- માની લો કે કાચબો સસલાને એમ કહે કે ''ચાલ આપણે એવી સ્પર્ધા કરીએ કે તારી પીઠ પર ઉપરથી કોઇ વજનદાર પથ્થર ફેંકે અને તે પછી મારી પીઠ પર. જોઇએ કોણ વધુ વજન સહન કરી શકે છે'', તમને લાગે છે કે સસલાભાઇ પરિણામ જાણવા જીવતા રહે.
આ પણે વધુ પડતા આત્મવિશ્વાસમાં રહીએ તો સાવ નબળો હરીફ પણ આપણા કરતા આગળ નીકળી જાય તેવો બોધપાઠ આપતી સસલા -કાચબાની દોડની સ્પર્ધાની વાર્તા જાણીતી છે. તુલનાત્મક રીતે જીતી જ ન શકે તેવો કાચબો સસલા સામે રેસમાં જીતી જાય છે તેના પરથી એમ પણ મેસેજ અપાય છે કે તમે તમારી પ્રતિભામાં પાંગળા હો તો પણ ખંતપૂર્વક શક્ય એટલી વધુ ક્ષમતા બહાર લાવીને આત્મવિશ્વાસ કેળવીને સ્પર્ધામાં છેક સુધી ટકી રહો પછી ભલે તમે પરાજય પામો. ઘણી વખત હરીફોની સુસ્તી,વ્યૂહરચનામાં નિશ્ચિંત વિજય છે તેવી આત્મશ્રદ્ધા કે કોઈ સંજોગોવસાત હરીફ કે હરીફો ખસી જાય તો વિજયની તાસક એમ જ હાથમાં આવી જતી હોય છે. હા, સ્પર્ધામાં ઉતરવું પડે અને એડીચોટીનું જોર લગાવીને ટકી રહેવું પડે. આપણા પૂર્વજો જે બાળ વાર્તાઓ ભેટમાં આપી ગયા છે તે આજે વિશ્વની ટોચની મેનેજમેન્ટ યુનિવર્સીટીઓ અને કોર્પોરેટ જગતમાં ભણાવાય છે. કાચબા સસલાની વાર્તા મૂળ ઇસપની કથા છે જે અંદાજે ૨૬૦૦ વર્ષ પહેલાં કહેવાઈ હતી.
આપણે આ વાર્તાને હવે જરા જુદા દ્રષ્ટિકોણથી સમજીએ. ખરેખર તો સસલા અને કાચબા વચ્ચે રેસ જ ન હોવી જોઈએ. સસલા જેવું કોઈ દોડી ન શકે અને કાચબા જેવું કોઈ ધીમું ચાલી ન શકે. તો પણ આ બંને વચ્ચે દોડવાની રેસ 'બહુત નાઈન્સાફી હૈ યે.' માની લો કે કાચબો સસલાને એમ કહે કે ચાલ આપણે એવી સ્પર્ધા કરીએ કે તારી પીઠ પર ઉપરથી કોઈ મોટો વજનદાર પત્થર નાંખે અને અને તે પછી મારી પીઠ પર. જોઈએ, કોણ વધુ વજન સહન કરી શકે છે તો? કદાચ સસલાભાઈ પરિણામ જોવા પણ જીવતા ન રહે.
કુદરતે પ્રત્યેક જીવમાત્રને તેના આત્મરક્ષણ માટે અલગ અલગ ખાસિયત અને વસવાટ આપ્યો છે. કોઈ મર્યાદા આપી હોય તો બીજી તાકાત પણ આપેલી હોય છે. આપણી મુશ્કેલી ત્યારે જ શરુ થાય છે જ્યારે આપણે કુદરતે આપણને આપેલી અનોખી કોઈ ક્ષમતાને સમજ્યા, પારખ્યા વગર તેને નિખાર આપવાની જગાએ બીજાને કુદરતે જે અલાયદી વિશેષ ક્ષમતા આપી છે તે હસ્તગત કરવામાં જ નહીં પણ તેની સાથે સ્પર્ધામાં ઉતરીને જીવન ખર્ચી નાંખીએ છીએ. કદાચ ભૌતિક રીતે તે દરમ્યાન સફળતા મળે તો પણ આંતરિક આનંદ પ્રાપ્ત નથી થતો. હતાશા અને ડીપ્રેશન પણ આ કારણે અનુભવાય છે.
