મુંબઈ તા. 29 ડિસેમ્બર, 2020, મંગળવાર
વર્ષ પૂરુ થવાને આરે છે ત્યારે પ્રવાસીઓના મનપસંદ સ્થળોએ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ ધસારાને કારણે અહીં આવેલી હોટલોની રૃમના દરોમાં પણ તોતીંગ વધારો નોંધાયો છે.
મહાબળેશ્વર, ગોવા અને લોનાવલા જેવા ટૂરીસ્ટ સ્થળોએ હોટલોની રૃમોના દરમાં દિવાળી પછીના દિવસો કરતા ૪૦થી ૫૦ ટકા વધી ગયા છે. એટલું જ નહિ પણ આ દરો કોવિડકાળ શરૃ થયો એના અગાઉ જેટલા થઈ ગયા છે.
પુણે સ્થિત ટ્રાવેલ કંપનીઓ જણાવે છે કે પ્રવાસીઓના ભારે ધસારાને કારણે હોટલોએ ડિસ્કાઉન્ટ આપવાનું બંધ કર્યું છે. ઉપરાંત નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓ આ સ્થળોેએ વિશેષ ધસારો કરતા હોવાથી અહીં રૃમોના દરમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
એક ટ્રાવેલ કંપનીના પ્રવક્તાએ જણાવ્યુ કે દિવાળીના દિવસો દરમ્યાન મહાબળેશ્વરમાં પંચતારક હોટલમાં રૃમના દર રૃા. ૧૨,૦૦૦ પ્રતિ દિન હોય છે જેના હવે રૃા. ૧૬,૦૦૦થી ૨૦,૦૦૦ લેવામાં આવે છે. એ જ પ્રમાણે અલીબાગમાં સારી હોટલમાં ગયા સપ્તાહે રૃમના દર રૃા. ૯,૦૦૦ હતા જેના હવે ૧૧,૦૦૦ લેવામાં આવે છે. અહીં પંચતારક હોટલના દર ૨૪,૦૦૦ હોય છે. જો કે દિવાળી દરમ્યાન અહીં પંચતારક હોટલના દર માત્ર ૧૪,૦૦૦ હતા.
ટ્રાવેલ કંપનીઓના મતે ૨૦મી ડિસેમ્બરથી જ પ્રવાસીઓની પસંદગીના બીચ અથવા તો હિલ સ્ટેશન પર આવેલા ટૂરીસ્ટ સ્થળો ખાતે તમામ હોટલો ફૂલ થઈ ગઈ છે. અહીં રૃમના દરો કોવિડકાળ શરૃ થયો એના અગાઉ જેટલા થઈ ગયા છે. મોટાભાગની વિખ્યાત હોટલોમાં ૩૦મી કે ૩૧મી ડિસેમ્બર માટે કોઈ રૃમ ખાલી નથી.
એક ટ્રાવેલ કંપનીના પ્રવક્તાએ આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું કે હાલ કોવિડકાળ દરમ્યાન રાજ્ય સરકારે અમુક પ્રતિબંધો લાદેલા હોવાથી સારી હોટલોમાં રૃમના દર વધી ગયા છે. રાજ્ય સરકારના નિયમો મુજબ હોટલોએ અમુક નિયમો પાળવાના હોય છે. હોટલોના સ્ટાફે સ્વચ્છતાના નિયમ તેમજ પ્રવાસીઓ સામાજિક અંતરના નિયમ પાળે એનું ધ્યાન રાખવાનું હોય છે. ઉપરાંત પ્રવાસીઓ પણ કોવિડના ભયને કારણે માત્ર સારી હોટલો જ પસંદ કરી રહ્યા છે. એથી આવી હોટલોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત આવી હોટલોની નીતિ મુજબ પ્રવાસીઓનો ધસારો હોય તો રૃમના દરમાં વધારો કરવામાં આવે છે. એથી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આ હોટલોના દરમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે.
વળી રાજ્ય સરકારે નવા વર્ષની ઉજવણી માટે રાતના ૧૦ વાગ્યાની ડેડલાઈન નક્કી કરી છે. આ નિયમ મહાબળેશ્વર અને પંચગીની જેવા ટૂરીસ્ટ સ્થળે પણ લાગુ પડશે. એથી પ્રવાસીઓ મોટું મેદાન હોય એવી હોટલ અથવા તો રિસોર્ટ પર પોતાની પસંદગી ઉતારી રહ્યા છે. આથી આવી હોટલોના દરમાં બેફામ વધારો નોંધાયો છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rGAjXa
via IFTTT
Comments
Post a Comment