ફિ લ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના હત્યાકેસની આડપેદાશ જેવું બોલીવૂડનું ડ્રગ સ્કેન્ડલનું રહસ્ય ખુલ્યું ત્યારે ઘણાને આશ્ચર્ય થયું. ટીનએજર જણાતી યુવતીઓ અને યુવાન ટીવી કલાકારો પણ ગાંજો, ચરસ, અફીણ ઈત્યાદીનો નશો કરતા હોય છે એ વાત જાહેર થયા પછી સભ્ય સમાજના ઘણા લોકો સ્તબ્ધ બની ગયા. પરંતુ આપણે તેમને એમ જણાવીએ કે પ્રાણીઓની અનેક જાત કેટલાંય પ્રકારના પક્ષીઓ પણ નશો કરે છે. નશીલા પદાર્થના શોખીન હોય છે તો એ વાત માન્યામાં આવે ખરી?
આપણે આજે અહીં એવા જ જાનવરો અને પંખીઓની વાત કરવાની છે જે નશાકારક વનસ્પતિ, કેફ ચઢાવે તેવા ફળોના રસ, વનસ્પતિના મૂળિયાં કે પાંદડા વિશે સારું જ્ઞાાન ધરાવતા હોય છે. એટલું જ નહીં, નશો કરવાનું મન થાય ત્યારે તેઓ આવી મનમસ્તિષ્કને તરબતર કરી દે તેવી ચીજો તરફ આકર્ષાતા હોય છે.
માનવજાત નશા પાછળ પોતાનું જીવન બરબાદ કરે છે; થોડા કલાકના નશા માટે તે પોતાની કારકિર્દી પણ બરબાદ કરે છે. સરકાર ગમે એટલા કડક કાયદા બનાવે, જાગૃતિ માટેના પગલાં લે પણ માનવજાત સિગારેટ, આલ્કોહોલ, ફ્રેક, ઓપીયમ, ગ્લરૂ, કફમીકસચર, એલએસડી જેવા અનેક નશાકારક તત્વો ધૂમાડા મારફતે, પીને, ઇન્જેકશન દ્વારા કે સૂંઘીને લે છે. આમ તે મગજમાં રહેલું હેપ્પીનેસ (સુખમાં ડૂબવું) નામના તત્વને ઢંઢોળતા કેમીકલને એક્ટીવ કરે છે. જેમ માણસ નશાકારક તત્વો માટે ફાંફે ચઢે છે. એવું જ પ્રાણીઓ પણ કરે છે.
હકીકતમાં કેટલાંક પ્રાણીઓ લાંબા સમયથી એટલે કે માનવી કરતાં પણ પહેલાં આવા પદાર્થોનો ઉપભોગ કરતાં હોવાનું જણાયું છે. પેરુમાં ઊંડે ખોદકમ કરતાં મળી આવેલા એક માટલા પર બે પક્ષીઓ કોકના ઝાડ પરનાં પાંદડાં ચાવી રહ્યાં હોય એવું ચિત્ર છે. પ્રાચીન દંતકથાઓમાં પણ આ પ્રકારના અનેક ઉલ્લેખો આપણને જોવા મળે છે.
હરણથી માંડીને હાથી સુધીના પ્રાણીજગતના પ્રાણીઓ નશાનો કેફ મેળવવાના ભ્રમમાં ચોક્કસ પ્રકારના કેમીકલ ધરાવતા છોડવાના પાન ચાવે છે. પહાડી પ્રદેશોમાં ગાડા ખેંચતા ભારે શેરવાળા હરણ એમેનીટા મસ્કેહીયા પ્રકારના મશરૂમ ખાય છે. જે સફેદ છાંટવાળા અને લાલાશ પડતા હોય છે. નિષ્ણાતોના મત અનુસાર આ મશરૂમ ખાવાથી હરણને પોતે ઉડતો હોય એવી અનુભૂતિ થાય છે. એટલે જંગલમાં ચરતી વખતે આવા મશરૂમ તરફ તે વધુ જાય છે.