આથી જ કહેવત છે ને કે 'કરતા હૈ સો કીજીયે.' એટલું તો સ્વીકારવું જ પડે કે તમે ગમે તેટલા થોથા ઉથલાવો, પ્રતિભા સંપન્ન થવા નાણાને જોરે વૈશ્વિક ટોચની સંસ્થાઓમાં અભ્યાસ કરો પણ જે તમારા મૂળમાં પડેલ નથી તે મેળવવા બીજા તેમાં વધુ કમાય છે, નામના મેળવે છે કે દુરથી સુખી દેખાય છે એટલે મારે પણ તે કરવું છે તેવો જઝબા ધારણ કરશો તો સફળ નહીં થાવ, બધા લોકપ્રિય ઘરેડ, રોલ મોડેલ અને કારકિર્દી અપનાવવાની દોડમાં સામેલ થાય છે તેને લીધે જ સમાજમાં હાલ બૌદ્ધિક અને કૌશલ્યની કટોકટી કે અસમતુલા સર્જાઈ છે.
સંગીતમાં ઈશ્વરે ઝળકી ઉઠવાની ક્ષમતા આપી હોય. નિજાનંદ મળતો હોય અને નામ તેમજ દામ પણ કમાઈ શકાય તેમ હોય પણ બની જાય ડોકટર. વાઈલ્ડ ફોટોગ્રાફી કે આકટેક્ચરમાં જન્મજાત સૂઝ હોય પણ બની જાય કમ્યુટર એન્જીનીયર. ધંધામાં સફળ થવાની દ્રષ્ટિ હોય પણ બની જાય સરકારી કે બેંક કર્મચારી અને વળી પાછા અન્ય સફળ વ્યક્તિઓની સાથે તુલના કરે અને તેના જેવા ન બની શક્યા તેવો અફસોસ કરે કે પછી રેસમાં ઉતરે. માની લો કે તમે તમારા મનગમતા ક્ષેત્રમાં હો તો પણ તમારી તમામ પ્રકારની તન, મન અને ધનની શક્તિ કામે લગાડી દીધા પછી પણ તમે તમારા જ ક્ષેત્રના સહયાત્રીઓ જેટલા સફળ ન જ થાઓ તેવું બનતું જ હોય છે.
આવા વખતે મર્યાદા અથવા નસીબ જે પણ હોય તે સ્વીકારી તમારું જીવન જે છે તેનાથી સંતોષ અને આનંદ સાથે વિતાવો. શક્ય છે તમે જેને ચડિયાતા અને ભૌતિક કે સામાજિક રીતે સમૃદ્ધ છે તેમ માનો છો તેઓ તમારી જીવન માટેની જ્ઞાાનસભર દ્રષ્ટિ, કુટુંબ પ્રેમ અને સંવાદિતા માટે તલશતા હોય. જે છે તેને વધુ ધારદાર ચોક્કસ બનાવીએ પણ આપણી અને આપણી લીટી મોટી કરવાના ઈરાદા સાથે. હા, પ્રેરણા જરૂર લેવી રહી.
