મહિલા ડૉકટર સાથે 50 લાખ રૂપિયાની છેતરપિંડી : 2 જણની અટક


મુંબઇ,તા. 30 નવેમ્બર, 2020, સોમવાર

એક મહિલા ડૉકટરને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે મેનેજમેન્ટ ક્વોટામાંથી એડમિશન અપાવવાને નામે તેની સાથે ૫૦ લાખ રૃપિયાની છેતરપિંડી આચરનાર બે જણની જોગેશ્વરી પોલીસે અટક કરી હતી. આ બન્નેને કોર્ટમાં હાજર કરવામાં આવતા તેમને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ફરિયાદ મહિલા ડૉકટર છે અને એક સરકારી હોસ્પિટલમાં કામ કરે છે. તેને પોસ્ટ ગ્રેજ્યુએશન કહ્યુ હતું પણ નીટની પરિક્ષામાં ઓછા ટકા મળતા તેને એડમિશન મળતું નહોતું. આ દરમિયાન એક અજાણી વ્યકિતએ આ મહિલાને મેનેજમેન્ટ ક્વોટામાંથી એડમિશન કરાવી આપવા બાબતનો મેસેજ મોકલ્યો હતો. શરૃઆતમાં તો તેણે આ બાબતે ધ્યાન આપ્યુ નહોતુ. પણ ફરીથી મેસેજ આવતા તેણે સંપર્ક કરતા એડમિશન અપાવવા બાબતે આરોપીઓએ આશ્વાસન આપ્યુ હતું.

મેનેજમેન્ટ ક્વોટા હેઠળ એડમિશન માટે આરોપીઓએ ૫૦ લાખ રૃપિયાની માગણી કરી  હતી. આરોપીઓની વાત પર વિશ્વાસ કરી તેણે ૫૦ લાખ રૃપિયા પણ ચૂકવ્યા હતા. જોકે પૈસા આપ્યા બાદ બન્ને મહિલા ડૉકટરને ઉડાઉ જવાબ આપવા  માંડયા હતા અને ત્યારબાદ બન્નેએ ફોન પણ બંધ કરી દેતા મહિલાને છેતરપિંડી થઇ હોવાનુ ધ્યાનમાં આવતા તેણે જોગેશ્વરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નિખિલ અને જુગલ નામની બે વ્યકિતની અટક કરી હતી.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JmQ6cx
via IFTTT

Comments