સુરભિએ ચીજવસ્તુનું એક લાંબુ લિસ્ટ બનાવી અમનના હાથમાં મૂકતાં તાકીદ કરી,''જલદી પાછા આવી જજો અને માટીનાં કોડિયાં જરૂર લાવજો. દીવા વિનાની દિવાળી સૂની લાગશે.''
''લઈ આવીશ.'' આમ બોલી અમને સ્કૂટર સ્ટાર્ટ કર્યું.
સુરભિ સીડી ચડી પોતાના બીજા માળે આવેલા ફ્લેટમાં પાછી ફરી. તેનું મન આનંદમાં હિલોળા લઈ રહ્યું હતું.
પોતાના ફ્લેટમાં દિવાળીનો આ સૌપ્રથમ તહેવાર હતો. તે પરંપરાગત રીતે ઉજવવાની ઇચ્છા રાખતી હતી. એટલે તેણે તોરણ, હથોડી, ખીલા બધો સામાન લાવવા માટે લખી આપ્યું હતું.
બપોરે તે અને અમન ભાઈભાભીને મળવા માટે શહેરમાં ગયાં હતાં, ત્યારે સુરભિએ તેની જેઠાણીને દિવાળીની ઉજવણી વિશે વિગતવાર પૂછીને જાણી લીધું હતું. જેઠાણીનો આગ્રહ હતો કે સૌ સાથે રહીને તહેવાર ઉજવીશું, ત્યારે તેણે કહેલું કે ફ્લેટ સૂમસામ જગ્યા પર છે એટલે તાળું તૂટવાનો ડર છે માટે ત્યાં જવું જરૂરી છે.
આનંદમાં ગીત ગણગણતી સુરભિ રાત્રીની યોજના ઘડવા લાગી. કુટુંબથી અલગ, પોતાની રીતે રહેવાનો આનંદ કંઈક જુદો જ હોય છે. ગમે તે બનાવો, ખાઓ, કોઈ પણ પોશાક પહેરો કોઈ રોકટોક કરનારું નથી હોતું.
જ્યારે અમન પાછો આવ્યો ત્યારે સુરભિએ બુંદીનું રાયતું, અળવીનું શાક બનાવી ટેબલ પર ગોઠવી દીધું હતું.
અમને બધી ચીજવસ્તુ કાઢી રસોડામાં રાખી દીધી. થોડા ગુસ્સા સાથે બોલ્યો, ''તારા આ માટીનાં કોડિયાં ખૂબ જ મુશ્કેલીથી મળ્યાં છે. ઘણે દૂર સુધી ફરવું પડયું.''
''એમાં નારાજ શા માટે થાઓ છો? જ્યારે પ્રગટે ત્યારે જોજો. આપણું આખું ઘર કોલોનીમાં સૌથી સુંદર લાગશે.''
જરાક હસી સુરભિ રૂમાંથી ગોળ દિવેટ બનાવી દીવામાં મૂકવા લાગી. ત્યાર બાદ ખૂબ જધ્યાનથી પૂજાનો થાળ તૈયાર કરી અમનને નવાં વસ્ત્રો પહેરવા કહ્યું.
અમનને આ જૂનાં રીત-રિવાજની ચીડ હતી. તેણે દલીલ કરી, ''રાત્રે કશે જવાનું નથી તો પછી નાહકના ઇસ્ત્રી કરેલાં કપડાં શા માટે બગાડવાં?''
''લક્ષ્મીપૂજન સમયે નવાં વસ્ત્રો પહેરવાં એ પણ આપણી પરંપરામાં સામેલ છે. પાછા તમે શા માટે ભૂલી જાઓ છો કે આપણા ઘરની આ સૌપ્રથમ દિવાળી છે? કોઈ ખામી રહી જશે તો કશુંક અશુભ બની શકે છે.''
અશુભની આશંકાએ અમનના મોઢા પર તાળું લગાવી દીધું. તેને ભાભી પર ગુસ્સો આવ્યો કે કોણ જાણે ક્યાં ક્યાંથી ઉદાહરણ આપીને સુરભિને યોગ્ય રીતે દિવાળીની ઉજવણીની રીતભાત સમજાવી હતી.