લોકોવીડ એક એવું બાયોલોજીકલ ગૃપ છે કે જેમાં ૨૦ પ્રકારની જુદી જુદી જાત હોય છે. પશ્ચિમ અમેરિકામાં તે જોવા મળે છે. તે શિયાળામાં ઉગે છે અને રખડતા ઘોડાઓ માટે તે ઉત્તમ ખોરાક બની રહે છે. એકવાર તેનો સ્વાદ ચાખી જનાર ઘોડા ત્યાં વારંવાર આવે છે તે ખાવાનું તેને વ્યસન થઈ જાય છે. તે ઝેરી હોય છે, ઘોડાઓ તેને ખાય છે અને કેટલાક વર્ષ પછી મોતને ભેટે છે. લોકોવીડ ખાવાથી ઘોડા હણહણે છે અને પોતાનું મોંઢું ઉઘાડ-બંધ કર્યા કરે છે. જો કોઈ ઘોડો લોકોવીડ વધુ પ્રમાણમાં ખાઈ લે તો તેને ઝાડા થઈ જાય છે અને ડિપ્રેશનમાં આવી જાય છે. ઘણીવાર ઘોડા તોફાને ના ચઢે એટલે તેને ઉંઘમાં રાખવા આવા છોડવા ખવડાવાય છે.
એવું જોવામાં આવ્યું છે કે કહોવાઈ ગયેલા સડેલા ફળોમાંથી મધમાખી અને કીડીઓ આલ્કોહોલ ખેંચે છે. આવી આલ્કોહોલ પીધેલી મધમાખી તોફાની બની જાય છે, હિંસક બની જાય છે અને ઘણીવાર ઉડી પણ શકતી નથી. બહુ પીધેલી માખી તેના પગ ઉંચા કરીને પીઠ પર પડી રહે છે.જંતુશાસ્ત્રીઓએ નિરીક્ષણ પરથી કહે છે કે લીમર્ (વાંદરાની જાતનું એક પ્રાણી) મોટા કાનખજુરોને પજવે છે તેને ખબર હોય છે કે આ કાનખજુરો ઝેરી હોય છે છતાં તે આમ કરે છે. આવા કાનખજુરા પોતાના માથાને ફોડીને સ્વરક્ષણ માટે સાયનાઈડ સહિતના તત્ત્વો છોડે છે.
લીમર જ્યારે તેને માથા પર છંછેડે છે ત્યારે માથા પરનું ઝેર લીમરના શરીરે લાગે છે. લીમર આ ઝેરને પોતાના શરીર પર લગાડે છે. આ ઝેર નશો કરાવે છે એટલે જ્યારે પણ લીમર બોર થઈ ગયા હોય કે કંટાળ્યા હોય ત્યારે તે કાનખજૂરોના માથા પર અડી તેને છંછેડે છે.
હાથી પણ ભારે નશાબાજ હોયછે એવું માન્યામાં આવે ખરું? ભારતના ગામડાઓમાં વસતા લોકો એ વાતથી પરિચિત છે તે લોકો ગેરકાયદે દારૂ ગાળતા હોય ત્યાં અચાનક હાથી આવી જાય છે અને બધો દારૂ પી જાય છે. ૨૦૦૭માં આસામમાં બનેલી એક ઘટનામાં ૪૦ પીધેલા હાથીઓએ તોફાન મચાવીને ટેલિફોનના થાંભલા ઉખેડી નાખ્યા હતા. આફ્રિકામાં હાથીઓના ટોળા હેલુસાઈનોજનીક આઈબોગા પ્લાંટ પાસે ભેગા થાય છે. આ પ્લાંટ કેફી દ્રવ્યોવાળો હોય છે. આ પ્લાંટ ખાઈને હાથીઓ છાકટા બની જાય છે. સામાન્ય રીતે હાથીઓના ટોળાનું નેતૃત્વ મોટી ઉંમરના તેમજ અનુભવી હાથી કરતા હોય છે. આ લોકો સમાજને શીખવે છે. હાથીઓના ટોળામાં નાના હાથી મોટા પાસેથી શીખે છે.
કેટલાક જાતની લીલ બહુ ઓછી જોવા મળે છે. ઘણીવાર તે પર્વત પર જોવા મળે છે.