ઈર્ષા કરવા કરતા તે સફળ વ્યક્તિમાં એવી કઈ ખાસિયતો છે કે તે આવી સરસાઈ ધરાવે છે તેનું ખેલદિલીથી નિરીક્ષણ કરવું જોઈએ. સફળ વ્યક્તિની બીજથી વૃક્ષ સુધીની યાત્રા અને એકેએક સુક્ષ્મ પાસાઓ જોવા જોઈએ માત્ર ફળ જોઇને ઈર્ષાભાવ ન કેળવાય. સસલા કાચબાની વાર્તાનો એ પણ બોધ છે કે સમાજમાં કેટલાયે પ્રતિભાવાનોની આળસ, નિષ્ક્રિયતા, વધુ પડતા આત્મવિશ્વાસ અને સ્વૈરવિહારી વૃતિને લીધે તેઓ કંઈ પણ નક્કર પ્રદાન કર્યા વગર અંદરોઅંદર નાની ટોળકીને પ્રભાવિત કરવામાં જીવન વેડફે છે અને કાચબા જેવી મર્યાદા ધરાવનારાઓ શાંતિથી, ખંતપૂર્વક, ચૂપકે ચૂપકે સિદ્ધી, પ્રગતિ અને પ્રદાનનું શિખર સર કરીને જીવન સફળ બનાવે છે. તેઓને 'અનસંગ હીરો' બનવામાં પણ વાંધો નથી. હા ભાઈ અમે કાચબા અને તમે સસલા તેવી તો તેઓની મસ્તી હોય છે.
મર્યાદાનો સ્વીકારભાવ હોય છે. કાચબાને તો ખબર જ હતી કે તે સસલા સામે રેસમાં હારી જ જવાનો છે છતાં એ બહાને તેની મહત્તમ ક્ષમતા બહાર લાવી શકાય તે હેતુથી તે રેસમાં ઉતરે છે બસ તેનો આ જ મિજાજ તેને જીત અપાવે છે. કાચબો રેસમાં જીતવા ઉતાર્યો જ નહોતો. તેનાથી વિપરીત સસલો હારવા નહતો ઉતર્યો. કાચબાનો વિજય જંગલની અને પ્રકૃતિની ગોઠવણની દુનિયાનું જબરદસ્ત અપસેટજનક પરિણામ હતું. જીવનમાં પણ આવું જ બનતું હોય છે.
આ લખનારે અગાઉ કર્મના ફળને જુદી રીતે સમજાવ્યું હતું જે ફરી યાદ કરીએ. અમેરિકાના સ્વીમીંગ લેજેન્ડ માઈકલ ફેલ્પ્સને એક ઇન્ટરવ્યુમાં પુછાયું હતું કે 'પ્રેક્ટીસ તો તમારા જેટલા કલાકો ટોચના બધા જ સ્વીમરો કરતા હોય તો તમે કઈ રીતે આ હદે ગોલ્ડ મેડલ જીતી શક્યા?' ત્યારે ફેલ્પ્સે સહજતાથી કહ્યું કે 'હા, મેં જોયું કે તેઓ મારા જેટલી જ પ્રેક્ટીસ કરે છે પણ તરત જ ઝબકારો થયો કે તેઓ રાત્રે નિયમિત રીતે અમુક કલાકો ઊંઘી જાય છે બસ મેં તેઓ કરતા વધુ પ્રેકટીસ થાય તેથી તેઓ ઊંઘતા હોય ત્યારે પ્રેકટીસ શરુ કરી.' તમે જ્યારે નિરર્થક રીતે સમય પસાર કરતા હો છો ત્યારે સફળ વ્યક્તિ તેની ધાર સજાવતો હોય છે. વધુ હેતુપૂર્ણ કાર્યમાં ગળાડૂબ રહે છે.
