ભાષાના ભગા કરવામાં પથુકાકાને કોઇ ન પહોંચે અમે બેઠા બેઠા ટીવી ઉપર 'મધુમતી' ફિલ્મ જોતા હતા. મેં કહ્યું 'આ ...... હા...... હા..... એ જમાનામાં બીમલ રોય અને મહેબૂબ ખાન જેવાં કેવાં કેવાં ધરખમ ડિરેકટરો થઇ ગયા ?' કાકા બોલ્યા 'ફિલ્મી દુનિયામાં ડિરેકટરોની જેમ કેટલીક ડિરેકટરીઓએ પણ નામ કાઢયું છે હો?' મેં પૂછયું 'ડિરેકટરી એટલે એટલે શું ?' કાકા બોલ્યા મહિલા દિગ્દર્શકને ડિરેકટરી કહેવાય એટલીય ખબર નથી ? ડિરેકટરનું સ્ત્રીલીંગ ડિરેકટરી, પોલીસનું સ્ત્રીલીંગ પોલીસી અને પતનનું સ્ત્રીલીંગ પતની...... કાકાએ હજી વાકય પૂરૂં કર્યુ ત્યાં તો એમના ઘરની 'પોલીસી' ધસમસતા આવ્યા અને ભડૂકયા 'બેઠાં બેઠાં પતન અને પતની..... પોલીસ અને પોલીસીની શું પંચાત કરો છો ? 'પતની' ન હોતને તો તમારા જેવાં કૈંક ભાઇડાનું પતન થાત, અને પોલીસની વાત કરો છોને ? તો કેમ ભૂલી ગયા ? મારા બાપા જામખંભાળીઆમાં ફોજદાર હતા ફોજદાર' આ સાંભળી કાકાએ વળતો પ્રહાર કર્યો કે 'તને પરણ્યા પછી ઓલી કહેવત સાચી પડી કે માર ખાધો પણ ફોજદાર તો જોયા ?'
ધૂંધવાયેલા કાકી મહિલા પોલીસની જેમ ધૂંધવાઇને પગ પછાડી રસોડામાં ગયા એટલે કાકાએ એમના નિવૃત્ત ફોજદાર સસરાની વાત છેડી. 'મારા સસરા હળવદના બ્રાહ્મણ એટલે લાડવા ખાવામાં શૂરા ઇ જમાવામાં કયા ફિટનેસ જોવાતી ? એટલે ખાઇ ખાઇને ફાંદ વધતી મોટી ફાંદ ઉપર પેન્ટ ચડાવી કચકચાવીને બેલ્ટ બાંધે ત્યારે જાણે રૂની ગાંસડી ઉપર દોરડું બાંધે એવો દેખાવ લાગે. એમાં ગામવાળાએ ઉપનામ આપ્યું ફાંદાળા ફોજદાર. એમાં વળી નાના ગામમાં કોઇ મોટા માણસ આવવાના હોય ત્યારે ગામના ગ્રીનચોકમાં વટથી બંદોબસ્ત ડયુટીમાં ઉભારહે. આ જોઇને એક વાર કોઇ ટીખળીએ ચાંદો ઉગ્યા ચોકમા..... એ લોકગીતના રાગમાં ઠોકગીત લલકાર્યુ ઃ'
ફાંદો ઉભો ચોકમાં
ઘાયલ ફાંદો ઉભો ચોકમાં
હે લ્હેરીડા લાડુ ઝાપટીને
ઝોલા ખાય રે અરજણિયા......
ઠોકગીત સાંભળીને ફાંદાળા ફોજદારે હાથમાં લાઠી હતી એ બરાબર નિશાન તાકીને એવી છૂટ્ટી મારી કે ટીખળ ખોરનો ટાંટિયો તોડી નાખ્યો અને થોડા દિવસ તૈમુરલંગ બનાવી લીધો. ત્યારે પથારીમાં પડયા પડયા ટીખળખોર બોલ્યો માર ભલે ખાધો પણ ફોજદારને તો જોયા ?
