ઋતુ બદલાતા પરિધાનોની દુનિયામાં પણ ઘણી ઉતર-ચઢ થઈ જાય છે. મોસમ અનુસાર વસ્ત્રોના પહેરવેશમાં ઘણો ફરક પડી જાય છે અને આપણે પણ બજારમાં ઋતુ પ્રમાણેના કપડાની ખરીદી કરવા નીકળી પડીએ છીએ. દરેક વખતે નવી ડિઝાઈન કે નવા કટથી જ ગ્રાહકોને સંતોષ થતો નથી. તેઓ નીતનવા કપડાની પણ માંગ કરે છે. રોજબરોજ આપણી બજારોમાં નવી નવી વેરાયટીનું કપડું આવે છે. કેટલાક ફેબ્રીક આપણને પહેલી નજરે જ પસંદ પડી જાય છે જ્યારે અન્ય કેટલાક તો જૂજ દિવસના જ મહેમાન હોય છે જે ત્યાર પછી ક્યારેય દેખાતા નથી. જો કે ગયા વર્ષથી કૃત્રિમ કરતા કુદરતી ફેબ્રીકની માંગ વધી છે અને આ વર્ષે પણ તે ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે.
ઘણા પુરુષો સોફ્ટ કોર્ડડ યાર્ન અથવા કાર્ડેડ યાર્નને ટ્વીડ અને ડોનીયલ ટ્વીડ લોંજ જેકેટ, બોકલ યાર્ન, સાથે વિવિધ રંગમાં ભેળવીને પહેરવાનું પસંદ કરે છે. આ પ્રકારે તૈયાર થતા કાપડની પાછળ સ્ત્રીઓ પણ ઘેલી છે. તેઓ સૂટ, ટ્રાઉઝર્સ કે ફોર્મલ સ્કર્ટ્સ માટે આ કપડાની પસંદગી કરે છે.
ડિઝાઈનરો આ શિયાળામાં ઈંગ્લીશ કંટ્રી સાઈડ દેખાવને લક્ષમાં રાખીને વસ્ત્રો ડિઝાઈન કરવાના છે. આ માટે કપડાની પસંદગી ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઊન અને ખરબચડા કપડાંમાં (ટ્વીડ) ચોકડી કે પટ્ટાની ડિઝાઈન આ સીઝનમાં સુંદર લાગશે, એમ તેઓનું માનવું છે. ટ્વીડ એટલે કે ખરબચડું કપડું આપણે ત્યાં વર્ષોથી ચાલે છે અને તેનો દેખાવ હુંફ તથા આરામદાયક હોવાના ગુણને કારણે તે ડિઝાઈનરોનું મનપસંદ કપડું છે.
હાલમાં કોર્ડ વેલ્વેટ અને વેલ્વેટનો ટ્રેન્ડ ફરી પાછો ચાલુ થયો છે. શિયાળો અને લગ્નસરાની મોસમ એકસાથે હોવાથી વેલ્વેટની ચમકદમક તથા ગરમી ખૂબ લોકપ્રિય બને છે. કોઈપણ સાડી સાથે વેલ્વેટનું બ્લાઉઝ શોભે છે તે ઉપરાંત વેલ્વેટની બેગ, બેલ્ટ તથા શૂઝ પણ મળે છે.
એક ડિઝાઈનરે આ ઋતુમાં લેધર અને જેકાર્ડને અપનાવ્યા છે. હંમેશા ખરીદદારોની પસંદ ધ્યાનમાં રાખીને ડિઝાઈનરો નવા નવા કપડા બનાવવાના પ્રયત્નો કરતા હોય છે.
ઠંડીની ઋતુને હંફાવવા નીતનવા સ્પોર્ટ્સવેર પણ આવી ગયા છે. લેધર ઉપર સિલાઈથી ડિઝાઈન કે વૉર્નિશ જેવા રંગની ફિનીશ ધરાવતા બ્લાઉઝ કે ઓવરકોટ પહેરવાથી જીમખાનામાં તમારો વટ પડશે. આ પ્રકારના બ્લાઉઝ કે ઓવરકોટ ચોકલેટ બ્રાઉન, ઓચર, મરુન, કેસરી ઘેરો લીલો, ઘેરો ભૂરો જેવા વિવિધ રંગોમાં આવે છે.
