એક મોજણી પ્રમાણે સ્ત્રીઓમાં ગર્ભપાતના કેસ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એક ગાયનેક સ્ત્રી તબીબ દિવસમાં બેથી ત્રણ ગર્ભપાત રોજ કરે છે અને આ ગર્ભ ૧ થી ૩ મહિના સુધીના જ હોય છે.
જે છોકરીઓ પોતે સ્વચ્છંદ બનીને વિચરવાના ખ્યાલ ધરાવે અને જે કેવળ મોજમસ્તી માટે જ શારીરિક સંબંધ બાંધે છે તેવી કિશોરીઓ આવા કિસ્સામાં વધુ જોવા મળે છે.
સામાજીક મૂલ્યોનો હ્રાસ તથા સંસ્કૃતિથી વિચલિત પરિસ્થિતિમાં સગીર બાળકોને જ્યારે ચોક્કસ વિચારધારાનો અભાવ હોય અને આધુનિક બનવા ઇચ્છુક હોય તે આવી અવ્યવસ્થાકીય પરિસ્થિતિનો શિકાર બને છે. આજના યુવાધનને પ્યાર, મોજમસ્તી, આઝાદીના વિચારો ઘેરી લે છે. તેઓ સેક્સમાં પણ સ્વતંત્રતા ઇચ્છે છે પરંતુ જ્યારે આ સ્વતંત્રતા એક મજાક બને અને યુવા વર્ગ તેનો ગેરફાયદો ઉઠાવે ત્યારે સમાજે જાગૃત થવાની જરૂર છે.
કૌમાર્ય, બ્રહ્મચર્ય, સતીત્વ, એકનિષ્ઠા, પવિત્રતા જેવી માન્યતાઓ શારીરિક સંબંધોમાં એક આડશ માનવામાં આવે છે. તેથી યુવાવર્ગ સમાજે બાંધેલી નૈતિક સીમાઓનું ઉલ્લંઘન કરવામાં સાહસ અને મર્દાનગી માને છે. આ છે તેમની શાન.
સગીરવય વટાવવાની સાથે જ યુવાનો પોતાને શારીરિક સંબંધ માટે લાયક ગણે છે પરંતુ એમાં કોઇ ભાવનાત્મક રૂપે આવેલી પરિપક્વતા હોતી નથી. યૌન સંબંધમાં મનમાની કે સ્વેચ્છાચાર એ સાચી સ્વતંત્રતા નથી કેમ કે જવાબદારીવિહીન યૌન સંબંધ સભ્ય સમાજમાં ત્યાજ્ય છે.
યુવાવર્ગ એક ચોક્કસ નવી વિચારસરણી ધરાવે છે કે પ્રેમ અને સેક્સ (જાતીય સુખ) સાથે જ હોવા જોઇએ. સામાન્ય રીતે કોલેજ કન્યાઓમાં હવે એ ચર્ચા સામાન્ય બની છે કે પ્રેમ અને લગ્ન તથા લગ્ન પછી સેક્સ એ હવે રૂઢિચુસ્ત વિચારસરણી છે.
આધુનિક ખ્યાલ ધરાવતી યુવતીઓએ શારીરિક સંબંધથી સીમા ઉલ્લંઘન એ સહજ સ્વીકૃત છે. એ કોઇ ગેરવ્યાજબી પરિસ્થિતિ નથી. યુવાવર્ગને કોણ સમજાવે કે પ્રેમ એ કોઇ રમકડું નથી કે મોજમસ્તીનું સાધન નથી કે જ્યારે ઇચ્છા થાય ત્યારે રમી શકાય. પ્રેમને સંબંધ છે મન તથા આત્માના ઉંડાણ સાથે. મજાકમસ્તી તરીકે પ્રેમને સાધન માનનારા પાસે આ ઊંડાણની અપેક્ષા કેવી રીતે કરી શકાય? એમાં ચાહ કે ચાહના કશું હોતું નથી. એમાં પ્રદર્શિત થતી સંવેદના એક પ્રપંચ અને કલંક સમાન છે. ભાવનાત્મક અપરિપકવતાનું બીજું નામ છે. ભાવુકતા કે સંવેદનશીલતા કહેવાય છે. જેમાં એક પછી એક ભાવુકતા કે સંવેદનશીલતાના પ્રસંગો બનતા જાય. વ્યક્તિના મહોરા બદલાતા જાય છે.
