બંગાળમાં મારકણા ફરે મોકળા અને મમતા માગે ઢોકળા


પશ્ચિમ બંગાળમાં મમતા દીદીના રાજમાં મારકાટ ચાલ્યા કર ેછે. હિંસાચાર, અનાચાર, ભષ્ટાચાર અને દુરાચારે માઝા મૂકી છે. રાજકીય વિરોધીઓને રહેંશી નાખી કેટલાયના શબ ઝાડ પર લટકાવવામાં આવે છે. ભારતીય જનતા પક્ષના લગભગ દોઢસોથી વધુ કાર્યકરોના ઢીમ ઢાળી દેવામાં આવ્યા છે. ગુરુદેવ ટાગોરે જયાં શાંતિનિકેતનની સ્થાપના કરી હતી એ બંગાળમાં ચૂંટણી પહેલાં અ-શાંતિનિકેતનના દર્શન થાય  છે. ફરતા અને વિ-ફરતા રહેતા મમતા દીદીના ગઢમાં ગાબડા પાડવા માટે કમળ પાર્ટીએ પૂરેપૂરી તાકાત અજમાવવાની શરૂઆત કરી દીધી છે. ગૃહ પ્રધાન અમિત શાહે થોડા દિવસ પહેલાં જ પશ્ચિમ બંગાળમાં રેલી યોજી એટલે દીદીના પગ નીચે રેલો આવ્યો.

 ગૃહ પ્રધાને કહ્યું કે મારકણાઓને છૂટો  દોર આપ્યો છે એવાં મમતા રાજમાં વિકાસને બદલે વિનાશનો જ નઝારો જોવા મળે છે. આ સાંભળી ક્રોધથી તમતમતા અને ધૂંઆપૂંઆ થઇ સ્લીપર પહેરી ભમતા મમતાએ પત્રકારો સામે ઊંચા અવાજે દાવો કર્યો કે ' કોણ કહે છે પશ્ચિમ બંગાળમાં વિકાસ નથી થયો ? ગૃહ પ્રધાન અમિત શાહે સાવ ખોટી માહિતી આપી, એટલે હવે તેમણે મને ઢોકળા પાર્ટી આપવી પડશે ઢોકળા પાર્ટી, સમજી  ગયાને ?' રસગુલ્લાનો બંગાળીમાં ઉચ્ચાર  ''રોશગુલ્લા'' કરવામાં આવે છેને ? એટલે જ બેફામ નિવેદનો કરવામાં  અને વિરોધીઓ પર રોષ -ગુલ્લા ઠાલવવામાં દીદી પાછું વાળીને નથી જોતા. એટલે જ કહેવું પડે કે:

બંગાળમાં મારકણાં ફરે મોકળા

અને મમતા દીદી માગે ઢોકળા

'સુદખોર' સેવકે સુદમાં મેળવી શુભકામના

સુદખોર શાહુકાર એટલે વ્યાજખોર શાહુકારો ઉધાર આપેલા નાણાં પર ગરીબોનું લોહી ચૂસીને વ્યાજ વસૂલ કરતા. ગામડામાં, ગરીબો મંગળસૂત્ર કે દાગીના ગીરવે મૂકી પૈસા લઇ જતા. પછી તો ઊછીના લીધેલા પૈસા ચૂકવી ન શકે એટલે શાહુકાર જ દાગીનાનો ધણી થઇ બેસતો.  'મધર ઇન્ડિયા'માં સુદખોર સુખીલાલનું અમર પાત્ર ભજવનારા અભિનેતા કનૈયાલાલને કોણ ભૂલી શકે ? પણ આજે કોઇ સુદખોર શાહુકારની નહીં. પણ સુદ-ખોર સેવકની વાત કરવી છે. લોકડાઉન વખતે શહેરોમાં અટવાયેલા હજારો પરપ્રાંતીયોને પોતપોતાને ગામ પહોંચાડનારા સોનુ સુદ આજે ભગવાનની જેમ પૂજાવા લાગ્યા છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા વખતે અનેક મંડપોમાં સોનુ સુદની માટીની મૂર્તિઓના દર્શન થયા હતા. ત્યાર પછી તાજેતરમાં તેલંગણાના સિધ્ધપેઠ જિલ્લામાં ડબાથાંડા ગામે સોનુ સુદનું નાનું  મંદિર બાંધવામાં આવ્યું છે. સ્થાનિક મૂર્તિકાર મધુસુદન પાલે ઘડેલી સોનુ સુદની અર્ધપ્રતિમાની તાજેતરમાં જ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સોનુંની પ્રશસ્તીમાં મહિલાઓએ ગીતો લલકાર્યા હતા. ગીતોમાં એવો ભાવ વ્યકત કરવામાં આવ્યો  હતો કે ' હે દેવસમાન દેવદૂત તે માતાઓનું પુત્ર સાથે, પત્નીઓનું પતિ સાથે, સંતાનોનું પિતા સાથે અને બહેનોનું ભાઇઓ સાથે કપરા કાળમાં મિલન કરાવ્યું એ માટે તારો જય જય કાર હો..... અગાઉના શાહુકારો સોનું ગીરવે રાખીને વ્યાજ (સુદ) વસૂલ કરતા હતા  જયારે  ઓ સોનુ તો 'સુદરૂપે'  શુભકામના જ મેળવે છે.'