સુંવાળુ કોડરોય પણ ડિઝાઈનર અને ફેશનપરસ્તોનું કેન્દ્રબિંદુ છે. વજનમાં હળવું કોડરોય, પહેરવાની પણ એક અલગ મજા છે. જો તમારે એક જ ટ્રાઉઝર્સ લેવાના હોય તો તમારે હંમેશા મનપસંદ એવું કોડરોયનું જ પસંદ કરવું જોઈએ.
સહુનું મનપસંદ ડેનીમ હજી પણ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. જો કે આપણે ત્યાં ડેનીમને જીન્સ સાથે સાંકળી લેવામાં આવ્યું છે. ડેનીમના સ્કર્ટ, ટોપ, ડ્રેસીસ તથા જેકેટની માંગ યથાવત્ છે. બ્લુ ડેનીમ વધુ ચાલે છે. ડેનીમને ખરાબ દેખાડવા ઘણા જુવાનીયાઓ તેને ડાય કરીને ગંદુ બનાવે છે. પણ જેમને ખૂબ જ સહજ અને શાંત દેખાવ પસંદ હશે તેમને ડેનીમ ગમતું નથી.
જોકે કેટલાક ડિઝાઈનરો વસ્ત્રો ડિઝાઈન કરતી વખતે કપડાની સાથે ઋતુનો પણ તાલમેલ બેસાડે છે જ્યારે અન્ય કેટલાક કપડાને જ મહત્ત્વ આપે છે. કેટલાક ડિઝાઈનરોએ આ ઋતુ માટે સિલ્કની પસંદગી કરી છે. ડયુપીયન સિલ્ક ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ડ્રેપ સિલ્કમાં પણ સ્ત્રી પાતળી અને સુંદર લાગે છે. સિલ્કનું ટ્રાઉઝર્સ અને ડ્રેપ સિલ્કનું ટોપ સરસ દેખાય છે. રો સિલ્ક થોડું કડક હોવાથી તે નીચે જ વધારે સારું લાગે છે. જો કે ડિઝાઈનરો એ ૪૦ થી ૫૦ કપડામાંથી ગ્રાહકની પસંદગી અનુસાર જ કપડાની પસંદગી કરે છે.
જો કે પારદર્શક કપડાની પણ માંગ વધારે છે. શિયાળો છે છતાં લોકો પારદર્શક કપડાની જ પસંદગી કરે છે. આ કપડા ઉપર કરવામાં આવેલી એમ્બ્રોઈડરીથી થ્રી-ડી અસર થાય છે.
અન્ય એક ડિઝાઈનર હાલમાં હાથેથી સહેલાઈથી ધોવાઈ જાય તેવા રોસિલ્કની ઉપર હાથ અજમાવી રહ્યા છે. સિલ્ક હાથેથી ધોવાતા સુંવાળું બને છે અને કરચલીઓવાળું દેખાવા લાગે છે. લગ્નસરા માટે ટફેટા સિલ્ક પણ ઉપયોગી થાય છે.
આવા વસ્ત્રો સાથે શ્યૂડના શૂઝ ખૂબ જ સુંદર લાગે છે તે ઉપરાંત જો તમારી પાસે શિયાળાના વસ્ત્રો હોય તો તેને નવોે ઓપ આપવા તેના ઉપર ચામડાના પેચ લગાડો, ટોપ, પેન્ટ, સ્કર્ટ, શાલ તથા ઈવનીંગ ગાઉન ઉપર લેધર પેચ સરસ લાગે છે. મફલર ઉપર ચામડાના ફુમતા પણ શોભે છે. શ્યૂડ જેકેટ અને પેન્ટ ઉપર લેધરના પોકેટ અને ફુમતા પણ સારા લાગે છે. તે ઉપરાંત જો તમારી પાસે શાલ હોય તો તેના ઉપર હીરા ટાંકી દેવા જેથી તે તદ્દન નવી ડિઝાઈનની બની જાય.
સૌથી છેલ્લે જીવદયા પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે કે પશુનું જ ચામડું વાપરવું તેવું જરૂરી નથી. ખોટું ચામડું સાચા ચર્મ કરતા ઘણી સારી ડિઝાઈનીંગ અસર ઉપજાવે છે અને મોટાભાગના ડિઝાઈનરો પણ આ પ્રકારના જ ચામડાનો ઉપયોગ કરે છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JyfqvH
via IFTTT
Comments
Post a Comment