આ લીલ ખાવી જોખમી છે અને કોઈ પોષક તત્ત્વો નથી ધરાવતી છતાં ઘેટા-બકરાં તે ખાય છે. જ્યારે તે આ લીલ પાસે પહોંચે છે ત્યારે તે પોતાના દાંત તેની સાથે ઘસે છે અને ગુંદર જેવા ચીકણા પદાર્થને ખાય છે. અફીણના ડોડા ઉગાડતા ખેડૂતોએ જ્યારે નોંધ્યું કે તેમના પાકને કોઈ નુકશાન કરી રહ્યું છે. તેમણે દરેક ડોડાની ફરતે એક નિશાની કરી દીધી હતી. આ ડોડા ખાનાર 'વોલાબીસ' હતા. આ વોલાબીસ ખેતરોમાં ઘૂસી જતા હતા અને ડોડા ખાઈ જતા હતા અને પછી એક જ જગ્યાએ ગોળગોળ ફર્યા કરતા હતા. આ ડોડા ખાવા તે વારંવાર આવતા હતા.
ઓસ્ટ્રેલિયામાં તો અફીણના ડોડા ખાતા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે. જેસ, રેવન બ્લેકચર્ડ અને પોપટ જેવા પક્ષીઓ પણ તેમના પીંછાની મદદથી કીડીઓ ખસેડે છે અને ડોડા ખાય છે. જ્યારે આ ડોડા મરેલી કીડીઓથી પોતાને ઢાંકે છે ત્યારે આ પક્ષીઓ થોડીવાર તેની આસપાસ ઉડીને પાંખો ફફડાવી કીડીઓને કાઢે છે. એકવાર આ પક્ષીઓને તેનું વ્યસન થાય પછી તે નજીકમાં જ રહેતા થઈ જાય છે. પક્ષીઓ ઘણી વનસ્પતિ અને જીવાત ખાય છે. પરંતુ એકવાર જેનું વ્યસન થાય છે તેની આસપાસ ઊડતા રહે છે.
હાથી, વાંદરા અને તમામ પ્રકારના સસ્તન પ્રાણીઓ આ ફળો ખાય છે અને પછી સેક્સ માટે સાથી શોધે છે. ઘણીવાર આ ફળની અસરના કારણે તે નશાની હાલતમાં પડી રહે છે. કોફીના બીયા ખાધા પછી બકરા સેક્સ માટે ઉશ્કેરાટ અનુભવે છે. કેનાબીસના બીયા ખાધા પછી કબુતર પણ સેક્સ ઝંખે છે. ઝરખ પણ કેટલાક પ્રકારનો દારૂ પીધા પછી સેક્સ માટે ફાંફા મારે છે. ગુંદર આપતા ઝાડ પર કીડીઓ વધુ રહે છે કેમકે તેમને ગળો પદાર્થ ખાવા મળે છે.
એક સમયે અભ્યાસ કરનારાઓને થયું કે આ સીરપ માત્ર પોષક તત્ત્વો વાળું હશે પરંતુ તેમને વધુ અભ્યાસ પરથી ખબર પડી કે આ સીરપ વ્યસન કરતું છે. આ કીડીઓ આ વ્યસનથી એટલી ટેવાઈ ગઈ હોય છે કે ઝાડને નુકશાન કરવા આવતા મોટા પ્રાણી સહિતના પર તે હુમલો કરે છે. એવી જ રીતે બિલાડી કેટનીવ નામના પ્લાંટની વ્યસની હોય છે. તે ખાધા પછી તે ગાંડાની જેમ આમતેમ દોડયા કરે છે. આ બધું જોતા એમ લાગે છે કે પ્રાણીઓની દુનિયા પોતાને આનંદ આપતી ચીજો તરફ વળે છે.
ઓસ્ટ્રેલિયાના તાસ્માનીયામાં ઓપીયમ (અફીણ) મોટા પાયે ઉગાડાય છે. કાંગારૂના બચ્ચાં જેવા દેખાતા વેલાબીસ નામના પ્રાણી ખેતરની આસપાસની કાંટાવાળી ફેન્સીંગ તોડીને અફીણના ડોડા ખાવા પહોંચી જાય છે. આવા ખેતરોમાં સિક્યોરીટીની પણ વ્યવસ્થા હોવા છતાં તે ગાંઠતા નથી. વેલાબીસ નશાખોર પ્રાણી છે. તેની આંખો નશા બાદ મોટી થઇ જાય છે. આલ્કોહોલ જેમાંથી બને છે તે રોવને બેરીસ (એક પ્રકારના બોર) ખાવા પક્ષીઓ સ્કેડેનેવીયામાં મોટી સંખ્યામાં આવે છે. પછી તે નશાની હાલતમાં બરફ પર પડે છે અને ત્યાં જ કાયમ માટે ઠરી જાય છે.