ગામમાં કોઇ પરણતું નથી અને કોઇ ઘરમાં પલંગ નથી

આ દેશમાં અગણિત ગામો એવાં છે જયાં લોકોની આશ્ચર્ય પમાડે એવી માન્યતાઓ કાયકાઓથી ઘર કરી ગઇ છે. લોકડાઉનમાં લગ્નો ન થયા અથવા તો ઓછા થયા એ સમજી શકાય. પણ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં એક ગામડું એવું છે  જયાં કોઇ દિવસ લગ્ન યોજાતા જ નથી. ભોળા ગ્રામજનો માને છે કે દેવીમાતાના પુનર્વિવાહ થયા નહોતા એટલે ગ્રામજનોએ પણ ગામડામાં લગ્ન  ન કરવા જોઇએ. એટલે પરણવા લાયક યુવક-યુવતીના લગ્નો આજુબાજુના ગામડામાં કરવામાં આવે છે. પણ ચૌંડાળા નામના ગામડામાં કોઇ લગ્ન સમારંભ થતો  નથી. બીજુ દેવી માતા પલંગ ઉપર વિશ્રામ કરે છે. એટલે દેવીના ભકતોએ માતાજીની બરોબરી નકરવી જોઇએ. એટલે ગામડામાં કોઇના ઘરમાં પલંગ નથી. બધા ફર્શ ઉપર ગાદલા પાથરીને જ સૂવે છે. લોકોની કેવી શ્રધ્ધા કહેવાય ? કયારેય લગ્નની શરણાઇના જયાં સૂર ન સંભળાય અને કોઇ ઘરમાં પલંગ ન દેખાય એ જોઇને કેવું આશ્ચર્ય થાય ?

લોકડાઉન બ્રાન્ડનેમ ?

કોરોના મહામારીનો મુકાબલો કરવા દેશ અને દુનિયામાં લોકાડાઉન બાદવામાં આવતા જનજીવનને  બ્રેક લાગી ગઇ. ટ્રેન, બસ, પ્લેનનો વ્યવહાર થંભી ગયો, માર્કેટો અને મોલ બંધ થઇ ગયા અબજોનું આર્થિક નુકસાન થયું પણ અગણિત લોકોના જીવ બચાવવામાં લોકડાઉનનો ઉપાય કારગત નીવડયો. મહિનાઓ સુધી ઘરમાં  પુરાઇ રહેલા લોકોની જીભે એક જ સવાલ સંભળાતો કે લોકડાઉમાં કયારે છૂટછાટ મળશે ? લોકડાઉન કયારે ઉઠાવી લેવાશે ? લોકડાઉન..... લોકડાઉન અને બસ લોકડાઉન શબ્દ  એટલો બધો ચલણી બની ગયો કે લોકડાઉનનો  બ્રાન્ડનેમ તરીકે ઉપયોગ કરવા માટે કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્કસ ઇન ઇન્ડિયાના સત્તાવાર પોર્ટલ પર એક પછી એક અરજીઓ આવવા માંડી. સ્પોર્ટ્સ  ગુડ્સ, રેડિમેડ ગાર્મેન્ટ્સ, પગરખા, જંતુ નાશક દવા,  ચા કોફી તેમજ આલ્કોહોલયુકત અને આલ્કોહોલમુકત પીણાના ઉત્પાદકોએ લોકડાઉન બ્રાન્ડનેમ માટે અરજીઓ કરી છે. સહુએ લોકડાઉનના વસમાં સમયનો અનુભવ કર્યો છે. એટલે બ્રાન્ડનેમ તરીકે લોકડાઉન નામ કાને પડે કે નજરે પડે કે તરત જ સંબંધિત  બ્રાન્ડ યાદ રહી જાય. બસ એટલે જ લોકડાઉન બ્રાન્ડનેમ મેળવવા પ્રયાસ થઇ રહ્યાં છે. લોકડાઉનના શબ્દમાંથી ભલે નકારાત્મક સૂર નીકળતો હોય પણ એ શબ્દ ફાયદો કરાવે ત્યારે હકારાત્મક જ ગણાયને ? એટલે જ પંચલાઇના કહી શકાય:

