11 ફેબ્રુઆરીએ સાત ગ્રહો ભેગા થશે જે મોટું જોખમ સર્જી શકે છે

- 2021માં પ.બંગાળ, તમિળનાડુ, કેરળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી યર ઓફ ઇલેક્શન્સ બની રહેશે


હેપ્પી ન્યુ યર..૨૦૨૧નો આજે પ્રથમ દિવસ છે. ચોમેર નવા વર્ષની ઉજવણી કરીને કોરોના વાઇરસનો ડર ભગાડવાની કોશિષ થઇ રહી છે. કોરોનાની પકડમાંથી માનવજાત ક્યારે છૂટશેે તેની તો કોઇનેય ખબર નથી પરંતુ ૨૦૨૦ના વર્ષે માણસને વાઇરસ સામેનો જંગ કેવી રીતે લડવો અને કેવી તકેદારી રાખવી તે શીખવી દીધું છે. ટૂંકમાં માનવ જાત વાઇરસ સામે એલર્ટ થઇ ગઇ છે. 

૨૦૨૧નું વર્ષ ભલે કોઇ જાણીતા કે અજાણ્યા વાઇરસની પકડ વાળું હોય પરંતુ માણસ તેની સામે લડતો રહેશે અને પોતાના કામમાંં ખૂંપેલો રહેશે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ એમ બે મંત્ર તે જપ્યા કરે તે જરૂરી છે. ૨૦૨૧નું વર્ષ આખા દેશને ચૂંટણીની પકડમાં રાખશેે એમ દેખાઇ રહ્યું છે. તેને યર ઓફ ઇલેક્શન્સ પણ કહી શકાશે.

આસામ, પ.બંગાળ, તમિળનાડુ, પોંડીચેરી, કેરળમાં વિધાન સભાની ચૂંટણીઓ છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણીઓ શક્ય બની છે. એપ્રિલ-મેમાં ચૂંટણીઓ છે. પ.બંગાળમાં તો ભાજપે પ્રચાર ઝુંબેશ ડિસેમ્બરથીજ શરૂ કરી દીધી છે. આમ ૨૦૨૧નો અડધો ભાગ ચૂંટણીઓ ખાઇ જશે. આસામ અને જમ્મુ કાશ્મીર ભાજપ માટે ટેસ્ટ કેસ બની જવાનો છે. પ. બંગાળની ચૂંટણીઓ પર આખા દેશની નજર રહેવાની છે.

૨૦૨૨માં ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ છે. એટલે ૨૦૨૧ની દિવાળી બાદ તેનો પ્રચાર શરૂ થઇ જશે. માત્ર ચૂંટણીઓજ નહીં પણ આર્થિક ક્ષેત્રે પણ ૨૦૨૧ તેજીની દિશામાં જતું દેખાશે એમ આર્થિક નિષ્ણાતો પણ માની રહ્યા છે. ૨૦૨૦માં સુશુપ્ત થઇ ગયેલા બિઝનેસ ફરી કળ વળીને ઉભા થશે કેમકે હવે દરેકને વાયરસ સામે ચેતીને ચાલતા આવડી ગયું છે. ૨૦૨૦માં લોકડાઉને મોટું નુકશાન કર્યું છે. સરકારને લોકડાઉન કરીને પોતાની ભૂલ સમજાઇ છે એટલે હવે રાત્રિ કરફ્યુ જેવું હથિયાર ઉપાડીને ધંંધા રોજગાર ચાલુ રહે તેમ કરશે. 

૨૦૨૧મા અનેક ક્ષેત્રો એેક્ટીવ થવા થનગની રહ્યા છે .૨૦૨૦માં જેમના હાથમાંથી તક સરકી ગઇ છે તે લોકો ૨૦૨૧માં ફરી પ્રયાસ કરશે. હવે જ્યારે ઘેર ઘેર ઇન્ટરનેટનો વપરાશ વધ્યો છે ત્યારે ફાઇવ-જી ૨૦૨૧ની સ્પેશ્યલ ગીફ્ટ બની રહેશે. ઇન્ટરનેટની વર્તમાન સ્પીડ કરતાં પાંચ ગણી વધુ સ્પીડ જોવા મળશે. બિઝનેસ તેમજ ઓનલાઇન લર્નીંગ માટે તે આશિર્વાદ સમાન બની રહેશે. ૨૦૨૧ની દિવાળી બાદ ફાઇવ-જીની એન્ટ્રી શક્ય બનશે એમ મનાય છે. 

ક્રિપ્ટોકરંસી એક સમયે ખલનાયક સમાન હતી આજે દેશની દરેક બેંક ક્રિપ્ટો સાથે ડીલીંગ કરવા લાઇનમાં ઉભી છે. ઓન લાઇન કરંસી પર રિઝર્વ બેંકે મુકેલો પ્રતિબંધ હટી જતા ૨૦૨૧માં લોકો ક્રિપ્ટો કરંસી સાથે રમતા હશે એમ કહી શકાય. ૨૦૨૦ માં શેરબજારમાં જોવા મળેલી તેજી વધુ ઉંચકાશે.કેમકે ફોરેન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ માટેના પ્રયાસો સરકાર વધારી રહી છે. ૨૦૦ જેટલી વિદેશી કંપનીઓ ભારત આવી રહી છે.

૨૦૨૧માં લોકો પણ ઇકોમર્સ તરફ વધુ ઢળશે. સોશ્યલ નેટવર્ક પર લોકો વધુ ખૂંપેલા જોવા મળશે. આઇ.ટી ક્ષેત્રમાં વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ છવાયેલો રહેશે.

૨૦૨૧ સાથે સૌથી મહત્વની વાત અને યુધ્ધ અને પ્રલયની છે. અનેક જ્યોતિષો કહી ચૂક્યા છે કે યુધ્ધ ૨૦૨૧માં તબાહી સર્જી શકે છે. ગુજરાત સમાચારના રાશિ ભવિષ્યના લેખક પદ્મનાભ અગ્નિહોત્રીએ લખ્યું છે કે ગોલક યોગ, વ્યતિપાત યોગ અને વૈઘ્યુત યોગ અટેલે કે  વિનાશ, સ્ફોટક સ્થિતિ અને મહામારી વગેરે જોવા મળશે. ગયા વર્ષે તેમણે વાઇરસ એટેકનો ઉલ્લેખ કર્યો હતો. ૧૧ ફેબ્રુઆરીએ સાત ગ્રહો ભેગા થાય છે જો જોખમ સર્જી શકે છે એમ પણ લખ્યું છે. 

જ્યોતિષ એક  વિજ્ઞાાન છે પણ વૈશ્વિક રાજકારણ જે રીતે આગળ વધી રહ્યું છે તે જોતાં એમ લાગે છે કે ૨૦૨૧માં યુધ્ધની અસર જરૂર જોવા મળશે. વિશ્વને યુધ્ધ પોષાય એમ નથી છતાં યુધ્ધખોર દેશો છમકલું કર્યા વગર રહેવાના નથી એમ લાગી રહ્યું છે.

૨૦૨૧ના પ્રવેશ ટાણે ફરી વાચકોને હેપ્પી ન્યૂ યર ....



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34Zq7j8
via IFTTT

Comments