- યુવાધન સહિતના મોટેરાઓએ રાત્રે બારના ટકોરે આનંદ, ઉમળકાભેર નવા વર્ષની વધાવી લીધું
સુરેન્દ્રનગર તા.૩૧
સમગ્ર દેશ સાથે રાજ્યમાં ગઈકાલે વર્ષ ૨૦૨૦ને લોકોએ અંતિમ વિદાય આપી હતી અને આજે વર્ષ ૨૦૨૧નો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે ગત વર્ષ સમગ્ર વિશ્વ સાથે દેશ અને ગુજરાત માટે ખુબ જ પડકારજનક નીવડયું હતું અને ગત વર્ષમાં વિશ્વમાં અનેક મુસીબતો અને મહામારીનો લોકોએ સામનો કર્યો હતો ત્યારે આજથી શરૂ થતું નવું વર્ષ તમામ લોકો માટે સુખકારી નિવડે તેવી ઉમંગ અને આશા સાથે લોકોએ નવા વર્ષમાં વધામણા કર્યા છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર વિશ્વ સાથે ભારત અને ગુજરાતમાં પણ ગત વર્ષ ૨૦૨૦ ખુબ જ આપત્તીજનક અને મુશ્કેલીભર્યું સાબીત થયું હતું જેમાં ગત વર્ષે ખેડુતોને ઓછા ભાવો, ખેતરોમાં નુકશાન, અતિવૃષ્ટિ સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો જ્યારે બીજી બાજુ વૈશ્વિક કોરોનાની મહામારી સામે પણ ગુજરાતીઓ સહિત ઝાલાવાડવાસીઓએ લડત આપી હતી જેમાં કોરોનાકાળ દરમ્યાન લોકડાઉનમાં અંદાજે ત્રણ થી ચાર મહિના લોકોને ઘરમાં રહેવું પડયું હતું તેમજ કોરોનાની મહામારીના કારણે વેપારીઓ, દુકાનદારો સહિત શૈક્ષણિક સંસ્થાઓને પણ હાલાકી પડી રહી હતી જ્યારે વર્ષ ૨૦૨૦માં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું હતું. આમ એકંદરે વર્ષ ૨૦૨૦ તમામ લોકો માટે ચીંતાજનક, આફતીરૂપ પસાર થયું હતું ત્યારે વર્ષ ૨૦૨૦ની યાદો સાથે વિદાય આપી ઝાલાવાડવાસીઓએ ૨૦૨૧ ને હર્ષભેર આવકાર્યું હતું.
જ્યારે ચાલુ વર્ષે ૩૧ ડિસેમ્બરની ઉજવણી અને પાર્ટીઓને ધ્યાને લઈ પોલીસતંત્ર સજ્જ બન્યું હતું અને જીલ્લાના લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે, ધ્રાંગધ્રા-કચ્છ નેશનલ હાઈવે સહિત સાયલા-ચોટીલા હાઈવે તેમજ મુખ્ય માર્ગો પર પોલીસે સતત પેટ્રોલીંગ અને વાહનચેકીંગ હાથધર્યું હતું અને વાહનચાલકોને બ્રેથએનેલાઈઝરનો ઉપયોગ કરી ચેકીંગ કરવામાં આવ્યું હતું. જો કે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે યોજાતી ન્યુ યરની પાર્ટી અને ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેમ છતાંય શહેરની બજારો, મોલ સહિતના સ્થળો પર યુવાનો સહિત મોટેરાઓની ભીડ જોવા મળી હતી. આમ સમગ્ર દેશ સાથે ઝાલાવાડવાસીઓએ વર્ષ ૨૦૨૦ને બાય...બાય...કહી વેલકમ ૨૦૨૧ નેે વધાવી થર્ટી ફર્સ્ટની ભવ્ય ઉઝવણી કરી હતી તેમજ આજથી શરૂ થનારૂ નવું વર્ષ તમામ લોકો માટે સુખમય, આરોગ્યપ્રદ અને પ્રગતિકારક નિવડે તેવી આશાઓ વ્યક્ત કરી હતી તેમજ સમગ્ર દેશ કોરોના જેવી વૈશ્વિક મહામારીમાંથી સંપૂર્ણ મુક્ત બને અને ફરી જનજીવન તેમજ આર્થિક વ્યવસ્થા રાબેતા મુજબ થાય તેવી આશાઓ સાથે નવા વર્ષને હર્ષભેર વધાવ્યું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38NkIwE
via IFTTT
Comments
Post a Comment