મેં પૂછયું ' ંકાકા એ ટીખળખોર કોણ હતો ?' ત્યારે કાકાએ પરાણે હસીને ભેદ ખોલતા કહ્યું ' ઇ હું જ હતો, બીજું કોણ હોય ? પણ સાચુ કહું ? ઇ વખતે ફોજદારે મારેલી લાઠીની જે પીડા થઇ હતી ઇ તો પાંચ-સાત દિવસમાં મટી ગઇ, પણ વખત જતા ઇ જ ચંદુલાલ ફોજદારે મને જમાઇ તરીકે પસંદ કરી પોતાની દીકરીને મને લાડી તરીકે વરાવીને જે આજીવન પીડા આપી ઇ બહુ વસમી છે. એટલે પહેલાં લાઠીનો અને પછી લાડીનો મૂંઢમાર સહન કરૂં છું. માર ખાઇ ફોજદારને જોઇ આજેય હું મનોમન હિન્દી ફિલ્મનું ભજન ફેરવીને ગાઊં છું ઃ
તુમ્હી હો મારતા
પીટતા તુમ્હી હો
તુમ્હી હો ચંદુ
ડખા તુમ્હી હો.....
મેં કહ્યું 'ઇ પોલીસે એમની 'પોલીસી' તમારા ગળે ખરી વળગાડી' પથુકાકા ફિલસૂફની અદાથી બોલ્યા કે 'તેને ખબર છેને ? હાસ્યના મૂળમાં પીડા રહેલી છે ? એટલે પીડા સહીને પણ હું મોજમાં રહેતા શીખી ગયો છું. સસરા ફોજદાર અને જમાઇ મોજદાર.....'
મેં કહ્યું 'જૂના વખતમં ફાંદાળા ફોજદાર અને જામી પડેલા જમાદાર જોવા મળતા. પણ અત્યારે તો પોલીસ દળમાં ફિટનેસનું બહુ ધ્યાન રખાય છે હો ? ' પથુકાકા માથુ ધૂણાવી નકારમાં બોલ્યા 'પહેલાની જેમ આજના જમાનામાં પણ જે ખાવામાં ધ્યાન ન આપે એનાં પેટે વધેલા જોવા મળે છેને ?' મેં ઇરાદાપૂર્વક પૂછયું પોલીસવાળા શું ખાવામાં ધ્યાન નથી રાખતા ? કાકા કહે ખાવામાં બધુ જ આવી જાય, સમજનેવાલો કો ઇશારા કાફી હૈ......
મેં કાકાની વાતમાં સૂર પૂરાવતા કહ્યું કે 'વાત સાચી, હમણાં જ એન્ટી - કરપ્શન બ્યુરોનો રિપોર્ટ છાપામાં વાંચ્યો હતો. એમાં લખ્યુ હતું કે નાના નાના કામ માટે પણ ખાઇકી કરતા કેટલાય ખાખી ગણવેશધારી છટકાંમાં સપડાયા હતા.
પથુકાકા તરત બોલી ઉઠયા કે ' દેશના વડા કરે મન કી બાત અને મહારાષ્ટ્રના પોલીસ વડા કરે તનકી બાત.....'
મેં પૂછયું 'તન કી બાત એટલે વળી શું ?' કાકાએ જવાબ આપ્યો કે મહારાષ્ટ્રના પોલીસ વડાએ બધા પોલીસવાળાને તાકીદ કરી છે કે જે પોલીસનું પેટ મોટું હશે એને પ્રમોશન નહી મળે. એટલે કોઇ પણ પોલીસની બઢતીનો આદેશ જારી કરવામાં આવે તેના ૧૫ દિવસ પહેલાં જીમમાં કસરત કરીને પેટ ઘટાડવું પડશે અને શરીર સુડોળ બનાવવું પડશે. જે પોતાના પેટની બઢતી નહી રોકે એની બઢતી રોકવામાં આવશે.
મેં કહ્યું 'કાકા દેશમાં રેટ અને પેટ વધતા રોકવાનું મુશ્કેલ છે.એમાં પછી પોલીસ હોય કે પ્રજા, હરેફરે નહી અને બેઠા બેઠા ''ખાધા'' જ કરે અને નેટ ચાલુ કરી બેઠા બેઠા 'નેટ-પ્રેકટીસ' કર્યા કરે એમાં પેટ ન વધે તો શું થાય? પૌષ્ટીક વસ્તુ ખાવાને બદલે બટેટા-વડા, પાઉ-વડા મેંદુવડા ખાતા રહે એમાં પછી પેટ વધી જ જાયને?'
