકિસન પછી આવેલી જે જોડીઓ ખંડિત થઇ એ પૂરેપૂરી ખંડિત થઇ. એકની વિદાય પછી હયાત રહેલા સંગીતકારે એક પણ ફિલ્મ કરી નહીં. એ દ્રષ્ટિએ પણ શંકર રઘુવંશી બીજા સંગીતકારો કરતાં જુદા પડે છે. જયકિસનની વિદાય પછી 'શંકરનો ધબડકો વળી ગયો' એમ કહેવું એ શંકરની પ્રતિભાને ઓછી આંકવા જેવું અડધું સાચું વિધાન છે. આવું લખનારા લેખકો કેટલાક મુદ્દા ચાતરી ગયા અથવા અજાણતાંમાં વિસરી ગયા એમ માનવું પડે. એ મુદ્દા આ રહ્યા.

સૌથી મહત્ત્વનો મુદ્દો એ કે રાજેશ ખન્ના પછી મેલોડીનો સમય લગભગ પૂરો થયો. ૧૯૪૫-૪૬થી શરૂ થયેલો સંગીતના સુવર્ણયુગનો સૂર્યાસ્ત શરૂ થયો. એમાંય પ્રકાશ મહેરાની જંજિરથી અમિતાભ બચ્ચનના એંગ્રી યંગ મેન 'વિજય' નામનું વાવાઝોડું આવ્યું. આ વાવાઝોડું એવું હતું કે સુવર્ણયુગની મેલેાડી વિસરાતી ચાલી. એ સમયે ભલભલા સંગીતકારો સંગીતના સુવર્ણ યુગનું પુનરાગમન કરી શક્યા નહીં. દલીલ ખાતર એમ કહી શકાય કે અમિતાભ બચ્ચનની ફિલ્મોમાં પણ થોડાંક મધુર ગીતો મળ્યાં. પરંતુ એ અપવાદ ગણાય. બાકી મોટા ભાગના સંગીતકારો ફરી સુવર્ણયુગ સર્જી શક્યા નહીં તો એકલા શંકરનો શો વાંક ! 

શંકરને ન્યાય કરવા કહેવું જોઇએ કે એણે ભરપુર પરિશ્રમ કર્યો. પોતાની સંપૂર્ણ શક્તિ  ખર્ચી  પરંતુ સમય બદલાઇ ગયો હતો. મેલોડીના સ્થાને પગથી ઠેકો અપાય એવા રિધમ પ્રધાન સંગીતની સાથોસાથ ઢિશૂમ ઢિશૂમનો યુગ શરૂ થઇ ગયો. મેલોડી વિદાય લઇ રહી હોય એવા વિપરીત સમયમાં શંકર જયકિસનના માનીતા ફિલ્મ સર્જકો પણ શંકરને એકસો સાજિંદા આપવાની ના પાડે એમાં કોઇ નવાઇ ખરી ? જો કે શંકરે શારદાના કંઠનો દુરાગ્રહ પડતો મૂક્યો હોત તો કદાચ રાજ કપૂરે શંકરને પડતાં ન મૂક્યા હોત. અલબત્ત, ઇતિહાસમાં 'જો' અને 'તો'ને સ્થાન હોતું નથી. બનવાકાળ બની ગયું.

અને છતાં, એટલું તો કહેવું પડે કે શંકર હિંમત હાર્યા નહોતા. એમણે પોતાની રીતે સરસ ગીતો આપવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતો. એક સાવ નાનકડો દાખલો આપું. શંકર જયકિસને કુલ ચારથી પાંચ રાખી ગીતો આપ્યાં. છોટી બહનના ભૈયા મેરે રાખી કે બંધન કો નીભાના... જેવાં ચાર-પાંચ રાખી ગીતોમાં બે રાખી ગીતો શંકરનું સર્જન છે. 'યે રાખી બંધન હૈ ઐસા, જૈસ ચંદા ઔર કિરન કા, જૈસે બદરી ઔર પવન કા...' (ફિલ્મ બેઇમાન-૧૯૭૨)  અને 'બહનાને ભાઇ કી કલાઇ સે, પ્યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે, સંસાર બાંધા હૈ રેશમ કી ડોરી સે...' (ફિલ્મ રેશમ કી ડોરી ૧૯૭૪) 

જયકિસનની વિદાય પછી આ રાખી ગીતો રચાયાં હતાં એ યાદ રહે એટલે કે એ શંકરનું સર્જન હતાં. પરંતુ, વાવાઝોડામાં જેમ નાનાં નાનાં વૃક્ષો જડમૂળથી ઊખડી જાય એમ શંકરનાં ગીતો પણ વિસરાતાં ગયાં. 

દરમિયાન, એવો સમય પણ આવ્યો જ્યારે માત્ર લતા, આશા અને કિશોર કુમાર ટકી રહ્યા હતા. મૂકેશ કે રફી રહ્યા નહોતા. નવા ગાયકોનો ફાલ આવી રહ્યો હતો. એવા ગાયકો કાં તો વોઇસ ઑફ મુહમ્મદ રફી કે વોઇસ ઑફ કિશોર કુમાર જેવા હતા. આટલી મર્યાદા ધ્યાનમાં રાખીને શંકર રઘુવંશીએ આપેલાં થોડાંક ગીતોની હવે પછી વાત કરવાની  ઇચ્છા છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Lb4PrG
via IFTTT

Comments