તે કપડાં બદલીને આવ્યો ત્યાં સુધીમાં સુરભિ બનારસી સાડી અને અલંકારો પહેરી તૈયાર ઊભી હતી.
અમન કહેવા ઇચ્છતો હતો કે સોનાનાં બધાં ઘરેણાં પહેરવાની જરૂર શી હતી, પરંતુ એ ચૂપ રહ્યો, કારણ કે સુરભિ ફરી એને પરંપરાની વાત યાદ કરાવવાનું ચુક્ત નહીં.
સુરભિના કહેવા મુજબ લક્ષ્મીપૂજન કરી અમન ડાઇનિંગ ટેબલ પર આવ્યો. ''જલદી ભોજન પીરસ, કકડીને ભૂખ લાગી છે.''
સુરભિ છત પર, છજાં પર, બારીબારણાં પર દીવા સજાવવામાં મશગૂલ હતી. બધી સજાવટનું કામ કરી તે પૂરી તળીને અમનને પીરસતાં બોલી. ''દિવાળીની રોશની જોવા શહેરમાં જઇશુંને?''
''શહેર અહીંથી કેટલું દૂર છે એ તું જાણે છે? આખો દિવસ તો શહેરમાં ચક્કર લગાવતો રહ્યો છું, થાકી ગયો છું. હવે હિંમત રહી નથી.'' અમન બોલ્યો.
સુરભિનો ઉત્સાહ ઓસરી ગયો. તે નિરાશ મને બોલી, ''દિવાળી વરસમાં એક વાર તો આવે છે. થોડુંવધુ થાકી જશો તો શું થવાનું છે! ઓફિસમાં તો હમણાં રજા છે. કાલે આખો દિવસ આરામ કરી લેજો.''
સુરભિની બાળક જેવી જીદ અમનને ન ગમી. તે નવાં કપડાં ઉતારી ઘરનાં કપડાં પહેરી ટેલિવિઝન સામે બેસી ગયો અને મનગમતી સિરિયલ જોવા લાગ્યો.
સુરભિ ઉદાસ મન સાથે મોઢું ચડાવી બેસી રહી. તેને એકલતા કોરી ખાવા લાગી. જેઠાણી સાચું કહેતી હતી કે તહેવારો સૌ સાથે મળીને ઉજવીએ તો સારું લાગે છે. અહીં તો કોઈ તેના રૂપની પ્રશંસા કરનાર નહોતું કે ન કોઈ સાડીનાં વખાણ કરનારું.
આ સુંદર સાડી તેણે ખાસ દિવાળી પર પહેરવા માટે ઘણા સમયથી સંભાળીને રાખી હતી. છેલ્લી વાર તે પિયર ગઈ ત્યારે માતાને કહીને ખરીદી હતી.
પરંતુ તેનો તમામ આનંદ જાણે ધૂળમાં મળી ગયો. ખબર નથી કેવો છે પડોશ. કોઈ ખબર પૂછવા પણ ફરક્યું નથી.
તેણે અમન પાસે આવીને કહ્યું, ''ચાલ ધાબા પર જઈ આપણે બંને ફટાકડા ફોડીએ.''
કદાચ એ પણ એકલતાનો અનુભવ કરી રહ્યો હતો. ભત્રીજા-ભત્રીજી સાથે તે ખૂબ ફટાકડા ફોડતો હતો. આ વખતે પણ તે ફટાકડા ખરીદી લાવ્યો હતો.
સુરભિના ચહેરા પર સ્મિત ખીલી ઉઠયું, ''તમે હજુ અડધી પરંપરામાં માનો છો અને અડધીમાં નહીં. ફટાકડા ફોડયા વિના તમને ચેન પડવાનું નથી. પરંતુ એ પહેલાં એક મહત્ત્વનું કાર્ય રહી ગયું છે.''
''કયું કાર્ય?''
