અસત્યમાંથી સત્ય નોખું પાડવાનું કામ ધાનમાંથી કસ્તર નોખા પાડવા જેવું નથી, કસ્તરમાંથી ધાન શોધવા જેવું છે. બહુ જ કપરું છે આ કામ. બહુ નસીબદાર હોય છે એ પત્રકારો જેને અવોર્ડ મળે છે. અન્યથા મોટા ભાગે સત્ય ઉજાગર કરનારા પત્રકારોને જેલભેગા કરવામાં આવતા હોય છે. કારણ કે તેઓ જનતાને વાસ્તવિક દૃશ્ય બતાવીને શાસકોએ ઊભી કરેલી સ્વપ્નિલ છબિ ફોડવાનું કામ કરતા હોય છે. આમ તો દુનિયાની બહુધા સરકારોને પત્રકાર સામે વાંધો હોય છે, પણ જ્યાં શાસકોની સત્તા અમર્યાદ હોય, જ્યાં તાનાશાહી હોય ત્યાં પત્રકાર નામની પ્રજાતિને જરા પણ પસંદ કરવામાં આવતી નથી.
કોણ છે આ પત્રકાર. એ વ્યક્તિ જેને તેના શહેર, તેના ગામ, તેના વતન પ્રત્યે ગાંડો પ્રેમ હોય છે. જે તેને માશુકાની જેમ ચાહતો હોય છે. પોતાના શહેર, ગામ, રાજ્ય કે દેશમાં આવતી આફતોથી, ત્યાં ચાલતી ગેરરીતિથી તેને નફરત હોય છે. ઘણી વખત પત્રકાર જનતા અને સરકાર બંનેનો અળખામણો બની જાય છે. કારણ કે તેના સત્ય બોલવાથી જનતાની મીઠી નિંદર ઊડી જાય છે. મીઠી નિંદર ઊડે એ કોને ગમે ભલા. શાસકોનો અસલી ચહેરો અનમાસ્ક કરી દેવાને કારણે તે તેમને પણ અપ્રિય હોય છે. જ્યારે વાત ચીન કે સાઉદી અરેબિયા જેવા દેશોના સત્તાધીશોની હોય ત્યારે ખાસ.
વુહાન નામની નગરીમાં પેદા થયેલા રાક્ષસે આખી દુનિયાને રંજાડી તેનું સત્ય બહાર લાવવાની કોશિશ કરી ચીનની એક મહિલા પત્રકારે. આ મર્દાની મહામાનુનીનું નામ ઝાંગઝાન. ચીનની સરકારે તેને કોર્ટકેસમાં ફીટ કરીને ચાર વર્ષની જેલની સજા ફટકારી દીધી છે. ભારત જેવા લોકશાહી દેશમાં પણ નેતાઓને પત્રકાર સાચું બોલે, સાચું લખે એ પસંદ નથી તો ચીન જેવા તાનાશાહી સામ્રાજ્યમાં તો આટલી સ્વતંત્રતા કેમ કરીને સાંખી લેવાય.
ચીનમાં પણ કેટલાક મરદના ફાડિયા પડેલા છે. ચીનમાં જ્યારે કોરોના ડેથ ડાન્સ આરંભાઈ ચૂક્યો હતો અને બાકીની દુનિયા તેનાથી અજાણ હતી એવે સમયે તેમણે હિંમતપૂર્વક રીપોર્ટિંગ કરી સાચી તસવીર દુનિયા સમક્ષ પ્રસ્તુત કરી હતી. ઝાંગે ચીનની સુમસામ સડકો અને દરદીઓથી ઊભરાતી હૉસ્પિટલની તસવીરો સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયામાં વહેતી કરેલી.