ટન-બદન ઘટાડવા દંડ-બેઠક કરો કાં દંડ ભરો
પુરૂષનું જિગર જોવાય અને સ્ત્રીનું ફિગર જોવાય. જોકે સ્ત્રી હોય કે પુરૂષ હોય વધતા ફુગાવામાંથી કયારે ડબલ ફિગરમાં આવી જાય એ કહેવાય નહી. જેના બદનની તારીફ કરતા શમ્મી કપૂરનું ગીત ગાયું હોય એય..... ગુલબદન..... ફૂલોં કી મહેક કાંટો કી ચૂભન..... એ જ ગુલબદન જયારે ઊર્દૂ શબ્દ ગુલના ગુજરાતી 'ફૂલ' કરી 'ફૂલ-બદન'માં ફેરવાઇ જાય ત્યારે જોઇને ફફડી ઊઠાય. હમણાં જ કેટલાક નિષ્ણાત ડૉકટરોએ કહ્યું હતું ને કે લોકડાઉન દરમિયાન હર્યાફર્યા વગર ઘરમાંને ઘરમાં બેઠા રહી પાટલેથી ખાટલે અને ખાટલેથી પાટલે જેવી સ્થિતિમાં દિવસો ગુજારી ઘણાંના વજન વધી ગયા છે. કેટલાંયના તનબદન જોતજોતામાં ટન-બદનમાં ફેરવાઇ ગયા છે. જનસંઘને બદલે વ-જનસંઘ પાર્ટી ઉભી કરવી પડે એવી સ્થિતિ સર્જાઇ છે.
લોકડાઉનમાં મંદિરો પણ બંધ હતાને ? નહીંતર દેવદર્શનને નામે પણ થોડું ચાલવાનું તો થતું ? જિમ પણ બંધ હતા એટલે એકસરસાઇઝ વિના શરીરની એક-સરખી-સાઇઝ કયાંથી થાય ? સામાન્ય રીતે રોજ સવારે મંદિરે દેવદર્શને જવાના આગ્રહી પથુકાકાને મેેં માસ્ક બાંધીને ઘરની ઓશરીમાં બેસી છાપું વાંચતા જોયો એટલે પૂછયું 'કેમ કાકા ? મંદિર ગયા વિના તમને સોરવતુ નહી હોય ખરૂંને ?' ત્યારે કાકા કહે વહે હુ નિરાકાર ભકિત તરફ વળ્યો છું.
મેં આશ્ચર્ય વ્યકત કરતા પૂછયું કે 'તમે વળી નિરાકાર ભકિત તરફ કેવી રીતે વળ્યા ?' પથુકાકા રસોડું રોકીને રસોઇ કરતા (હો) બાળાકાકી તરફ ઇશારો કરીને ઇ સાંભળે નહી એમ કહ્યું 'આઠ મહિના ઘરમાંને ઘરમાં રહી, ટેસથી ખાઇ-પીને આ તારી કાકી તેનો મૂળ આકાર ગુમાવી બેઠી છે, એટલે બસ ઇ 'નિરા-કાર'ના દર્શન કરીને સંતોષ માનું છું અને મનોમન ગાતો રહું છું ઃ વજનવા બૈરી હો ગઇ હમારા .....'
મેં કાકાને કહ્યું કે કાકી ઓસરીમાં, કમ્પાઉન્ડમાં કે પછી અગાશીમાં ચાલવા કેમ નથી જતા ? કાકા કહે 'ઇ બસ જીભ ચલાવે છે, પોતે નથી ચાલતી, દેશના વડા મન કી બાતમાં વાતોના વડા કરે એમ આ તારી કાકી સેંથકના (બટેટા) વડા ખાઇ ખાઇને હવે ટન કી બાત કરતી થઇ ગઇ છે.'
મેં કાકાને કહ્યુ ંકે 'છાપામાં વાંચ્યુને? પોલીસના વડાએ ચેતવણી આપી છે કે જેનું વજન વધુ હશે તેને બઢતી નહીં મળે યાદ છેને ?' કાકા નિસાસો નાખી બોલ્યા 'ઇ બધાને બઢતી મળે કે ન મળે આપણે શું લેવાદેવા? મને તો બઢતીને બદલે આ કાયમ વઢતી મળી છેને એમાં જ બેડો પાર થઇ ગયો છે.