''પડોશમાં મીઠાઈ વહેંચવાનું, ભાભીએ કહેલું કે ઓછામાં ઓછા સાત ઘરોમાં મીઠાઈ પહેંચવી જરૂરી છે.''
''હજુ સુધી તો અહીં એક પણ પડોશી સાથે ઓળખાણ થઈ નથી પછી સાત ઘર ક્યાંથી કાઢવા?''
''ઓળખાણ કરવાથી થાય છે. આપણે જ પહેલ કરવી જોઈએ.''
''સારું'' અમન વિચાર કરતાં બોલ્યો, ''પહેલાં તું તારાં ઘરેણાં ઉતારીને મૂકી દે. એવું ન બને કે કોઈની ખરાબ નજર પડી જાય અને ઘરેણાં સાથે તને પણ ઉપાડી જાય.''
''મારી ચિંતા ન કર.'' સુરભિ હસી. ''હું કોલેજના સમયમાં જૂડો-કરાટેની ચેમ્પિયન રહી ચૂકી છું.''
''એ તો તું મારા પર અજમાવવા માટે શીખી હતી.'' અમને મજાક કરી.
સુરભિએ એ જ રીતે મજાકમાં જવાબ આપ્યો, ''તમારી પર અજમાવવાની જરૂર લાગશે તો પણ હું તક નહીં ચૂકું. પહેલાં ખરાબ નજર કરનારા પર અજમાવીશ.''
પછી કોઈ ગીત ગણગણતાં સુરભિ સાત થાળી તૈયાર કરવા લાગી.
ત્યાર બાદ બારીના પડદા હટાવી પડોશીઓના ઘર તરફ એક નજર કરી તો આશ્ચર્ય વચ્ચે એક ફ્લેટની છત પર બે-ચાર સળગતી મીણબત્તી સિવાય બધાં ફ્લેટ અંધકારમાં ડૂબેલાં હતા.
''તેં નકામા એકાવન કોડિયામાં દોઢ કિલો જેટલું તેલ બગાડયું, કહે, કોના ઘરમાં માટીના દીવા દેખાય છે?'' અમને સવાલ કર્યો.
''બીજા કોઈની સાથે આપણે શી લેવાદેવા? એવું પણ બને કે બધા ફ્લેટો બંધ તાળાં મારેલાં હોય, કોઈ રહેવા ન આવ્યું હોય.''
''તો પછી તું શું કરીશ? મીઠાઈ કોને આપીશ?''
''ત્યાં.'' સુરભિએ મીણબત્તી સળગતા છજા તરફ ઇશારો કરતાં કહ્યું.
''ત્યાં જઈશ? એ તો ઘણા દૂર રહેલા ફ્લેટો છે. રસ્તો પણ અંધારિયો છે.''
સુરભિ હસીને કહે, ''કહ્યું ને કે હું જૂડો-કરાટે...''
''સારું બાબા, જા હવે.'' અમન તેની વાત કાપતાં બોલ્યો, ''પરંતુ એવું ન બને કે તું પડોશણ સાથે વાતોમાં આખી રાત કાઢી નાખે ને ફટાકડા જેમના તેમ પડયા રહે.''
''જલદી આવી જઈશ.'' સુરભિએ થાળીમાં થોડી વધુ મીઠાઈ રાખી. સાત ઘર ન મળ્યાં પણ એક તો મળ્યું. રસમ-રિવાજ તો પૂરા થશે.
''કોણ જાણે પડોશણ કેવી હશે! જો સમાન ઉંમરવાળી હશે તો સોનામાં સુગંધ ભળે એવી વાત બનશે. આમ પણ કોણ કોના ઘરે જાય છે ભલા?'' સુરભિ રસ્તામાં વિચાર કરતી હતી.
અંધારામાં કંઈ કેટલીય ઠોકર ખાધા પછી લાંબુ ચક્કર કાપી તે નક્કી કરેલા સ્થળે પહોંચી શકી. તેણે નીચેથી જ બીજા માળના ફ્લેટ પરની ડોરબેલ બગાડી.