ઘોડાઓ ફુગાઇ ગયેલા સફરજન ખાઇને નશો મેળવે છે. આ નશામાં તે પોતાના માટે જ શારીરિક નુકશાન નોંતરે છે. મલેશિયાના રેન-ફોરેસ્ટમાં બરટ્રેમ પ્રકારના તાડના ઝાડના થડ પરથી નીકળતી રસી કે ચીકણા પદાર્થમાં નશાકારક તત્વો હોય છે. ભૂંડ આવા તત્વો નશા માટે ખાય છે. એવી જ રીતે સફરજનની અંદરના ભાગનો માવો બરાબર છૂંદી નાખ્યા પછી જે રસ નીકળે તેમાંથી પણ પ્રાણીઓ નશો કરે છે. ફુગાઇ ગયેલું જલદારૂ ખાવાથી ખિસકોલી ગોળ- ગોળ ફર્યા કરે છે. એવી જ રીતે કોહવાયેલું કોળું ખાવાથી બકરા અહીં તહીં દોડા-દોડ કરે છે.
ઉષ્ણ કટિબંધમાં આવેલા કેટલાક દેશોમાં એક વિશિષ્ટ વૃક્ષની મુલાકાત લેનારાં પક્ષીઓ અચાનક અત્યંત શાંત બની જતાં હતાં તે જોયા બાદ એક વૈજ્ઞાાનિકે તે વૃક્ષમાંથી માનસિક રોગની સારવાર કરતી ક્રાંતિકારી દવા શોધી કાઢી.
કોઈ પણ એવું ફળ કે ભાજી જેમાં શર્કરાનું પ્રમાણ વધુ હોય તો તેના રસમાં આથો લાવવાથી તે મદ્યાર્ક (આલ્કોહોલ) બની જાય છે. પ્રાણીઓ માટે 'નશો' કરવાનો એક સામાન્ય નુસખો કે ઉપાય વધુ પડતાં પાકી ગયેલાં અથવા સડી ગયેલાં ફળો ખાવાનો છે. લક્કડખોદ નામનું પક્ષી વડના પાકી ગયેલાં ફળો ખાધા બાદ ભારે ઉત્પાત મચાવે છે અને રઘવાયા જેવું વર્તન કરે છે.
આફ્રિકામાં વર્ષમાં એક વખત મારુલા નામના વૃક્ષ પરનાં ફળો પાકીને નીચે પડવાં માંડે છે અને તે ખાધા બાદ વાંદરાથી માંડી હાથી જેવાં મહાકાય પ્રાણીઓ 'નશામાં' ઝૂમવા મંડી પડે છે. મારુલાની અત્યંત માદક સુગંધ, તીવ્ર ઘ્રાણેન્દ્રીય ધરાવતા હાથીને ઠેઠ ૧૦ કિ.મી. દૂરથી પણ ખેંચી લાવે છે.
ગુજરાત ઉત્તર ભારત સહિતના કેટલાક રાજ્યોમાં મહુઆના ઝાડ હોય છે. તેના પર મહુડાના ફુલ બેસે છે. આ ફુલમાં આલ્કોહોલીક તત્વ રહેલું હોય છે. જે નશો કરે છે. હજારો પક્ષીઓ આ મહુડાના ફુલ ખાય છે. ગુજરાતમાં મહુડાનો દારૂ પીવાનું ચલણ છે. ભારતમાં રીસસ પ્રકારના વાનર ઉત્તર પ્રદેશમાં ખાંડના કારખાનામાં ઘેન આપતા તત્વો પીવા જોખમ કરીને પહોંચી જાય છે. ઘણીવાર આવું કરતાં તે હાઇટેન્સન ઇલેક્ટ્રીક વાયરના ભોગ બને છે.