ચીનમાં કોરોનાથી મોતનાં જે આંકડા આવે છે તે બિલકુલ ખોટા છે. જે થોડું ઘણું બહાર આવ્યું છે તે ઝાંગ ઝાન જેવા બાહોશ પત્રકારોને આભારી છે. ચીનની સરકાર કોરોના મહામારી હેન્ડલ કરી શકી નહોતી. તેને ખબર હતી કે પેપર ફૂટી જશે. તેને ખબર હતી કે તેમની બેદરકારી છતી થઈ જશે. સત્ય લીક થઈ જશે. આથી અધિકારીઓએ પહેલેથી જ ડૉક્ટર્સ અને વ્હીસલ બ્લોઅર્સને ચેતવી દીધા હતા. માપમાં રહેજો. નહીં તો વિખાઈ જશો એવા જ મતલબની ધમકી મેન્ડેરિન ભાષામાં આપવામાં આવી હતી.
આ લોકોને દબાવી દેવાના કારણે જે સત્ય સમયસર બહાર આવ્યું નહીં અને દુનિયામાં ૧૭ લાખથી વધુનો ભોગ લેવાઈ ગયો. આઠ કરોડ લોકો બીમાર પડયા. હજી પણ આ મહામારી અટકવાનું નામ લઈ રહી નથી. ઝાંગની ધરપકડ બાદ તેને આઠ મહિના સુધી હિરાસતમાં રાખવામાં આવી. તેની સામે શાંઘાઈની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી એ સમયે તેના હિંમતવાન સમર્થકો કોર્ટની બહાર એકઠા થઈ ગયા અને નારેબાજી કરવા લાગ્યા. ઝાંગે મહામારીના મિસ મેનેજમેન્ટ સામે બળવો પોકારી યુટયુબ પર કેટલાક વીડિયોઝ અપલોડ કરેલા. જેમ કે સ્થાનિક નાગરિકોના ઇન્ટરવ્યૂ, પોતાની કોમેન્ટ્રી, અગ્નિ સંસ્કારગૃહોનો વીડિયો, રેલવે સ્ટેશન, હૉસ્પિટલ, વુહાન ઇન્સ્ટિટયુટ ઑફ વાયરોલોજીનો વીડિયો.
હિરાસતમાં લેવામાં આવ્યા પછી તેણે ભૂખ હડતાળ શરૂ કરી. તેના વકીલે કોર્ટમાં ફરિયાદ કરી કે પોલીસે તેને ટયુબના માધ્યમથી ફરજિયાત ખોરાક આપ્યો. ડિસેમ્બર સુધીમાં તેની તબિયત ખરાબ થઈ ગઈ. જેમ કે માથાનો દુઃખાવો, પેટનો દુઃખાવો, ચક્કર, લો બીપી, ગળાનો ચેપ. આ ફરિયાદની કોર્ટ પર કોઈ અસર થઈ નહીં.
વકીલે કેસના લાઇવ સ્ટ્રીમીંગની પણ માગણી કરી. ચીન સરકારની કઠપૂતળી સમાન કોર્ટે તે માગણી પણ ફગાવી દીધી. ઝાંગને સજા થઈ તેનાથી દેશ-દુનિયાના પત્રકારોમાં, લેખકોમાં, વાણી સ્વાતંત્ર્યના હિમાયતીઓમાં આક્રોશની લાગણી જન્મી છે. ઝાંગની જેમ ફાંગ બિન, ચેન કુઈશી અને લી જેહુઆ જેવા પત્રકારોને પણ પકડવામાં આવેલા. ફાંગ હાલ ક્યાં છે તેની કોઈ જાણકારી નથી. લી એપ્રિલમાં યુટયુબ વીડિયોમાં જોવા મળેલા અને તેમણે કહેલું કે મને પરાણે ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવેલો. ચેનને બાદમાં છોડી મૂકવામાં આવ્યો. તે ડરી ગયો હોવાથી કંઈ બોલવા તૈયાર નથી.
