મુંબઇ,તા.30 ડિસેમ્બર, 2020, બુધવાર
કોરોના મહામારીનો ઉપદ્રવ શરૃ થયા પછી છેલ્લા ૧૩ મહિનાથી ચીનના જુદુ જુદા બંદરો પાસે ૭૪ માલવાહક જહાજો અટવાયેલા છે. આ જહાજોના ૧૫૦૦થી વધુ ખલાસીઓ અને કર્મચારીઓમાં અનેક ભારતીયોનો સમાવેશ થાય છે. એક વર્ષથી વધુ સમયથી દરિયામાં અટવાયેલા રહીને એક ભારતીય ખલાસીએ ધીરજ ગુમાવીને કાંડાની ધોરી નસ છરીથી કાપી નાખી હતી સમયસર સારવાર આપીને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
ચીનના બંદરની બહાર લાંગરેલા 'એમ. વી. એનાસ્તેસિયા' જહાજના ૪૭ વર્ષના ખલાસીને જયારે ખબર પડી કે વતનમાં તેની પત્ની અને બે પુત્રોને કોરોના થયો છે. ત્યારે તેણે શિપના કેપ્ટનને ઘરે જવા દેવાની પરવાનગી આપવા વારંવાર વિનંતી કરી હતી. પણ તેની કંપનીએ છૂટ ન આપતા આખરે તેણે આવેશમાં આવીને છરીથી કાંડાની નસ કાપી નાખી હતી.
જહાજના નેવિગેશન ઓફિસર ગૌરવસિંહે કહ્યું હતું કે 'સદ્ભાગ્યે આ ખલાસીને સમયસર સારવાર આપીને બચાવી લેવામાં આવ્યો હતો. અમે બધા ૧૩ મહિનાથી દરિયામાં સલવાયેલા રહીને કંટાળી ગયા છીએ' ઓસ્ટ્રેલિયાથી કોલસો ભરીને આવેલા આ જહાજને ચીની સત્તાવાળા બંદર ઉપર કોલસો ઠાલવવાની હજી પરવાનગી નથી આપી.
આવી જ રીતે એમવી જગ-આનંદ જહાજ ચીનની જળસીમામાં જિંગતાંગ બંદર પાસે અટવાયું છે. આ જહાજમાં ૨૩ ભારતીય ખલાસીઓ છે.
ચીનના સત્તાવાળાએ જણાવ્યું કે કોરોનાના ઉપદ્રવને ધ્યાનમાં લઇ આ જહાજોને કિનારે લાવવાની મંજૂરી નથી અપાઇ તો પછી રશિયા, કેનેડા અને યુરોપના દેશોના જહાજોને કેમ બંદરમાં પ્રવેશી માલ ખાલી કરવાની પરવાનગી આપવામાં આવી છે ? એવો સવાલ ભારતીય કર્મચારીઓએ કર્યો છે.
ગજાનન ટંડેલ નામના કર્મચારીએ જણાવ્યું હતું કે જેલ કરતાં પણ અમારી બદતર સ્થિતે છે. જેલમાં જરૃર પડયે દવા અને સારવાર પણ મળે છે અને કયારે છૂટકારો થશે એ પણ નક્કી હોય છે. પણ જહાજ પરથી અમને કયારે જમીન ઉપર પગ મૂકવા મળશે તેની મુંબઇ ખબર નથી પડતી.
એમ. વી. એનસ્તેસિયાનો એક ક્રુ મેમ્બર ગોવાનો છે. તેની માતા મૃત્યુ પામી છે. શિપના કેપ્ટન ઇ. અલ્વાટીસના સસરા કોરોનામાં મૃત્યુ પામ્યા છે. અશ્વિન ટંડેલની પત્નીએ વતનમાં બાળકીને જન્મ આપ્યોએ વખતે પણ તે પહોંચી નથી શકયો આ સહુના પરિવારજનો છેલ્લો એક વર્ષથી ભારે ચિંતામાં છે. સમુદ્રમાં અટવાયેલા ખલાસીઓ માટે એક એક દિવસ એક એક ભવ જેવો લાગે છે.
ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઉભા થયેલા ખટરાગને લીધે ચીની સત્તાવાળા ઓસ્ટ્રેલિયાથી કોલસો ભરીને આવેલા જહાજને બંદરમાં પ્રવેશવાની મંજૂર નથી આપતા આ જહાજોના ૧૫૦૦થી વધુ કર્મચારીઓએ તેમને માનવતાના ધોરણે મુકત કરવામાં આવે એવી જાહેર અપીલ કરી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34WES5X
via IFTTT
Comments
Post a Comment