વ્યંજનોને સ્વાદ-સોડમ બક્ષતી રોજિંદી વસ્તુઓ એટલી જ સ્વાસ્થ્યપ્રદ પણ


આપણા રોજબરોજના ભોજનમાં આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જે આપણી તંદુરસ્તી માટે અત્યંત લાભકારક હોય છે. પરંતુ આપણે તેના ફાયદાઓથી અજાણ હોઈએ છીએ. વળી નવી પેઢીના લોકોને પશ્ચિમી કે ચાઈનિસ વ્યંજનોનો એવો ચસકો લાગ્યો છે કે તેમને આપણા પરંપરાગત આહારમાં કાંઈ દમ નથી લાગતો. પરિણામે તેઓ આપણી સદાકાળ ચાલી આવતી સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓના લાભથી વંચિત રહી જાય છે. આજે આપણે એવી કેટલીક વસ્તુઓ વિશે વાત કરીશું જેના વિશે જાણ્યા પછી નવી પેઢીના લોકો પણ ચોક્કસ કહેશે કે તે ખરેખર દમદાર છે.

* અજમો: 

અજમાની સુગંધ જ આપણને તે ખાવા લલચાવે છે. અજમામાં રહેલો અર્ક પાચક રસોના સ્ત્રાવમાં વૃધ્ધિ કરે છે તેથી ખોરાક સારી રીતે પચે છે. અજમો રેચક હોવાથી કબજિયાત દૂર કરવામાં પણ સહાયક બને છે. વાસ્તવમાં આપણું વજન ન વધે એટલા ખાતર પણ ખોરાક સારી રીતે પચે તે જરૂરી છે. સાથે સાથે મળ પણ શરીરમાંથી નિયમિત રીતે બહાર ફેંકાઈ જાય એ પણ એટલું જ આવશ્યક છે. અજમામાં આ ગુણો હોવા ઉપરાંત તે શરદીમાં રાહત આપે છે. શરદીને કારણે નાક બંધ થઈ ગયું હોય તો તે જલદી ખુલે છે. અસ્થમા અને બોંકાઈટિસ જેવા શ્વસનને લગતા રોગોમાં તેમ જ માઇગ્રેન જેવા શિરદર્દમાં પણ ઘણી રાહત આપે છે.

દરરોજ માત્ર બે ગ્રામ જેટલો શેકેલો અજમો પણ એક જણ માટે પૂરતો થઈ રહે છે. તમે ચાહો તો અજમો, લીલી ચા, આદુ અને એલચી નાખીને ઉકાળેલું પાણી પણ પી શકો છો.

* હિંગ: 

ભાગ્યે જ કોઈ ગુજરાતી ઘર એવું હશે જેના ઘરમાં હિંગનો વપરાશ ન થતો હોય. એક ચપટી હિંગ સમગ્ર રસોઈને સ્વાસ્થપ્રદ બનાવે છે. ગેસ, પેટ ફૂલવું, આમવાત ઇત્યાદિ દૂર રાખવામાં હિંગ મહત્ત્વનો ભાગ ભજવે છે. હિંગનું સેવન રક્તને કુદરતી રીતે પાતળું રાખવામાં મદદ કરતું હોવાથી લોહીનું ઊંચુ દબાણ અંકુશમાં રહે છે. હિંગમાં રહેલા ચોક્કસ તત્વો રક્ત પરિભ્રમણ ઝડપી બનાવતાં હોવાથી બ્લડ ક્લોટ્સ થતાં અટકે છે. દરેક પ્રકારના વઘારમાં હિંગ નાખી શકાય. ખાસ કરીને પચવામાં ભારે હોય એવા વ્યંજનોમાં હિંગનો ઉપયોગ અચૂક કરવો.

* જીરૂં:

 ચયાપચયની ક્રિયાને સુચારુ રીતે ચલાવવા તેમ જ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્ત્વની કામગીરી બજાવતા લોહ તત્વની આપૂર્તિ  માટે રોજિંદા આહારમાં જીરાનો પૂરતો ઉપયોગ કરો. જીરૂં પાચક રસોના સ્ત્રાવમાં મદદગાર બનતું હોવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે. જીરૂં યકૃત અને સ્વાદુપિંડને સારી રીતે કાર્યરત રાખે છે. તે લિવરમાં રહેલા વિષારી તત્વોનો નાશ કરવામાં સહાય કરે છે. અને જ્યારે તમારા આ અંગો સારી રીતે કામ કરે ત્યારે અનિદ્રા જેવી સમસ્યાઓ આપોઆપ દૂર રહે છે. તેથી તમારી રસોઈના વઘારમાં જીરૂં અચૂક નાખો. તમે ચાહો તો થોડું જીરૂં પાણીમાં નાખી રાતભર પલાળી રાખો. સવારના આ પાણીને ઉકાળી-ગાળીને ઠંડુ થાય એટલે પી લો.