તમે જે રીતે સમય વિતાવો છો તેમાંથી જે મેળવો છો તે બીજી વ્યક્તિને પ્રાપ્ય નથી હોતું અને બીજી વ્યક્તિ તેના સમય અને સોચથી જે મેળવે છે તે તમને પ્રાપ્ય નથી હોતું. ધેટ્સ સિમ્પલ.. તમે પંચાત કરો તેની મજા બીજાને ન મળે અને તે જ વખતે બીજી વ્યક્તિ સંગીત માણતી હોય તો તેનું સુખ તમને ન મળે. આગળ જતા આવા જુદા જુદા કર્મો ફળમાં રૂપાંતરિત થશે. અમેરિકામાં 'ઓપ્ટીમાઈઝીંગ ધ ટાઈમ'પર ખુબ ભાર મુકાય છે. સસલો આત્મવિશ્વાસમાં રાચીને જોતજોતામાં રેસ જીતવાની અડધી મંઝીલે પહોંચીને લીલાછમ ઘાસમાં કેફમાં રહીને મસ્તીથી કલાકો સુધી આળોટતો રહે છે અને તેને જે પ્રમાદ મળે છે તે મજા કાચબાને તે વખતે નથી હોતી તે તો ઠીચૂક ઠીચૂક ભારે હાંફી જતા ચાલતો જ રહે છે. આરામના નસીબમાં શ્રમ પછીની પ્રાપ્તિ નથી અને શ્રમના નસીબમાં આરામની પ્રાપ્તિ નથી. બસ આ જ છે કર્મની વૈકલ્પિક થિયરી.
હવે જરા કાચબા -સસલાની રેસની વાર્તામાં કહાનીમેં ટવીસ્ટ. મેનેજમેન્ટ અને મોટીવેશનલ વર્કશોપમાં ગેમ પણ રમાડાતી હોય છે અને એક જ વાર્તાને જુદાજુદા દ્રષ્ટિકોણથી મૂલવવાનું પણ વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ સ્ટાફને જણાવાય છે. આવો જ એક જુદા જ એન્ગલનો જીવનબોધ પણ જાણો જે સોશિયલ મીડિયામાં એક મિત્રએ શેર કર્યો છે. સસલો દુનિયાની નજરે કાચબા સામે હારી જાય છે અને દુનિયા તેની ફજેતી ઉડાવે છે ત્યારે સસલો કહે છે કે 'તમે કાચબાનો વિજય કાચબાએ કહ્યો તે રીતે સાંભળ્યો. તે જરૂર રેસ જીતવાના આખરી પડાવ પર પહોંચી ગયો હતો.
હું તેને તેના ખંત અને આત્મશ્રદ્ધા બદલ અભિનંદન પાઠવું છું પણ તમે હું જે કહું છું તે સાંભળો.' સસલો તે પછી તેની આપણને સૌને વિચારતા કરી મુકે તેવી વેધક વાત કરતા કહે છે કે 'હા, મને મારી તેજ દોડી શકવાની તાકાતનું અભિમાન હતું. હું વિજયી જ નીવડું તે વારંવાર જોવાના મદ હેઠળ જે આવે તેને પડકારતો. તેની સામે જીત મેળવી ગૌરવથી છલકાતો. છેલ્લે કોઈ બાકી નહતું રહ્યું એટલે કાચબાને પણ કહ્યું કે આવી જા મારી સામે રેસમાં. આમ અમારી રેસ ગોઠવાઈ. હું એ પણ કબૂલું છું કે કાચબો દસ ડગલા ચાલશે ત્યાં તો હું રેસ જીતવાના મુકામ પર આઠ દસ છલાંગ લગાવીશ ત્યાં જ પહોંચી જઈશ તેવા અભિમાનને મનમાં ઠાંસીને અધવચ્ચે પહોંચી એક સરોવર નજીક આવેલા હરિયાળા મેદાન પર ઘણી સરસાઈ લઈને બેઠો હતો .