આઇએફજીના રીપોર્ટ પ્રમાણે દર વર્ષે દુનિયામાં ૪૦ પત્રકારોની હત્યા થાય છે. આ રેકોર્ડેડ આંકડા છે. અનરેકોર્ડેડ આંકડાની તો વાત જ ન થઈ શકે. છેલ્લા ત્રણ દાયકામાં દુનિયામાં ૨,૬૫૮ પત્રકારોની હત્યા થઈ છે. ૨૦૧૮માં તુર્કી ખાતે સાઉદી અરેબિયાના દૂતાવાસમાં જમાલ ખશોગીની હત્યા કરી નાખવામાં આવી હતી.
આઇએફજે દર વર્ષે પત્રકારો માટે સૌથી ખતરનાક દેશોની યાદી બહાર પાડે છે. છેલ્લા ત્રણ વર્ષથી મેક્સિકો આ યાદીમાં ટોચ પર છે. ૨૦૨૦માં ત્યાં ૧૩ પત્રકારોની હત્યા થઈ. મેક્સિકોના ચિયુદાદ હુઆરેજમાં ૨૯મી ઓક્ટોબર ૨૦૨૦ના રોજ મલ્ટી મેડિઓસ ચેનલ સિક્સના ન્યુઝ એન્કર આર્તુરો આલ્વાની બંદૂકધારીઓએ હત્યા કરી નાખેલી. બીજા નંબર પર પાકિસ્તાન આવે છે. ૨૦૨૦માં ત્યાં પાંચ પત્રકારોની હત્યા થઈ. સઈદ શેખે અમેરિકી પત્રકાર ડેનિયલ પર્લની હત્યા કરી નાખેલી. શેખને પ્રારંભમાં મોતની સજા જાહેર કરવામાં આવેલી, બાદમાં તેને પલટી નાખવામાં આવી.
ભારતમાં ૨૦૨૦માં ત્રણ પત્રકારોની હત્યા થઈ. બહુ ખેદ સાથે કહેવું પડે છે કે આ બાબતમાં આપણે અફઘાનિસ્તાન, ઇરાક અને નાઇજિરિયા સાથે એક પંગતમાં બેસીએ છીએ. ૨૦૧૭માં ગૌરી લંકેશની હત્યાએ ભારે ઉહાપોહ સર્જેલો.
આઇએફજે વદે છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં પત્રકારોની હત્યાના બનાવોમાં ખાસ ઘટાડો થયો નથી. અફઘાનિસ્તાનમાં ૧૦મી ડિસેમ્બર ૨૦૨૦ના રોજ મલાલાઈ મેવાન્દ નામની મહિલા પત્રકારની હત્યા થયેલી. પત્રકારોના જવાથી કોને લોસ છે? જે-તે સ્થાનની જનતાને. પત્રકારની હત્યા મતલબ જનતાના અવાજની હત્યા. જો જનતા સ્વયંભુ પત્રકારની રક્ષામાં ઊભી નહીં થાય તો એક વખત એવો આવશે કે જનતાને પોતાની પીડા દર્જ કરાવવી હશે, પણ તે દર્જ કરનારું, તેમની ચીસ નોંધનારું કોઈ અખબાર કે કોઈ ચેનલ નહીં હોય.
પત્રકાર ગાંડો હોય છે કે બિઝનેસ કરવાને બદલે સત્ય ઉજાગર કરવાના ધંધામાં ઝંપલાવે છે. જો સત્ય જાણવાની જરાક પણ ખેવના હોય તો તેના આ પાગલપનને પ્રોત્સાહન આપવું જોઈએ. કોરોના મહામારીએ પત્રકારત્વની મહત્ત્વ વધારે સારી રીતે સમજાવી દીધું છે. યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ ઓડ્રી અજુલેએ કહ્યું કે, પત્રકાર સત્યને લોકો સુધી પહોંચાડવાનું કામ તો કરે જ છે. સાથોસાથ સત્ય અને અસત્યને અલગ કરવામાં અમારી મદદ પણ કરે છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hz4FGC
via IFTTT
Comments
Post a Comment