એરીસ્ટોટલ અને ગ્રીફ ફિલોસોફરોએ સંવત ૩૮૪ અને ૩૨૨માં નોંધ્યું છે કે દારૂની પાર્ટીમાં બેઠેલા જ્યારે જગમાં દારૂ છોડીને જાય ત્યારે વાંદરા આવી તેને ગટગટાવી જતા હતા. કેરેબીયન ટાપુમાં તો વાંદરા હોટલ બારમાં ઘૂસી જાય છે અને ગ્રાહકોની કોકટેલ લઇને ભાગી જાય છે.
વાંદરાને થતાં હેંગઓવર વિશે ડાર્વિને લખ્યું છે કે, બીજે દિવસે સવારે તેઓ માથાને બંને હાથે પકડીને બેસી જાય છે અને તેમને કશું સૂઝતું નથી. ત્યારે તેમની સામે આલ્કોહોલ ધરવામાં આવે તો તેઓ મોઢું ફેરવી લે છે, પણ લીંબુપાણીને વિનાવિલંબે પી જાય છે.
સાવ અજાણ્યા સ્થળે ડ્રગ્સ (કેફી દ્રવ્યો) મળી આવે છે. કેન ટોડસ પ્રકારના દેડકા પોતાનસ્કીન પર ઝેર પ્રોડયુસ કરે છે. તેને હાલુસીનો જેનીક કહે છે. આવા દેડકાની પીઠ ચાટવા કૂતરા તેને લાત મારીને ગબડાવતા જાય અને તેની પીઠ ચાટતા જાય છે.પ્રાણીજગત અને માનવજગત એમ બંનેને નશાકારક પદાર્થો પ્રત્યે એક સરખો પ્રેમ હોય છે. જાણ્યે અજાણ્યે જાનવરો એકવાર નશો કરવાનું શરૂ કરે છે કે તરત જ તે પોતાના શરીર પરના કાબુ ગુમાવી દે છે. વાનરો સામાન્ય રીતે ડ્રગ, સેક્સ, ખોરાક, પાણી વગેરે માટે ભટકતા હોય છે. નશાકારક પદાર્થો શોધવા તે ફરે છે. તેવા પદાર્થ માટે તે ગમે તે કરવા તૈયાર હોય છે. પ્રાણીઓ માણસ જેવા જ હોય છે. જ્યારે તેમને કોઇ નશાકારક પદાર્થની તલપ લાગે છે ત્યારે તે દોડધામ કરી મુકે છે.
સાહિત્યકાર, સંગીતકાર કે ચિત્રકારો એવો દાવો કરે છે કે સિગારેટની બે ફૂંક માર્યા પછી કામ પરિણામલક્ષી બને છે. ઘણાં પ્રાણીઓ નશાની હાલત હેઠળ જ સંપૂર્ણ સેક્સ માણી શકે છે. જેમ કે મેરેજુઆનાની અસર હેઠળ જ કરોળીયો વધુ જાળા બહાર કાઢી શકે છે. માખીઓ પણ નશાની હાલતમાં હાયપર સેક્સ્યુઅલ બની જાય છે.
વિજ્ઞાાનીઓ માને છે કે પ્રાણીજાત અને માનવજાત બંને ડ્રગ્સ માટેની સુગંધ કેળવે છે. તેને રીસેપ્ટર્સ કહે છે. પક્ષીઓથી માંડીને દરિયાઇ પ્રાણીઓ સુધીના જીવો ગાંજો જે દિશામાં હોય ત્યાં જાય છે. માછલીઓ અને જીવાણુઓ પણ નશાકારક પદાર્થો શોધી કાઢે છે.
વોશિંગ્ટનની યુનિવર્સિટી કોલેજ ઓફ વેટેરિનરી મેડિસિનના ન્યુરોસાયન્ટિસ્ટ જાક પાંકશીપ કહે છે કે, મનુષ્ય અને પ્રાણી ઉદાસી દૂર કરવા કેફી દ્રવ્યો લે છે. પ્રાણી માનવીની જેમ જ ડિપ્રેશન, ડર, દુ:ખ અને ચિંતા અનુભવે છે. તેઓ પોતાને થતાં દુ:ખને વ્યક્ત કરી શકતાં નથી. કેફી પદાર્થ લેવાથી થોડા સમય માટે તેમની ઉદાસી દૂર થઈને આનંદનો અનુભવ થાય છે. જીવનનાં દુ:ખોને દૂર કરવા માટે આપણને પણ પ્રોત્સાહન અને સાંત્વનાની જરૂર હોય છે અને કાયમ માટે તે ન મળતું હોવાથી કેફી દ્રવ્યોનો આશરો લેવામાં આવે છે.