મેં કાકાને જૂૂના દિવસોની વાત યાદ દેવડાવતા કહ્યું કે 'વર્ષો પહેલાં આપણે કોઇ ઓળખીતાની જાનમાં ઠેઠ ઉત્તર પ્રદેશના અલીગઢ ગયા હતા યા યાદ છે ?' માથું ખંજવાળીને યાદ આવતા બોલ્યા કે 'હા..... હા..... યાદ આવ્યું આપણાં મહોલ્લામાં વર્ષોથી ગેરેજ ચલાવતા એ ગેરેજના માલિકના દીકરાની જાનમાં ગયા હતા, અને પછી અલીગઢમાં સાઇકલ-રિક્ષામાં ખૂબ ફરેલા.....' મેં કહ્યું 'બસ ઇ સાઇકલ-રિક્ષાની જ મારે વાત કરવી છે.
માણસ રિક્ષા ખેંચે અને પેસેન્જર ટેસથી બેસે એ સીન યાદ કરીએ તો અત્યારે શરીરમાંથી કમકમાટી છૂટી જાય છે. ગમે એવાં જાડા-પાડા પેસેન્જર પાછળ બેસી ટેસથી શિંગ ફાકતા હોય અને રિક્ષાવાળા પેડલ ઉભા થઇ થઇ પરસેવે રિક્ષા ચલાવતા હોય ત્યારે 'દો બીઘા જમીન' ના દેવામાંથી છૂટવા પૈદલ રિક્ષા ચલાવતા ગરીબ કિસાન (બલરાજ સહાની)ની યાદ આવી જાય.'
કાકા બોલ્યા 'હવે વધુ મોણ નાખ્યા વિના આગળ વાત કરને ?' એટલે મેં કહ્યું 'અલીગઢના જિલ્લા પ્રશાસનને આ સાઇકલ રિક્ષાવાળાની દયા આવી. એટલે વર્ષો પહેલાં 'જાડિયાઓ જોગ' આદેશ બહાર પાડયો હતો. જિલ્લા પ્રશાસને જાહેર કર્યું હતું કે ભારેખમ ભાર્યાઓ હોય કે પેટાળવા પતિદેવો, હોય, સાઇકલ રિક્ષામાં બેસો એનો વાંધો નહીં. પરંતુ રસ્તા પર ઢાળ આવે કે પછી પુલ ચડવાનો હોય ત્યારે ફરજિયાત સાઇકલ રિક્ષામાંથી હેઠા ઉતરી જવાનું . જે નહીં ઉતરે તેને ૫૦૦ રૂપિયાનો દંડ થશે. લોકો રિક્ષાવાળાની દયા ખાઇને ઉતરી જાય. નહીતર પોલીસ એકટની કલમ-૩૪ હેઠળ દંડ ફટકારવામાં આવશે. પણ કહે છે કે આ આદેશની ધારી અસર થઇ હતી અને કેટલાય ટન-બદનો દંડ ભરવાને બદલે દંડ-બેઠક કરીને ભાર ઉતારવા માંડયા હતા.'
પથુકાકા કહે કે શું જમાનો આવ્યો છે ? લોકોને માનવતા દેખાડવા માટેય દંડની બીક દેખાડવી પડે છે, અત્યારે જોને આ કોરોના કાળમાં પોતાના જીવ બચાવવા માટે જરૂરી એવાં માસ્ક પહેવાનું ટાળે એને દંડ ફટકારવો પડે છેને ? લોકોને દંડ ભરી છૂટી જવાના દંડ-કારણ્યની અને પોલીસના દંડુકા-રણ્યની આદત જ પડી ગઇ છે.
અમારી વાત ચાલતી હતી ત્યાં (હો) બાળાકાકી ધમ..... ધમ..... કરતા ધરતી ધુ્રજાવતા સત્સંગમાં જવા નીકળ્યા, કાકીને જતા જોઇ કાકા બોલ્યા જોયુંને તે ? લોડાઉનમાં છૂટ મળી એટલે ગમેતેને અડફેટે લઇ નોકડાઉન કરવાની તૈયારી સાથે તારા કાકીબા નીકળી પડયા. એની સાથે પંગો લેવાની હિંમત કરે ઇ પથડાટ ખાય. એટલે જ હું સંસ્કૃત શ્લોકનં ફેરવીને પઠન કરૂં છું ઃ
ભૂકંપ કરોતી વાટ-ચાલમ્
પંગુ-ગંગુ તે ગીરમ
યત કાયા ધમ ધમ કૂદે
ફર-મા ટન ટન વજનમ્
અંત - વાણી
બેનું વજન ન હોય
એક ધાણીનું ને બીજું ધણીનું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fRU88A
via IFTTT
Comments
Post a Comment