આ તો તમે કાચબો પહેલા પહોંચ્યો એટલે વાર્તા બનાવી કાઢી કે હું મસ્તીથી આળોટતો હતો. હકીકતમાં તો મેં મારા જીવનમાં ક્યારેય પ્રકૃતિને માણી જ નથી. મારા મનમાં સતત રેસમાં જીતવાના અને વધુ એક રેસમાં આગળ જતા કોને પડકારું તેવા જ વિચારો ચાલ્યા કરતા હોય છે. મારી આવી બેચેન અને વ્યગ્ર સ્થિતિ જોઇને સરોવરના કિનારે ધ્યાનમાં બેઠેલા એક સંત વ્યક્તિએ મને કહ્યું કે 'કેમ તમે તનાવમાં જણાવ છો હું તમારી કંઈ મદદ કરી શકુ?' મેં તેને મારી હરીફાઈ વૃત્તિ અને જીતના જસ્નની અવિરત તલબની પ્રકૃતિ બાબત જણાવ્યું. સંતે મને બોધ આપ્યો કે 'તું બસ આ જ રીતે આખી જીંદગી રેસમાં અને જીતના ઉન્માદ માટે જ વીતાવીશ? તું આ હરિયાળા મેદાન પર આળોટવાનો આનંદ અને પરમ સ્વર્ગ જેવો નજારો ક્યારે અનુભવીશ. તને આ સરોવર, આ ઝરણાનું સંગીત, આ સુગંધી પવનની લહર, આ પંખીઓનો કલરવ, રાત્રે આકાશમાં ટમટમતાં તારાઓ, સૂર્યોદય અને સુર્યાસ્ત યાદ છે ખરા?
માની લે કે તું રેસમાં જીતીશ તો પણ જીવનમાં તું હાર્યો હોઈશ. જીવન પૂર્ણ થવા આવશે ત્યારે તને અફસોસ થશે કે હું તો યંત્રની જેમ માત્ર દોડતું ચાવીવાળું રમકડું બનીને જીવ્યો. તું રેસમાં જીતી ચુકેલા ભૂતકાળના કેટલા વિજેતાઓને યાદ કરે છે. પ્રગતિ અને ઉન્નતી માટે તારીને તારી ક્ષમતાને વધારતી રેસ કર. સબળાની પ્રેરણા લે અને અબળા પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કર. જીવનના બહુવિધ રંગોને પણ માણી લે અને સાથે સાથે તારી જવાબદારી નિભાવતા આગળ વધ.' બસ તે પછી અચાનક જ મને જાણે જ્ઞાાન થયું. મને નવી જ દ્રષ્ટિ સાંપડી.જંગલ હવે મારાં માટે સ્વર્ગીય ઉપવન બની ગયું. મેં તે જ પળથી રેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. હવે પછી ક્યારેય ચડસાચડસી, દેખાદેખી, છવાઈ જવું, વિજેતા રહેવું જેવી વૃતિ જ જાણે શૂન્ય બની ગઈ. કાચબાને મેં મારી નજર સામે આગળ થતા જોયો પણ મેં તેને દોડવા દીધો. હું કહી શક્યો હોત કે ભાઈ હવે હું રેસમાં નથી પણ ત્યાં જ મને વિચાર સ્ફૂર્યો કે 'મારે કહેવું નથી. ભલેને તે જીતનો જશ લઈને જંગલનો હીરો બને મને શું ફર્ક પડે છે.'
ઘણી વાર તો એવું બને છે કે સામેની વ્યક્તિ તમે તેની સામે રેસમાં હો તેમ માની ચાલબાજી કરે, ગંદુ રાજકારણ ખેલે. તેના જીવનનો એક જ ધ્યેય કે આ રમતમાં હું સામી વ્યક્તિને નીચા બતાવું, હરાવી દઉં.
અમુક અમુક સમયે આવી વ્યક્તિ આ ચાલમાં જીત્યો તેનું ગૌરવ લે છે. જીવન આવી રીતે વીતાવ્યા પછી અંતે તેને ખબર પડે છે કે 'તમે તો ગેમમાં જ નહતા. તમે તો તમારી મસ્તીમાં હતા. તમને તો ખબર પણ નહોતી કે સામેની વ્યક્તિએ તેનું આખું જીવન એવા ભ્રમમાં રહીને વેડફયુ કે 'જોયું ને કેવી સરસાઇ મેળવી.', એટલે જ કહેવાયું છે કે 'લીવ યોર લાઇફ'... પ્રોએક્ટિવ બનો, રીએક્ટિવ નહીં.'
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33vI4VA
via IFTTT
Comments
Post a Comment