વંધ્યત્ત્વમાં આયુર્વેદ


આજના જમાનામાં વંધ્યત્ત્વની સમસ્યા ખૂબ જ કૂદકે ને ભૂસકે વધી રહી છે. આઈ.વી.એફ. સેન્ટરો જાણે કે દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે, અને આ સેન્ટરોનાં ડૉક્ટરો, દર્દીઓ પાસે મરજી મુજબ ફી લઈ રહ્યાં છે. છતાંય દરેક દર્દીને આ ટેકનીકથી સફળતા મળશે જ તેની કોઈ ગેરંટી નથી. આજે ઘણાંએ દંપતિઓ સંતાન સુખથી વંચિત છે. સંતાન રહીત દંપતિનાં જીવનમાં એક પ્રકારનો ખાલીપો મહેસૂસ થતો હોય છે. પતિ-પત્નીનાં જીવનમાં જ્યારે બાળકનું આગમન થાય છે, ત્યારે ધન્યતા અને આત્મીયતા અનુભવાય છે. બાળકથી જીવનમાં સંતોષ આવે છે.

હવે, વંધ્યત્ત્વની સારવારની વાત કરતાં પહેલાં વંધ્યત્ત્વ એટલે શું તે આપણે સમજવું પડશે. પ્રજનની અસમર્થતા એટલે જ વંધ્યત્ત્વ. સામાન્ય વૈવાહિક સ્થિતિમાં રહેવા છતાં જે સ્ત્રીને લગ્ન પછી ત્રણ વર્ષમાં સંતાન પ્રાપ્તિ ન થાય તેને વંધ્યા કહેવામાં આવે છે. વંધ્યત્ત્વનાં ઘણાં બધા કારણો છે. અપરિપક્વ સ્ત્રી બીજ, શુક્રાણુઓની ખામી, વીર્યદોષ, આર્તવદોષ, સમાગમ દોષ વગેરે અનેક કારણો વંધ્યત્ત્વમાં કારણરૂપ હોય છે.

પ્રજોત્પાદન માટે પ્રાકૃત અવસ્થામાં સ્ત્રી તેમજ પુરુષ બંને કારણભૂત છે. આથી સંતાન પ્રાપ્તિ માટે પતિ-પત્ની બંનેના કારણોનો વિચાર કરવો જોઈએ.

સંતાન પ્રાપ્તિ માટે પરિપક્વ સ્ત્રીબીજ, સ્વસ્થ જીવિત શુક્રજંતુઓ હોવા જરૂરી છે. સ્ત્રીબીજનું ન બનવું અથવા તો સ્ત્રીબીજનો વિકાસ ન થતો હોય તો આયુર્વેદિક ઔષધિ જેવાં કે, પુષ્પધન્વારસ, ચંદ્રપ્રભાવટી, કયાલોહાદિેવિટી વગેરે ઔષધિનું વૈદકીય સલાહ મુજબ સેવન કરવું.

સ્ત્રીઓમાં બીજાશયનાં યોગ્ય વિકાસ ન થવાથી થનાર વંધ્યત્ત્વમાં પુષ્પધન્વારસ ખૂબ જ સારું કામ આપે છે. અંડકોષ, બીજવાહિની, શુક્રવાહિનીની નબળાઈને લીધે આવેલી નપુંસકતા માનસિક દોષથી થનારી નપુંસકતા, વીર્યનું પાતળાપણું ઇન્દ્રિયની શિથિલતા, સ્ત્રીબીજનું ના બનવું, ગર્ભાશયનાં રોગો વગેરેમાં પુષ્પધન્વારસ ખૂબ જ અસરકારક છે.

ચંદ્રપ્રભાવટી પણ વંધ્યત્ત્વમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ગર્ભાશયની અશક્તિથી બીજગ્રહણ ન થવું, ગર્ભ ન રહેવો કે રહે તો ત્રણ, ચાર કે પાંચ મહિના ગર્ભ રહ્યાં પછી ગર્ભપાત થઈ જવો, આ સ્થિતિમાં ચંદ્રપ્રભાનાં સેવનથી વિષતત્ત્વ નિર્મૂળ થઈ ગર્ભાશય અને બીજાશય સુદ્રઢ બને છે.

આર્તવમાં અનિયમિતતા, અતિ આર્તવ, અનાર્વત વગેરે ગર્ભાશયની શિથિલતામાં પણ ચંદ્રપ્રભાવટી આપી શકાય છે. પુરૂષોની સારવારમાં શુક્રાણુગત ખામી દૂર કરવા માટે આયુર્વેદીય વાજીકર ઔષધિનું સેવન કરવું.

વંધ્યત્ત્વમાં શુક્રાશય દુષ્ટીપ્રધાન કારણ છે.

આથી વૃષ્યયોગોનો પ્રયોગ કરવો. (૨) બલવર્ધક રસાયણનું સેવન કરવું. (૩) આયુર્વેદીય બહુમૂલ્ય રસૌષધિઓ જેવી કે, રૌપ્યભસ્મ, બંગભસ્મ, ચંદ્રપ્રભાવટી, પુષ્પધન્વારસ, શિલાજીત્વાદિવટી, ત્રિબંગભસ્મ, શક્તિ સંજીવની વગેરે યોગોનું વિધિવત ચિકિત્સક કે વૈદ્યની સલાહ મુજબ સેવન કરવું જોઈએ. (૪) શુક્રદ્રષ્ટિમાં સુખકર અને હિતકારી ઘી, દૂધ, દહીં, અડદ, સાઠીચોખા, ખીર, પથ્ય છે. તમાકુ, પાન, સિગારેટ વજર્ય છે.

આ સિવાય પુરૂષમાં શુક્રવાહિનીઓનો વિકાસ ન થવો, અંડકોષમાં ખામી વગેરે કારણોમાં પુષ્પધન્વારસ વૈદકીય સલાહ મુજબ લઈ શકાય છે. શુક્રાણુઓની કમી હોવી વગેરે રોગોમાં અશ્વગંધા ચૂર્ણ, કૌંચાપાક વગેરે પણ ખૂબ ઉપયોગી છે. જે વીર્યનું પાતળાપણું અને નપુંસકતાને મટાડે છે, અને વીર્યધારણ શક્તિ ને વધારે છે. તેના સેવનથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ઉચિત રક્ષણ અને પોષણ થાય છે. જે પરમપુષ્ટી અને સંતુષ્ટી પ્રદાન કરીને નવયૌવનની પ્રાપ્તિ કરાવે છે.

આમ, આયુર્વેદિય રસ ઔષધિઓ, અને વાજિકરણયોગોનું વિધિવત સેવન કરવાથી સ્ત્રી-પુરૂષની તમામ સામાન્ય તકલીફો દૂર થાય છે. આ ઉપરાંત સ્ત્રીને જો ગર્ભાશયની દુષ્ટિ હોય, આર્તવ ગંધ મારતું હોય, ખૂબ કાળાશ પડતું આર્તવ આવતું હોય, તો આ બધી સમસ્યાઓમાં ઉત્તરબસ્તિ અને ગર્ભાશયની શુદ્ધિથી આર્તવની શુદ્ધિ અને આર્તવની શુદ્ધિથી સ્ત્રીબીજ શુદ્ધ થાય છે. અને સ્ત્રી સંતાન પ્રાપ્તિ માટે નિઃસંશય સક્ષમ બને છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39AyfcZ
via IFTTT

Comments