લોકાડાઉન મેં સબ-લોગ

ડાઉન હુએ

સુને શહેર, ગાંવ ઔર

ટાઉન હુએ

અબ અનલોક કે બાદ

જમા હુએ 'લોકડાઉન' કે લીયે.

કાયદાના રખેવાળ ઘૂમ્યા આરીપીની કારમાં

રસ્તા પર એકએકથી ચડિયાતી મોંઘી મોરટકારો દોડતી જોવા મળે છે. હવે તો શહેરોમાં દેશી - વિદેશી મોંઘીદાટ મોટરો તરફ જોવાની  પણ કોઇ પરવા નથી કરતું પરંતુ ઉત્તરાખંડના મસૂરી ખાતે લોકઅદાલત (કેમ્પ-કોર્ટ)માં હાજરી આપવા માટે ડિસ્ટ્રીકટ જ્જ આલીશાન કારમાં પહોંચ્યા ત્યારે જોનારાની આંખો ચાર થઇ ગઇ  હશે. હાઇ કોર્ટે ગેસ્ટ-હાઉસની બહાર  પાર્ક કરેલી ઓડી કાર અને 'ડિસ્ટ્રીકટ જ્જ'નું પાટિયું ઝુલતું જોઇને કોઇના મનમાં સવાલ ઉઠયો કે જ્જ સાહેબ તેમની ઓફિશિયલ કારને બદલે આવી મોંઘી કારમાં કેમ આવ્યા હશે. ? તરત  તપાસના ચક્રો ગતિમાન કરવામાં  આવતા ખબર પડી કે જ્જ સાહેબ એક છેતરપિંડી, ફોર્જરી અને ગુનાહિત ઇરાદે ષડયંત્ર રચવાના આરોપનો સામનો કરતા એક પૈસાપાત્ર આરોપીની કાર લઇને આવ્યા હતા. એક અંગ્રેજી દૈનિકના અહેવાલ પ્રમાણે ઉત્તરાખંડ હાઇ-કોર્ટે તત્કાળ પગલાં લઇને જ્જને સસ્પેન્ડ કરી નાખ્યા અને બીજે બદલી કરી નાખી. કાયદાના રખેવાળ ઉઠીને જયારે આરોપીના વાહનમાં ફરે ત્યારે બીજું શું કરે ? ઊછીની ગાડીમાં રૂઆબ પાડવા જતા જ્જ સાહેબને સહન કરવું પડયું. એટલે જ આલીશાન ગાડીની સફર યાદ કરીને મનોમન ગણગણતા હશે:  

ગાડી બુલા રહી હૈ

ગાડી રૂલા રહી હૈ

પંચ - વાણી

પતિવ્રતા નહી પણ આપત્તિ-વ્રતા કોને

કહેવાય ખબર છે ? આઠ મહિના જે

ધણીને રાખે ધાકમાં અને શિયાળામાં

ધણીને રાખે જાત-જાતના પાકમાં.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38JpI56
via IFTTT

Comments