જ્યારે કોઈ નીચે ન ઉતર્યું ત્યારે તે પગથિયાં ચડી ઉપર પહોંચી, જેવો તેણે દરવાજો ખખડાવ્યો કે ધડામ્ કરતો ખૂલી ગયો.
આછા પ્રકાશમાં ઘણા પુરુષોને જોઈ સુરભિ અવાક બની ગઈ. દારૂની ગંધ સાથે પત્તાંને જોઈને તેને સમજતાં વાર ન લાગી કે ત્યાં જુગાર રમાઈ રહ્યો હતો.
''બહેન, ક્યાં છે? હું સામેવાળા ફ્લેટમાં રહું છું.'' થોડા ગભરાટ સાથે તે બોલી.
''અહીં બહેન કે મા કોઈ નથી. બધા ભાઈ સાહેબો છે.'' એક પુરુષ બોલ્યો. આ સાંભળી બીજા બધા ખડખડાટ હસી પડયા. સુરભિ અંદરથી ધૂ્રજી ઊઠી.
''એને લાગ્યું કે તે ખોટા સ્થળે આવી ગઈ છે.'' સુરભિ ગભરાટમાં પાછી ફરવા ગઈ ત્યાં એક યુવાને તેનો હાથ પકડી એટલી જોરથી તેના તરફ ખેંચી કે હાથમાં રહેલી મીઠાઈની થાળી ધડામ દઈ નીચે પડી ગઈ.
તેનું શરીર સૂકાં પાંદડાંની જેમ કાંપવા લાગ્યું. જૂડો-કરાટેના તમામ દાવપેચ ભૂલી જઈ કસાઈના હાથમાં સપડાયેલી બકરીની જેમ તરફડવા લાગી, ''છોડ, મને છોડી દે, હટ જવા દે.''
''કેવી રીતે છોડી દઉં, મારી જાન.'' યુવક વધુ કંઈ કરે તે પહેલાં બાજુના ફ્લેટમાંથી કોઈ બહાર આવ્યું અને તેને ખેંચીને અંદર લઈ લીધી.
અર્ધમૂર્છિત અવસ્થામાં કોઈ સ્ત્રીને નજીક જોતાં તે તેના ખોળામાં પડી અને બેભાન થઈ ગઈ.
બહારથી ગુંડાઓ દરવાજો ઠોકી રહ્યા હતા. પરંતુ ઘરના લોકોએ એની જરા પણ ચિંતા ન કરી અને સુરભિની સારવારમાં લાગી ગયા.
સુરભિ ભાનમાં આવી એટલે તેમણે ચા બનાવીને તેને પિવડાવી. તેમણે કહ્યું કે તે ગુંડાઓ તેમને પણ બહુ હેરાન કરે છે. આવતીજતી સ્ત્રીઓની છેડતી કરવી એ તો તેમને માટે સામાન્ય બાબત છે.
પતિ-પત્નીએ સુરભિના ઘરનો ફોન નંબર લઈ અમનને ત્યાં બોલાવી લીધો અને જે ઘટના બની હતી તે સંભળાવી.
શરમથી સુરભિ પતિ સામે મસ્તક ઊંચુ ન કરી શકી. તેણે અમન સામે કેવી ડંફાસ મારી હતી અને જૂડો-કરાટેની તાલીમ લીધાની વાત મીઠું-મરચું ભભરાવીને કરી હતી!
પતિ-પત્ની અમનને તેમના ઘર સુધી મૂકવા આવ્યા ત્યારે તેમને આગ્રહ કરીને પોતાના ફ્લેટમાં લઈ ગયા.
પછી ચારે જણાએ સાથે મળીને ફટાકડા ફોડયા, મીઠાઈનો સ્વાદ માણ્યો અને એકબીજાને ઘરે આવવાજવાનો વાયદો કરી વિદાય લીધી.
પડોશણ તો મળી ગઈ, પરંતુ બાપરે... ગુંડાનો વિચાર આવતાં જ સુરભિ ધૂ્રજી ઉઠતી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qcz2qe
via IFTTT
Comments
Post a Comment