ઠંડીની મોસમમાં શી રીતે રાખશો અધરને સુંવાળા


માનુનીના અધર પર કંઈ કેટલાય ગીતો લખાયા છે. તેની તુલના પરવાળા કે ગુલાબની પાંખડીઓ સાથે થઈ છે. સ્ત્રીના ચહેરાની સુંદરતામાં મુલાયમ-ગુલાબી હોઠ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલું જ નહીં, શરીરનું બીજું કોઈ અંગ ઓષ્ટ જેટલી ખૂબસુરતીથી પ્રેમાભિવ્યક્તિ નથી કરી શકતું. માતા તેના શિશુને અત્યંત કોમળતાથી ચુંબન કરીને બાળક પ્રત્યેની મમતા દર્શાવે છે. જ્યારે પ્રેમીજનો ગાઢ ચુંબન કરીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. પરંતુ આ ખૂબસુરત અધર માટે શિયાળો શત્રુ બનીને આવે છે. જોકે પામેલાઓ ચોક્કસ ઉપાયો અજમાવીને આ શત્રુને હંફાવી શકે છે. કહેવાનો અર્થ એ છે કે ઠંડીની ઋતુમાં નાજુક-નમણાં હોઠ ફાટી ન જાય તેની કાળજી લેવી આવશ્યક છે. સૌંદર્ય નિષ્ણાતો તેના વિશે માહિતી આપતાં કહે છે...,

* તમારા ટૂથ બ્રશની સાથે સાથે વધારાનું એક ટૂથબ્રશ રાખો. આ બ્રશ વડે રોજ સવારના ઓષ્ટ પર આવી ગયેલી શુષ્ક ત્વચાને હળવેથી દૂર કરો. તમે ચાહો તો સાકરને અધર પર હળવા હાથે ઘસીને પણ તમારા હોઠ મુલાયમ રાખી શકો છો. આ સિવાય રાત્રે સુતી વખતે તેમ જ દિવસ દરમિયાન પણ બીવેક્સ, ગ્લિસરીન, જોજોબા, એલોવેરા, શીઆ બટર ધરાવતું લીપ બામ ઓષ્ટ પર લગાવી રાખો. ઘરમાં બનાવેલા માખણમાં સહેજ કેસર નાખીને તે હોઠ પર લગાવવાથી પણ અધર સુંવાળા રહે છે. તેવી જ રીતે દેશી ઘી તરડાયેલા હોઠને ફરીથી લિસ્સાં બનાવે છે.

* ઠંડીની મોસમમાં જે રીતે આપણે ગરમ વસ્ત્રો પહેરીને ત્વચાની રખેવાળી કરીએ છીએ તેવી રીતે ઓષ્ટને લિપ બામ, લિપસ્ટિક, લિપગ્લોસ, લિપ ટિન્ટ્સ, લિપ સ્ટેન્સ કે બટર વડે ઢાંકીને તેની કાળજી કરી શકાય. તમે તમારી પસંદગી મુજબ કોઈપણ ઉત્પાદન હોઠ પર લગાવી રાખો. આમ કરવાથી તમારા અધર ઉઘાડા નહીં રહે. પરિણામે તે ફાટી જવાની ભીતિ આપોઆપ દૂર થઈ જશે. ટૂંકમાં એમ કહી શકાય કે આ બધા ઉત્પાદનો અધર માટે સુરક્ષા કવચની ગરજ સારે છે. તમે બહાર જાઓ તો પણ તમારી હેન્ડબેગમાં આમાંનું એકાદ ઉત્પાદન અચૂક રાખો. અને તેને વારંવાર લગાવતા રહો.

સૌંદર્ય નિષ્ણાતો વધુમાં કહે છે કે ઠંડીની મોસમમાં મેટ લિપસ્ટિક લગાવવાની ભૂલ ન કરો. આ સમય દરમિયાન મોઈશ્ચરાઈઝર ધરાવતી ગ્લોસી લિપસ્ટિક લગાવો.

* હોઠ પર લિપસ્ટિક લાંબો સમય ટકી રહે તેનો સૌથી સરળ ઉપાય છે લિપ લાઈનર. અધરને લિપ લાઈનર વડે આઉટલાઈન આપો. હવે ઓષ્ટ પર મોઈશ્ચરાઈઝર ધરાવતી લિપસ્ટિક લગાવો. અથવા અધર પર પહેલા નરિશિંગ અને મોઈશ્ચરાઈઝિંગ લિપ પ્રોટેક્ટર લગાવો. જો તે થોડું વધુ જણાય તો હળવા હાથે ટિશ્યુ પેપર દબાવીને તેને સહેજ ઓછું કરી નાખો. હવે તેના ઉપર તમારી ગમતી લિપસ્ટિક એપ્લાય કરો. તમે ચાહો તો લિપસ્ટિક લગાવ્યા પછી તેના ઉપર હળવેથી લિપ ગ્લોસ પણ લગાવી શકો.

* સૌંદર્ય નિષ્ણાતો હોઠને સુંવાળા રાખવાના ઉપાયો બતાવવા સાથે ખૂબસુરત દર્શાવવાના નુસખા જણાવતા કહે છે કે જો માનુનીના હોઠ બહુ મોટા હોય તો તેણે ઘેરા રંગની લિપસ્ટિક લગાવવાનું ટાળવું. આમ છતાં પ્રસંગોપાત ડાર્ક કલરની લિપસ્ટિક લગાવવી હોય તો સૌથી પહેલા હોઠ પર ફાઉન્ડેશન લગાવવું. ત્યાર બાદ અધરના કિનારાથી સહેજ અંદરની તરફ લિપ લાઈનર લગાવી હોઠનો આકાર આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવો. હવે લિપસ્ટિક લગાવીને જુઓ કે તમારા અધર થોડાં પાતળા લાગે છે કે નહીં. તેવી જ રીતે અત્યંત પાતળા હોઠ ધરાવતી  યુવતીએ ઓષ્ટના કિનારેથી સહેજ બહાર લિપ લાઈનર લગાવીને પછી લિપસ્ટિક એપ્લાય કરવી. આમ કરવાથી તેમના અધર સહેજ ભરાવદાર લાગશે.

શિયાળામાં હોઠ પર કાંઈપણ લગાવ્યા વિના ઘરથી બહાર ન નીકળવું. અને માત્ર શિયાળામાં જ શા માટે, કોઈપણ સીઝનમાં  અધર પર કમ સે કમ  એસપીએફ-૧૫ ધરાવતું પ્રોટેક્ટિવ લિપ બામ અચૂક લગાવવું. આમ કરવાથી તડકાને લીધે અધર કાળા નથી પડતાં.

- વૈશાલી ઠક્કર



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qhnm5p
via IFTTT

Comments