કેટલીય યુવતિઓ ભાવિક હોય પણ તેની અર્થગંભીરતા સમજે નહિ. તેથી પોતાને સહેલાઇથી શિકાર થવા દે અને પરિણામે મોજમસ્તીના કાદવમાં ખૂંપી જાય. ભાવુક યુવતિઓ વાચાળ તથા સર્વસુલભ તરીકે જણાતી હોય છે. તેઓ ઉચ્છ્રંખલ તથા ચંચળ પ્રકૃતિની હોય છે. જેથી તે સ્ત્રી બહુ સરળતાથી પોતાનું સર્વસ્વ બીજાને ચરણે ધરી દે છે. આવી વાચાળ અને સર્વસુલભ વ્યક્તિ સ્વેચ્છાચારી જાતિય જીવનને અત્યંત સહજ તેમજ તત્પરતાથી સ્વીકારે છે.
વિજાતીય આકર્ષણ યુવતિ પાસેથી તેનું કૌમાર્ય ભંગ કરાવે અને મોજમસ્તી તેમની બરબાદી લાવે છે. આવી રીતે જ્યારે કોઇ યુવતિ પરપુરુષને જાતનું સમર્પણ કરે છે ત્યારે સામાજીક, ભાવનાત્મક, વૈચારિક તથા શારીરિક રીતે તે કુંઠિત થઇ જાય છે. આ આઝાદી તેમને આવારા બનાવે છે.
૯૨ ટકા પુરુષોનું ભાવના પ્રદર્શિત કરવાનું કારણ તેઓ સ્ત્રીની નબળાઇ ઓળખી શકે છે. કિશોરીઓ કે યુવતિઓએ આત્મસંયમ કેળવવો જરૂરી બનશે. અન્યથા રોજરોજ ગર્ભપાતના કેસોનો ગ્રાફ ઊંચો ને ઊંચો જશે.
યુવતિઓએ ભાવિ પત્નીની કામગીરી પણ કરવાની હોય તે વખતે દરેક યુવક પોતાની પત્નીને તન ને મનથી પવિત્ર હોય એમ ઇચ્છે છે. વૈવાહિક જીવનને સુખી સમૃધ્ધ કરવા યુવતિઓ આવી મોજમસ્તીથી અને તે અત્યંત સાવધાની રાખે તે જરૂરી છે.
યુવાન મિત્ર કહે છે કે, 'આપણે તો એકબીજા માટે જ નિર્માયા છીએ. આ અવસર ખોવા જેવો નથી. આ સુખની ઘડી ઇશ્વર નિર્મિત છે...' વગેરે આ વાક્યો જરૂર મધુર છે પરંતુ એક જ સ્ખલન અને જિંદગીમાં સદાનું એક કલંક. તેથી આવા વાક્ય પર ભરોસો કરવા કરતાં ભવિષ્યના વિવાહિત જીવનનું માધુર્ય અખંડ રાખવાનું જ ઇષ્ટ છે. લગ્ન પહેલાં ગર્ભધારણ કે સેક્સની મોજમસ્તી કરેલી યુવતિ પોતાના સમૃધ્ધ ભવિષ્ય પર પૂર્ણ વિરામ મૂકે છે. આવી ઉન્મત્ત ભાવનાઓ લગ્ન પછી પ્રગટ થઇ શકે અને એની કદર પણ થાય છે. સ્ત્રી અને પુરુષ સંસારના સુખ ભોગવવા જ નિર્માણ થયા છે, પણ સમાજે નિયત કરેલ વિવાહ સંસ્થામાં જોડાયા પછી.
ઈશિતા
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ofG0Jn
via IFTTT
Comments
Post a Comment