માનવજાતની જેમ પ્રાણીજગત પણ લાગણીશીલ છે. તેની આસપાસ બનતી ઘાતકી ઘટનાઓની તેના પર અસર થાય છે.
પ્રાણીજગત તેના દુ:ખ અંગે માણસ સાથે સંવાદ કરી શકતું નથી. તેમના મોંઢા પર તે નારાજગીના હાવભાવ પણ લાવી શકતા નથી. જ્યારે તે ખુબ નારાજ થાય છે. ત્યારે સ્થળ બદલી નાખે છે. સંશોધનો પરથી જણાયું છે કે પ્રાણીઓ પોતાના કુટુંબ સાથે રહેવા ઇચ્છે છે, પોતાની માતા તરફ તેમને લગાવ હોય છે એટલે કે લાગણીવાળા હોય છે. નશો કરાવતા તત્વો તાત્કાલિક થોડો લાભ કરતા હોય એમ લાગે છે. જ્યારે પ્રાણી કે જગતના જીવો કે માણસને તાત્કાલિક પ્રેમમાં, કેરીયરમાં કમાવવામાં કોઇ રીવોર્ડ નથી મળતો ત્યારે તેને ટેમ્પરરી સુખ આપતા કેમીકલની શોધમાં નીકળી પડે છે.મૂળવાત એ છે કે ટૂંકા સમય માટેનું સુખ જીવનમાં રહેલી કાયમી સમસ્યાઓ દૂર કરી શકતું નથી. માણસ અને પ્રાણી પૈકી ઘણા જીવનમાં નશાકારક પદાર્થો તરફ વળ્યા હશે.
એન્થ્રોપોલોજિસ્ટ આર. જે. સુલિવાન જણાવે છે કે અનેક રોગોપચારમાં સહાયક એવાં વૃક્ષો, મગજ વધુ પ્રભાવશાળી રીતે કામ કરે એવાં પોષક તત્ત્વો તથા રાસાયણિક ઘટકો ધરાવતાં હોય છે અને તેને કારણે જ ચિમ્પાન્ઝી તથા ગોરિલા જેવા વાનરો ઘણી વખત માનવી જેવું જ વર્તન દાખવતા હોય છે.
આભાસ અથવા પ્રત્યક્ષ જે વસ્તુ હાજર ન હોય તેનું દેખીતું દર્શન કરાવનારાં વૃક્ષોનું આકર્ષણ એ છે કે તેમાંના ઔષધીય ગુણો તેમ જ ન્યૂરોકેમિકલ્સથી પ્રાણીઓનું મગજ પણ આપણી જેમ વર્તઓછે અંશે સતેજ બને છે. આમ ડ્રગ્ઝને મોજ મેળવવા માટેનો ટૂંકો અને સરળ માર્ગ માની બેસનારા લોકોની જેમ જ કેટલાંક પશુપક્ષીઓ જંગલી વૃક્ષોનાં પાંદડાં કે ફળ આરોગી 'નશો' અનુભવે છે.
આદિકાળમાં માણસ અનેક પ્રકારની જડીબુટ્ટીઓનું જ્ઞાાન ધરાવતો હતો અને તેથી વિવિધ રોગોની સારવારમાં તેનો તે અસરકારક રીતે ઉપયોગ કરતો હતો. જોકે તેમાંનાં અનેક વૃક્ષોના ઔષધીય ગુણોની જાણ તેને આડકતરી રીતે પ્રાણીઓના માધ્યમથી જ થઈ હતી એમ કહીએ તો તેને અતિશયોક્તિ ન કહી શકાય. તદુપરાંત માનવીની જેમ પ્રાણીઓ સુદ્ધાં ભારે સંવેદનશીલ હોય છે એ હકીકત છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36m0Twm
via IFTTT
Comments
Post a Comment