* મીઠો લીમડો:

 મીઠો લીમડો આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર મીઠો પુરવાર થાય છે. હળવું ક્ષાર તત્વ ધરાવતો લીમડો રસોઈને સ્વાદ-સોડમ બક્ષે છે. લીમડાના પાનમાં ડાયાબિટિસ ખાળવાના ભરપૂર ગુણો રહેલા છે. તે આપણા શરીર માટે સારા ગણાતા કોલેસ્ટોલમાં વૃધ્ધિ કરે છે તેથી હૃદય રોગનું જોખમ ઘટે છે. એટલું નહીં, મીઠો લીમડો ખોરાકનું પાચન કરાવવામાં, ત્વચાનો ચેપ રોકવામાં, વાળ વધારવામાં અને વજન ઘટાડવા સુધ્ધાંમાં સહાયક બને છે. તેથી દરેક વઘારમાં લીમડો નાખવાનું ન ભૂલો. વહેલી સવારે લીમડો ચાવીને ખાવો પણ લાભકારક બને છે.

* કેસર: 

ગુણ અને રંગ-સોડમના ખજાના સમી અતિકિંમતી કેસરમાં રહેલું પાણીમાં ઓગળી જાય એવું 'ક્રોસિન'ના નામે ઓળખાતું કેરટીન કેન્સર સામે રક્ષણ આપે છે. અને તેનો રંગ પણ આ તત્વને જ આભારી છે. 'ક્રોસિન' યાદશક્તિ તેજ બનાવે છે અને પાર્કિન્સન સામે પણ સુરક્ષા આપે છે. મીઠાઈઓમાં કેસરનો ઉપયોગ ગુણકારી બની રહે છે. તેવી જ રીતે તે ઉકાળેલા દૂધમાં નાખીને પણ લઈ શકાય.

* મેથી: 

મેથીના દાણા મધુપ્રમેહના દરદીઓ માટે આશિર્વાદરૂપ બની રહે છે. મેથી ઇન્સ્યુલીનની પ્રતિક્રિયા ઘટાડતી હોવાથી તે ડાયાબિટિસના દરદીઓ માટે શ્રેષ્ઠ અને સોંઘી ઔષધિ ગણાયછે. મેથીના દાણા શરીરમાંથી ટ્રાઈગ્લિસરાઈડ અને સિરમ ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી કફ છૂટો થાય છે, તે દાહ-બળતરા શાંત કરે છે, તે રેચક હોવાથી કબજિયાત દૂર રાખે છે, તે આમવાતને કારણે પેટમાં થતાં શૂળને પણ દૂર રાખે છે એટલું જ નહીં મેથી અતિસારમાં પણ રાહત આપે છે. મેથી મૂત્રવર્ધક હોવાથી શરીરમાં રહેલા વિષારી તત્વોને મૂત્ર વાટે બહાર ફેંકવામાં સહાયક બને છે. તમે ચાહો તો દાળ-શાક ઇત્યાદિના વઘારમાં મેથી નાખી શકો. એક ટી-સ્પૂન મેથી દાણા રાતભર પાણીમાં પલાળી રાખીને એ પાણી સવારના ઉકાળી-ઠારીને પીઓ. તેમ જ આ પાણીમાં બફાઈ ગયેલા મેથીના દાણા ચાવીને ખાઈ જાઓ.

* લસણ:

 લસણમાં રહેલું સલ્ફાઈડ નામનું તત્વ કોલેસ્ટરોલ ઘટાડવામાં, રક્તમાં ગઠ્ઠા પડતાં ખાળવામાં મદદ કરે છે. રોજનું બે કળી જેટલું લસણ પણ ચમત્કારી પરિણામ આપે છે.

* આદુ: 

આદુ રોગપ્રતિકારક શક્તિમાં વૃધ્ધિ કરે છે અને શરદી-તાવ આઘા રાખવામાં મદદ કરે છે. માઇગ્રેનને કારણે થતાં શિરદર્દમાં પણ આદુ રાહતદાયક પુરવાર થાય છે. તે કેટલાંક હોર્મોન્સ માટે પણ અસરકારક બની રહે છે. મોટાભાગના ગુજરાતીઓ આદુવાળી ચા પીવાનું પસંદ કરે છે. તમે ચાહો તો થોડું આદું માત્ર પાણીમાં નાખીને ઉકાળીને પી શકો. તેવી જ રીતે સલાહના ડ્રેસિંગમાં આદુ સાથે સોયા સોસ, ઓલિવ ઓઈલ અને લસણનો ઉપયોગ પણ થઈ શકે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VlgkhY
via IFTTT

Comments